સફાઇ કામદાર હત્યા કેસ:રાજકોટમાં ‘આપ’નો આગેવાન ચોરી-લૂંટમાં સંડોવાયો’તો, પોલીસે આરોપીની ધરપકડ કરી, આજે રિમાન્ડ મગાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - તૌફિક - Divya Bhaskar
આરોપી - તૌફિક

ધરમનગર આવાસમાં રહેતા મનપાના સફાઇ કામદાર યુવક પર ચોરીનું આળ મૂકી આમ આદમી પાર્ટીના આગેવાને પટ્ટા અને ધોકાથી માર મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો, પોલીસે શનિવારે આપના આગેવાનની ધરપકડ કરી હતી તે અગાઉ ચોરી અને લૂંટમાં પણ સંડોવાઇ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

ધરમનગર આવાસ ક્વાર્ટર્સમાં રહેતા અને મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરતા હિતેષભાઇ ભૂપતભાઇ લઢેર (ઉ.વ.33) શુક્રવારે વહેલી સવારે 6.30 વાગ્યે તેમના નિત્યક્રમ મુજબ સફાઇ કામ કરવા માટે રૈયાધારમાં શાંતિનિકેતનના ગેટ પાસે ગયા હતા ત્યારે તે વિસ્તારમાં રહેતા આમ આદમી પાર્ટીના યુવા પાંખના સહ સંગઠન મંત્રી તૌફિક બશીર ખાંડુએ રૂ.12 હજારની ચોરી કર્યાનો આક્ષેપ કરી માથાકૂટ શરૂ કરી હતી.

બેફામ બનેલા તૌફિકે સફાઇ કામદાર હિતેષભાઇને જ્ઞાતિ અંગે હડધૂત કરી કમ્મરપટ્ટા અને ધોકાથી બેરહેમીથી માર માર્યો હતો, ઢોરમારથી બેભાન બની ગયેલા હિતેષભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાના બનાવ અંગે મૃતકના પત્ની લક્ષ્મીબેનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તૌફિકને સકંજામાં લઇ લીધો હતો, ઘટનાની તપાસ એસસીએસટી સેલને સોંપાતા સેલના ડીવાયએસપી બારૈયા સહિતના સ્ટાફે તૌફિક ખાંડુની શનિવારે વિધિવત રીતે ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તૌફિક અને હિતેષભાઇ વચ્ચે અગાઉથી પરિચય હતો અને હિતેષભાઇ તેના ઘરે અનેક વખત અગાઉ જમવા પણ જતા હતા, તૌફિકે રૂ.12 હજારની ચોરીનું આળ મૂકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો, પરંતુ મૃતકના ખિસ્સામાંથી કોઇ રકમ મળી નહોતી, હત્યા માટે ચોરીનો જ મામલો કારણભૂત હતો કે અન્ય કોઇ બાબત છુપાયેલી છે તે મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી તેમજ તૌફિક ખાંડુ અગાઉ ચોરી અને લૂંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. રિમાન્ડની માંગ સાથે રવિવારે તૌફિકને કોર્ટમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...