રાજકોટ શહેર તેમજ જિલ્લામાં 20 ઓક્ટોબર બુધવારથી નાના બાળકોને ન્યુમોકોકલ વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનથી નાના બાળકોમાં બેક્ટેરિયાથી થતાં ફેફસાંના ચેપી રોગને અટકાવી શકાશે. રાજકોટમાં ન્યુમોકોકલ વેક્સિનના 2500 ડોઝ આવ્યા છે. તેમજ મમતા દિવસના દિવસે નિયમિત રીતે શહેર અને જિલ્લામાં બાળકોને વેક્સિનેશન કરાશે. આ ઉપરાંત બાળકોને બીજો ડોઝ 14 અઠવાડિયા પછી અને 9 મહિના બાદ બુસ્ટર ડોઝ અપાશે. શહેર અને જિલ્લામાં 20 ઓક્ટોબરથી 6 અઠવાડિયા સુધીના કે તેથી મોટા બાળકોને ન્યુમોકોકલ વેક્સિન આપવામાં આવશે.
નાના બાળકોમાં બેક્ટેરિયાથી થતાં ફેફસાંના ચેપી રોગોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયાએ ગંભીર પ્રકારનો ચેપ છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને ઉઘરસ આવવી, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી અને જો બાળક ગંભીર પ્રકારે બીમાર હોય તો તેને ખાવા પીવામાં પણ તકલીફ રહે છે. તેને આંચકી આવી શકે છે. બેભાન થઇ શકે છે અને ક્યારેક તેનું મૃત્યુ પણ થઇ શકે છે. ન્યુમોકોકલ ન્યુમોનિયા રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી શ્વાસોચ્છવાસ થકી ફેલાઈ છે.
જેમકે ખાંસી અને છીંક આવવી. જે બાળકો રસીકરણ માટે 6 અઠવાડિયા અથવા પોલિયો-1 અને પેન્ટાવેલેન્ટ-1 ના પહેલા ડોઝ માટે રસીકરણ માટે આવે ત્યારે ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન પી.સી.વી.નો પહેલો ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ 14 અઠવાડિયા પછી અને 9 મહિના બાદ બુસ્ટર ડોઝ પણ અપાશે. ખાનગી દવાખાનાઓમાં પણ આ રસી ઉપલબ્ધ છે. સરકારી દવાખાનામાં વિનામૂલ્યે અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.