તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સિંહના પાંજરામાં ઝેરી કોબ્રા ઘૂસ્યો, ‘ઋત્વી’ નામની બાળ સિંહણને ડંખ માર્યો, સિંહણની હાલત અત્યંત ગંભીર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સિંહણના શરીરમાંથી ઝેર ઉતારવા સવારથી સઘન સારવાર ચાલુ છે

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ગત રાત્રે ખતરનાક ઝેરી સાપ કોબ્રા સિંહના પાંજરામાં ઘૂસી ગયો હતો. સાડા છ વર્ષની ઋત્વી નામની સિંહણને દંશ મારતા સ્થિતિ ગંભીર બન્યાનું જાણવા મળી રહ્યું છે. હાલ રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુમાં મિની લોકડાઉનના કારણે સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે પ્રવાસીઓને ફરવા જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગઇકાલે રાત્રે સિંહના વિશાળ અને ઊંડા પાંજરામાં એકાએક કોબ્રા સાપ ચડી આવ્યો હતો. કોઈ કારણોસર આ કોબ્રાએ સાડા છ વર્ષની ઋત્વી નામની સિંહણને દંશ મારી દીધો હતો અને તે બેભાન થઇ ગઇ હતી. આજે સવારે રાબેતા મુજબ ઝૂનો સ્ટાફ પાંજરામાં પહોંચતા ઋત્વીને બેભાન હાલતમાં જોતા તુરંત અધિકારીઓને જાણ કરી હતી. અને સારવાર ચાલુ કરાવી હતી.

‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી રહી છે
અધિકારીઓને જાણ થતાંની સાથે જ ઝૂના અધિક્ષક ડો. આર.કે. હિરપરા અને ડો.ઝાકાસણીયા તુરંત પ્રદ્યુમન પાર્ક પહોંચ્યા હતા અને સિંહણને પાંજરામાંથી બહાર કાઢી તેની સારવાર શરૂ કરાવી હતી. આ ઘટનાની જાણ થતા કમિશનર ઉદિત અગ્રવાલ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સારવાર સહિતની કામગીરી ચકાસી હતી. બપોરે આ સિંહણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ કોબ્રાનું ઝેર કાઢવા માટે સિંહણને ‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી રહી છે. આ ઇન્જેકશન મારફત તેના શરીરમાંથી વધુમાં વધુ ઝેર કાઢવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

આકસ્મિક ઘટનાના કારણે તેને દંશ મારી દીધાની પણ શક્યતા
પ્રદ્યુમન પાર્ક આમ તો કુદરતી જંગલ જેવી જગ્યા છે. આથી કોબ્રા સહિતના સાપ ત્યાં આંટાફેરા કરતા હોય છે. ગઇકાલે પણ કોઇ રસ્તેથી કોબ્રા સિંહના પાંજરામાં ઘૂસી ગયાની શંકા છે. જોકે આ પ્રાણીઓ એકબીજાને બહુ નુકસાન કરતા હોતા નથી. પરંતુ કોબ્રા પર સિંહણનો પગ આવી જવા કે અન્ય કોઇ આકસ્મિક ઘટનાના કારણે તેને દંશ મારી દીધાની પણ શક્યતા સેવાય રહી છે.