તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:નામચીન લાલો, તેની ગેંગના 10 સાગરીત સામે ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો, 6 ઝડપાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત અને રાજ્યમાં આ એક્ટ હેઠળ ત્રીજો ગુનો
  • જેલમાં રહેલા લાલો અને તેની ગેંગના તમામ 11 આરોપીના કુલ 56 ગુનાની તપાસ કરવામાં આવશે
  • 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઇ

રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા અને હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા નામચીન ઇરફાન ઉર્ફે લાલો અને તેની ગેંગના અન્ય 10 ઇસમ સામે પોલીસે ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ (જી.સી.ટી.ઓ.સી.) હેઠળ ગુનો નોંધતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પાંચવર્ષ પહેલા બનેલા આ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં માત્ર બે જ કેસ નોંધાયા હતા અને રાજકોટના ઇતિહાસમાં પ્રથમ અને રાજ્યનો ત્રીજો ગુનો બુધવારે નોંધાયો હતો.

કયા-કયા આરોપી પકડાયા?
થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એમ.હડિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે નામચીન ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુ રાઉમા, તેનો ભાઇ ઇરફાન ભીખુ રાઉમા, સદામ ઉર્ફે મસ્તાન મહેબૂબ ભુવર, મહમદહુશેન ઉર્ફે મમ્મુ જહાંગીર મકરાણી, શેહજાદ ઉર્ફે ગોટિયો હનિફ જુલાણી, ઇમરાન હનિફ કંડિયા, સોહિલ ઉર્ફે સોયેબ મહમદ પારેખ, ફારૂક સલીમ મૌણ, જાવિદ ઉર્ફે જાંબુ ઇબ્રાહીમ દાઉદાણી, એજાઝ ફારૂક બ્લોચ તથા શાબીર ઉર્ફે શબો ઇકબાલ અબ્બાસીના નામ આપ્યા હતા.

ગુનેગારો પર અંકુશ લાવવો જરૂરીઃ પીઆઈ
પીઆઇ હડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇમ્તિયાઝ ઉર્ફે લાલો અને તેના સાગરીતોએ ગેંગ બનાવી હત્યા, આર્મ્સ એક્ટ, વિસ્ફોટક નિયંત્રણ ધારા ભંગ, લૂંટ, ચોરી, છેડતી, ધમકી, રાયોટિંગ અને હત્યાની કોશિશ સહિતના ગુનાઓ આચરી લોકોમાં ભય ફેલાવી પોતાની ધાક ઊભી કરી પૂરું નેટવર્ક ઊભું કર્યું હતું. આ ગેંગ સતત ગુના આચરે છે અને આવા પ્રકારના ગુનેગારો ઉપર કાયદા મારફતે અંકુશ લાવવો જરૂરી છે. ફરિયાદ પરથી ઉપરોક્ત તમામ આરોપીઓ સામે ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધી ઇરફાન, શેહજાદ, ઇમરાન, ફારૂક, જાવિદ અને શાબીરને ઉઠાવી લીધા હતા, જ્યારે ગેંગ લીડર ઇમ્તિયાઝ ઉર્ફે લાલો અને એજાઝ અગાઉના ગુનામાં જેલમાં છે, જ્યારે પોલીસ કોઇ કાર્યવાહી કરી રહી છે તેવી જાણ થતાં સદામ ઉર્ફે મસ્તાન, મહમદહુશેન ઉર્ફે મમ્મુ અને સોહીલ નાસી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

ધાદ જમાવીને રૂપિયા પડાવતા હતા
આ કેસની તપાસ ચલાવી રહેલા એસીપી એચ.એલ રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓ ધાક જમાવીને આજીવિકા કમાતા હતા, આ ગેંગે કુલ 56 ગુના આચર્યા છે, જે તમામ ગુનાની આ કેસમાં તપાસ કરવામાં આવશે અને આ કેસ સાબિત થાય તો આરોપીઓને 10 વર્ષની કેદથી માંડી આજીવન કેદ સુધીની સજા થઇ શકે છે. અગાઉ આ પ્રકારની ફરિયાદ અમદાવાદમાં કમલેશ સામે અને અમરેલીમાં સોનુ ડાંગર સામે દાખલ થઇ હતી.

એક્સપર્ટઃ એસ.પી. રેન્કના અધિકારી આરોપીઓનું નિવેદન નોંધશે જેની વીડિયોગ્રાફી થશે
રાજકોટમાં પ્રથમ વખત નોંધાયેલા આ ગુનાની તપાસ ચલાવી રહેલા એસીપી રાઠોડે જણાવ્યું હતું કે, નાગરિકો પર ધાક જમાવીને આજીવિકા કમાતા અને સતત ગુના આચરવાની ટેવ ધરાવતા ગુનેગારો પર આ પ્રકારનો ગુનો દાખલ થાય છે, લાલો અને તેની ગેંગ અત્યાર સુધીમાં 56 ગુના આચરી ચૂક્યા છે અને એકપણ આરોપી પાસે કોઇ કાયમી નોકરી કે ધંધો નથી, માત્ર ગુનાખોરી કરીને પૈસાની કમાણી કરે છે. આ ગુનો નોંધાયા બાદ એસપી કક્ષાના અધિકારીઓ પાસે આરોપીઓના 164 મુજબ નિવેદન નોંધાશે જેની વીડિયોગ્રાફી થશે અને આ નિવેદનો પણ મહત્ત્વના પુરાવા બની શકે છે. ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એસીપી રાઠોડ અને પીઆઇ હડિયાએ 25 દિવસમાં તમામ પુરાવા અને ફરિયાદો એકત્રિત કરી આ ગુનો નોંધ્યો હતો. પીઆઇ હડિયાએ નોંધાવેલી ફરિયાદ 17 પાનાની હતી.

30 દી’ના રિમાન્ડ મળી શકે, 60 દિવસે ચાર્જશીટ
એસીપી રાઠોડે જણાવ્યું હતું કે, આ પ્રકારના ગુનામાં સંપૂર્ણ તપાસ માટે પોલીસને અનેક સત્તાઓ અને છૂટછાટ આપવામાં આવી છે, હત્યા કે દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં પણ પોલીસ આરોપીના વધુમાં વધુ 14 દિવસના રિમાન્ડ માગી શકે છે અને 30 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ કરી દેવાનું હોય છે, જ્યારે આ ગુનામાં આરોપીના 30 દિવસના રિમાન્ડ માગી શકાય છે અને 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાનું હોય છે, ચાર્જશીટ રજૂ થયા બાદ કોઇપણ ગુનેગાર જામીન અરજી કરી શકે છે, પરંતુ આ કેસમાં ચાર્જશીટ બાદ પણ આરોપી જામીન અરજી કરી શકે તેવી કોઇ જોગવાઇ નથી.

ભૂમાફિયા સામે પણ આ ગુનો નોંધી શકાશે
શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, લાલો અને તેની ગેંગ છેલ્લા કેટલાક વર્ષોથી ધાક જમાવીને એક પછી એક ગુના આચરતા હતા, તાજેતરમાં જ લાલો અને તેના સાગરીતોએ ફાયરિંગ કર્યા હતા, આવા તત્ત્વો સમાજ માટે જોખમી બની શકે છે, રાજકોટ શહેર સ્માર્ટ સિટી અને સ્વચ્છ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સેફ સિટી તરીકે પણ આગળ વધશે. આ ઉપરાંત આર્થિક છેતરપિંડી અને જમીન કૌભાંડ આચરનારાઓ સામે પણ ઉપરોક્ત એક્ટ હેઠળ ગુનો નોંધાઇ શકે છે. - મનોજ અગ્રવાલ, પોલીસ કમિશનર, રાજકોટ

પકડાયેલા આરોપીના નામ
1. ઈરફાન ભીખુભાઈ રાઉના
2. શેહજાદ ઉર્ફે ગોટીયો હનીફભાઈ જુલાણી
3. ઈમરાનભાઈ હનીફભાઈ કંડીયા
4. ફારૂક સલીમભાઈ મૈણ
5. જાવીદ ઉર્ફે જાંબુ ઈબ્રાહીમ દાઉદાણી
6. સાબિર ઉર્ફે શબો ઈકબાલભાઈ અબ્બાસી
7. ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુભાઈ રાઉમા
8. એજામ ફારૂક બ્લોચ

ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર
1. સદામ ઉર્ફે મસ્તાન મહેબુબભાઈ ભુવર
2. મહમદહુશેન ઉર્ફે મમુ જહાંગીરભાઈ મકરાણી
3. સોહિલ ઉર્ફે સોયેબ મહમદભાઈ પારેખ

લાલાએ કરેલા ફાયરિંગના CCTV સામે આવ્યાં
ઈમ્તિયાઝ ઉર્ફે લાલા દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના CCTV ફૂટેજ સામે આવ્યા છે. લાલાએ ભાવનગર રોડ પર મનહરપરા પાસે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મીસ ફાયર થયું હતું. જુની અદાવતમાં યુવક સમાધાન કરવા વચ્ચે પડ્યો હતો. જેનો ખાર રાખીને લાલાએ અને તેના 8 સાગરિતોએ યુવક અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. આ સાથે જ તલવાર અને લાકડીઓ વડે શેરીમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ના જણાવ્યા પ્રમાણે આ ગુના હજુ સુધી ગુજરાત રાજ્યમાં માત્ર બે જ જગ્યાએ નોંધવામાં આવ્યા છે. તેમાં અમરેલીમાં શિવરાજ વિછયા ની ટોળકી વિરુદ્ધ જ્યારે અમદાવાદ શહેરમાં વિશાલ ગોસ્વામીની ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.