ઉમેદવારો માટે 'પોલીસ મિત્ર' હાજર:​​​​​​​રાજકોટ જિલ્લામાં LRD ઉમેદવારો માટે પોલીસે તાલીમ શરૂ કરાવી, 14 જગ્યાએ શારીરિક અને લેખિત કસોટીની તૈયારી કરાવાય છે

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • 10 દિવસથી રાજકોટ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય તાલિમ માટે પોલીસનું આયોજન
  • આગામી સમયમાં ઉમેદવારોની સંખ્યા હજુ પણ વધવાનો અંદાજ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યુવાનો પોલીસ ભરતી માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પોલીસ ભરતી માટે તૈયારીઓ કરતા યુવાનો માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીની સૂચના મુજબ તેમના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્યમાં અલગ અલગ જગ્યા પર પોલીસ દ્વારા ફિઝિકલ પરીક્ષા માટે ગ્રાઉન્ડ લેવલની તાલીમ આપવામાં આવી રહી છે.

14 જગ્યાએ ઉમેદવારોને ટ્રેનિંગ અપાય છે
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ યુવાનો માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ 14 જગ્યાએ પ્રથમ ફિઝિકલ ફિટનેસ અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે 14 જગ્યામાં રાજકોટ મવડી હેડક્વાર્ટર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, જસદણ અને વિછિયા સહીત થાય છે.

ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની તસવીર
ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની તસવીર

ફિઝિકલ ટ્રેનિંગ બાદ કોચિંગ ક્લાસનું આયોજન
આ વર્ષે પ્રથમ ફિઝિકલ પરીક્ષામાં 25 મિનિટના સમયગાળામાં 5 કિલોમીટરની દોડ પુરી કરવાની હોવાથી હાલ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દોડ કરાવી કસરત કરાવી યોગ્ય તૈયારી કરાવવામાં આવી રહી છે. ફિઝિકલની સાથે સાથે અભ્યાસ અને વાંચન જરૂરી છે કારણ કે ફિઝિકલ બાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ફિઝિકલ બાદ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કોચિંગ ક્લાસનું પણ આયોજન કરવામાં આવશે.

600થી વધુ ઉમેદવારો તૈયારી કરે છે
ઉલ્લેખનીય છે કે હાલ છેલ્લા 10 દિવસથી રાજકોટ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય તાલિમ આપવા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 14 જગ્યા પર મહિલા અને પુરુષ ઉમેદવાર તૈયારી અર્થે તાલીમ મેળવવા માટે આવી રહ્યા છે, જેમાં 438 પુરુષ અને 217 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. હાલ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 655 છે જે આગામી સમયમાં દિનપ્રતિદિન વધતી જવાનો અંદાજ જિલ્લા પોલીસ વડા દ્વારા લગાડવામાં આવેલ છે.

LRDમાં 10,459 જગ્યા સીધી ભરતી
LRDમાં 10,459 જગ્યા સીધી ભરતી

LRDમાં 9.46 લાખ ઉમેદવારો નોકરીની રેસમાં
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.