રાજકોટ ટ્રાફિક પોલીસે ઈ-મેમોની જૂની ઉઘરાણી શરૂ કરીને લોકો પાસેથી સમાધાન શુલ્કના નામે દંડની રકમ ઉઘરાવવાનું શરૂ કરતા ઈ-મેમો સંદર્ભે લડત ચલાવતા યુવા લોયર્સ એસોસિએશને બે એડવોકેટને ફટકારવામાં આવેલા ઈ-મેમો અંગે કોર્ટમાં અરજી કરતા અદાલતે એવો હુકમ કર્યો હતો કે, ઈ-મેમોનો દંડ ઉઘરાવવાની સત્તા પોલીસ પાસે છે જ નહીં. તેમજ, પોલીસે ઈ-મેમો જનરેટ કર્યાને છ મહિનાનો સમય થયો છે તે ઈ-મેમો એન.સી. કેસ તરીકે કોર્ટમાં રજૂ કરી શકશે. ત્યારબાદ, જે તે વાહનચાલકને દંડ કરવો કે કેમ? તે કોર્ટ નક્કી કરશે.
રાજકોટ યુવા લોયર્સ એસોસિએશનના એડવોકેટ કિરીટ નકુમે જણાવ્યું હતું કે, હિમાંશુ પારેખ અને ગિરિરાજસિંહ જાડેજાને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો આપવામાં આવ્યા હતા. આ બન્ને મેમો રદ કરાવવા કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરતા કોર્ટે ફરિયાદને રજિસ્ટર લઈ રાજકોટ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખાના એસીપી, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટ્રલના જવાબદાર અધિકારીઓને કોર્ટમાં જવાબ રજૂ કરવા માટે નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી.
નોટિસના પગલે ટ્રાફિક એસીપીએ કોર્ટમાં હાજર રહીને ઉપરોક્ત બન્ને વકીલોને આપવામાં આવેલ ઈ-મેમોને કોર્ટ નોટિસ ગણી કાર્યવાહી કરવા અરજી કરી હતી. જ્યારે સામાપક્ષે ટ્રાફિક પોલીસની અરજીને પગલે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સીસીટીવી સર્વેલન્સ કેમેરા ટ્રાફિક નિયમનના ભંગ બદલ ઈ-મેમો ઈશ્યૂ કરવાની કે દંડ વસૂલ કરવાની કોઈ સત્તા કે અધિકાર ટ્રાફિક પોલીસને છે જ નહીં તેમ છતાં આજ દિવસ સુધી ઈશ્યૂ કરવામાં આવેલા ઈ-મેમો ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.
બન્ને પક્ષની રજૂઆતના અંતે અદાલતે હુકમ કર્યો હતો કે, અનડિસ્પોઝ ઈ-મેમો એટલે કે, ઈ-મેમો જનરેટ થયા ત્યારથી છ મહિના સુધીના જ મેમો લિમિટેશન એક્ટ મુજબ કોર્ટમાં એન.સી. કેસ તરીકે રજૂ કરવા. ત્યારબાદ, તે અંગેની કાર્યવાહી કોર્ટમાં રોજ ચાલશે અને દંડ કરવો કે કેમ તે કોર્ટ નક્કી કરશે.
અધિકારી પણ દંડ કરી શકતા નથી : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે આપેલા માર્ગદર્શક ચુકાદાઓ મુજબ 1995 (1) એસ.સી.સી.304 હેઠળ એવું જણાવ્યું છે કે, દંડ કરવાની સત્તા માત્ર સેક્શન 116 દ્વારા ક્રિમિનલ કોર્ટને જ છે. કોઇ પણ અધિકારી પોતાની જાતે દંડ કરી શકતા નથી. અને અદાલત પણ આવી ફરિયાદ આવે ત્યારે જ તેને સ્વીકારી શકે છે. સીઆરપીસી 468 મુજબ કોઇ પણ સરકારી લેણું વસૂલવા માટે જે કલમમાં દંડની જોગવાઇ હોય તેમાં વધુમાં વધુ છ મહિનામાં તંત્રે કોર્ટમાં કેસ દાખલ કરવો પડે છે. અને જો ન કરે તો લેણું આપોઆપ લિમિટેશન એક્ટ હેઠળ રદ થવાને પાત્ર છે.
કાયદામાં વળતરની પણ જોગવાઇ છે
ટ્રાફિક વાયોલન્સની ખોટી નોટિસ આપી તંત્ર દ્વારા લોકોને મસમોટો દંડ ફટકારી આર્થિક ફટકો આપવામાં આવે છે. જે સદંતર કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે. તંત્ર દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહી સામે અદાલતમાં આ મુદ્દે લોકો ફરિયાદ પણ કરી શકે છે. જે ફરિયાદને પગલે ફરિયાદ કરનારને સીઆરપીસીની કલમ 250 હેઠળ વળતર મળે તેવી પણ જોગવાઇ હોવાનું એડવોકેટ કિરીટ નકુમે જણાવ્યું છે.
છ મહિનામાં જનરેટ થયેલા ઇ-મેમોની રિકવરી કરાશે
પોલીસ દ્વારા ઇ-મેમોના દંડની પઠાણી ઉઘરાણી સામે કોર્ટે રૂકજાવનો આદેશ કર્યો હતો, રાજકોટ શહેરમાં છેલ્લા ચારેક મહિનાથી પોલીસ વાહનચાલકોને અટકાવીને અગાઉના તમામ ઇ-મેમોનાં દંડ વસૂલતી હતી અને જે વ્યક્તિ પાસે સ્થળ પર પૈસા ન હોય તેને વાહન ડિટેનની પણ ચીમકી આપવામાં આવી હતી, કોર્ટના આદેશ બાદ ઇન્ચાર્જ કમિશનર ખુરશીદ અહેમદે જણાવ્યું હતું કે, કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે, છ મહિનામાં જનરેટ થયેલા ઇ-મેમોનો દંડ વસૂલવાની છૂટ હોય પોલીસ છ મહિનામાં જનરેટ થયેલા મેમોની જ રિકવરી કરશે. > ખુરશીદ અહેમદ, ઇન્ચાર્જ કમિશનર
આ રીતે સમજો ઈ-મેમો અંગેનો હુકમ
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં 14.92 લાખ ઇ-મેમો ઇશ્યૂ થયા
સમાધાન શુલ્કના નામે પોલીસ જજ બની ગઇ છે
પોતે કરેલા ગુના બાબતે ટ્રાફિક પોલીસ પાસે માંડવાળ કરવું કે સમાધાન શુલ્ક ભરવું કે કોર્ટમાં જવું તે નક્કી કરવાનો અધિકાર વાહનચાલકનો છે. તેમ છતાં સમાધાન શુલ્કના નામે ટ્રાફિક પોલીસ પોતે જજ બની ગઇ છે અને દબાણ કરી ખોટી કાર્યવાહી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.