રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ફરી વિવાદમાં આવી છે અને દારૂ ભરેલા ટ્રકનું પાયલોટિંગ કરવાનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસની આબરૂ ધૂળમાં મેળવતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ખુદ પોલીસ દારૂ-બિયર વેચવા આપી જતી હોવાનું કહેતા બુટલેગરનો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં બૂટલેગર પોલીસકર્મીઓનાં નામ પણ જણાવી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યારનો છે? અને કેટલી સચ્ચાઈ છે તે તો તપાસનો વિષય છે. પરંતુ વીડિયો સામે આવતા ફરી એકવાર પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.
લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભંગારનો ધંધો કરતા સંજુભાઈ ગાંડુભાઈ રાઠોડ નામનાં વ્યક્તિ કહી રહ્યા છે કે, આ બિયર છે જે ખુદ ક્રાઈમ બ્રાન્ચ વાળા દેવાભાઈ આપી ગયા છે. આ દેવાભાઇ એ જ છે જે ગઇકાલે સ્ટેટ મોનીટરીંગ સેલના હાથે દારૂ ભરેલ ટ્રક ચાલકના અપહરણના ગુનામાં સંડોવાયેલ છે. જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભક્તિનગર પોલીસનાં કર્મચારી પ્રવીણભાઈ આપી ગયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ દારૂ બીયર વેચવા માટે આપી જતા હોવાનો આ વીડિયો સામે આવતા લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અને પોલીસની આબરૂ સામે પણ સવાલ ઉદભવી રહ્યા છે.
પોલીસે કાર્યવાહી શા માટે ન કરી ?
ઉલ્લેખનીય છે કે વીડિયોમાં દેખાતો શખ્સ ચંદુભાઇ ઉર્ફે ચનાભાઈ રાઠોડ 30 જુલાઇ 2021 ના રોજ ભક્તિનગર પોલીસના હાથે દારૂ બીયરના જથ્થા સાથે ઝડપાયો હતો. એ સમયે પહેરેલા કપડાં અને વીડિયોમાં પહેરેલા કપડાં સરખા હોવાથી વીડિયો એ સમયનો હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ એ છે કે જો આ વીડિયોએ સમયનો જ હોય તો પોલીસે એ સમયે અન્ય પોલીસકર્મી વિરુધ્ધ કાર્યવાહી શા માટે ન કરી ?
આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થશે
બીજી તરફ વીડિયો વાયરલ થતા સવાલો ઉઠયા છે કે, શુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટમાં દારૂનાં અડ્ડા ચલાવવાની છૂટ આપવામાં આવે છે ? સાયલામાં ઝડપાયેલા ક્રાઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલ બિયર અને દારૂ વેચાણ માટે આપી જાય છે ? તેમજ ગાંધીનાં ગુજરાતમાં શુ દારૂબંધીનો સાચો અમલ ક્યારેય નહીં થાય ? આવા અન્ય કેટલા પોલીસ કર્મચારીઓ છે કે જેઓ દારૂનાં ગોરખધંધામાં સંડોવાયેલા છે ? શું આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે બધું ભીનું સંકેલાઈ જશે ? જોકે આ તમામ સવાલોનાં જવાબ હવે આવનારો સમય જ આપી શકે તેમ છે.
કોન્સ્ટેબલ મકવાણા અને બૂટલેગર ચંદારાણાની સાંઠગાંઠની બોલતી તસવીર માત્ર ભાસ્કરમાં
ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલાથી દારૂ ભરેલા કન્ટેનરનું અપહરણ કર્યું ત્યારે ક્રાઇમ બ્રાંચના સ્ટાફ સાથે રાજકોટનો નામચીન બૂટલેગર સૌરભ ઉર્ફે લાલો ચંદારાણા પણ હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચતા જ તે નાસી ગયો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી છે, બૂટલેગર સૌરભ ચંદારાણા અને પોલીસની ઘનિષ્ઠ મિત્રતા છે તે પુરવાર કરતી તસવીર દિવ્ય ભાસ્કરે મેળવી હતી, શિવ મંદિરમાં પૂજા કરી રહેલા સોનેરી કલરનો મુગટો પહેરેલો વ્યક્તિ કોન્સ્ટેબલ ભાવેશ મકવાણા છે અને તેની બાજુમાં કાળા રંગનો શર્ટ પહેરેલો વ્યક્તિ બૂટલેગર સૌરભ ચંદારાણા છે, પોલીસને જોતા જ બૂટલેગર અને ગુનેગારો ભાગે તેવી સ્થિતિ હોવી જોઇએ પરંતુ આ તસવીર સાબિત કરે છે કે પોલીસ અને ગુનેગાર વચ્ચે કેવી મિત્રતા છે,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.