ઊંઝાના વેપારીએ રાજકોટમાં જમીન ખરીદ કરી હતી તે જમીનનો સોદો કેન્સલ કરાવવા તેમજ જમીનના અસલ દસ્તાવેજો કબજે કરવા રાજકોટની ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ જોગરાણાએ વેપારીને રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ગોંધી રાખી માર માર્યાની ત્રણ દિવસ પૂર્વે ફરિયાદ નોંધાયા બાદ આરોપી પોલીસ અધિકારીઓ સામે પુરાવા એકઠા કરવા તપાસનીશ અધિકારીએ કવાયત શરૂ કરી હતી.
ઊંઝાના રામપાર્કમાં રહેતા વેપારી મહેશભાઇ ગોવિંદભાઇ પટેલે ગત તા.8ના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ જોગરાણાના નામ આપ્યા હતા.
મહેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં તેમણે ગાયત્રીનગર કો.ઓપ. હાઉસિંગ સોસાયટી લિમિટેડના રાજેન્દ્ર જસાણી પાસેથી રૈયા સરવેની 30 એકર જમીન ખરીદી હતી અને ટુકડે ટુકડે 5 કરોડ ચૂકવ્યા હતા, જેના બદલામાં રાજેન્દ્ર જસાણીએ નોટરી રૂબરૂમાં અસલ બાનાખત કરી આપ્યા હતા, પરંતુ જમીનના ભાવ ઊંચકાયા બાદ રાજેન્દ્ર જસાણીની નિયત બગડી હતી અને ક્રાઇમ બ્રાંચમાં મહેશભાઇ પટેલ વિરુદ્ધ અરજી કરી હતી.
અરજીના બહાને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જોગરાણા સહિતની ટીમ ખાનગી કારમાં ઊંઝાથી મહેશભાઇને રાજકોટ લઇ આવ્યા હતા અને ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં પીઆઇ વી.કે.ગઢવી સમક્ષ રજૂ કર્યા હતા, પીઆઇ વી.કે.ગઢવીએ અસલ બાનાખત પરત કરવા ગાળો ભાંડ્યા બાદ પ્લાસ્ટિકના ધોકાથી મહેશભાઇને માર માર્યો હતો અને બે દિવસ સુધી તેને ગોંધી રાખી ત્રાસ ગુજાર્યો હતો,
જાન્યુઆરીમાં બનેલી આ ઘટનામાં 10 મહિના પછી ગુનો નોંધાયો હતો, આ મામલાની તપાસ કરતા એસીપી ભાર્ગવ પંડ્યાએ પુરાવા સાથે રજૂ થવા ફરિયાદી મહેશભાઇ પટેલને નોટિસ મોકલી હતી, મહેશભાઇ પટેલ પાસેથી પુરાવા હાથ લાગ્યા બાદ વી.કે.ગઢવી અને જોગરાણાની ધરપકડ થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
આરોપી ખવડ સોશિયલ મીડિયામાં સક્રિય પણ પોલીસને મળતો નથી
લોકસાહિત્યકાર દેવાયત ખવડે પાંચ દિવસ પૂર્વે તેના સાગરીત સાથે મળી મયૂરસિંહ સંપતસિંહ રાણા નામના બિલ્ડર યુવક પર સર્વેશ્વર ચોકમાં ખૂની હુમલો કર્યો હતો, હુમલાની ઘટના બાદ ફરાર થઇ ગયેલો ખવડ પોલીસને હાથ આવતો નથી,આ ઘટનાનો ગુનો નોંધાયા બાદ પોલીસ દેવાયતને પકડવા તેના ઘરે ગઇ હતી.
પરંતુ દેવાયત મળ્યો નહોતો, ઘટનાને પાંચ દિવસ વીતી જવા છતાં ગંભીર ગુનાનો આરોપી ખવડ પોલીસ પકડથી દૂર છે, આરોપી પોલીસને હાથ આવતો નથી પરંતુ દેવાયત સોશિયલ મીડિયામાં સક્રિય છે અને સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સ પણ વધારી રહ્યો છે, કોઇપણ ગુનામાં આરોપી હાથ આવે નહીં ત્યારે પોલીસ આરોપીના પરિવારજનોની અનોખી રીતે પૂછપરછ કરે છે.
તેને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવે છે પરંતુ ખૂની હુમલો કરનાર દેવાયત પોલીસને ચકમો આપતો હોવા છતાં પોલીસ પોતાની સ્ટાઇલ આ પ્રકરણમાં કદાચ ભૂલી ગઇ છે, અને પોલીસની આ નીતિ તપાસ સામે અનેક સવાલો ઉઠાવી રહી છે. લોકડાયરામાં દેવાયત ખવડની સત્યતા, અને ખુમારીની વાતો માત્ર નાણાં કમાવવા પૂરતી સીમિત હોવાનું હુમલો કર્યા બાદ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.