પ્રોજેક્ટ પૂરો કરવા PMOમાંથી સુચના:PM કાર્યાલયના ડે.સેક્રેટરીએ હીરાસર એરપોર્ટની મુલાકાત લીધી, જૂનમાં કામ પૂરું કરવાની ડેડલાઈન, મોદીના રોડ-શોના પ્લાનિંગ ચર્ચા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન કાર્યાલયના ડે.સેક્રેટરી મંગેશ ધિલદયાલે હીરાસર એરપોર્ટની સ્થળ મુલાકાત કરી. - Divya Bhaskar
વડાપ્રધાન કાર્યાલયના ડે.સેક્રેટરી મંગેશ ધિલદયાલે હીરાસર એરપોર્ટની સ્થળ મુલાકાત કરી.
  • મોદી અમદાવાદમાં હતા ત્યારે PMOના અધિકારીએ રાજકોટ આવી વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી
  • હીરાસર એરપોર્ટમાં બોક્સ કલ્વર્ટ, રન-વે, ATC, એપ્રોચ રોડના કામ માટે વધુ મજૂર મૂકાયા

રાજકોટ નજીક હિરાસર ગામ ખાતે 1025 હેક્ટર જમીનમાં રૂ.1400 કરોડના ખર્ચે નિર્માણ પામતા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટને જૂનમાં જ કાર્યરત કરી દેવાની નવી ડેડલાઈન વડાપ્રધાન કાર્યાલયમાંથી આવતા કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. અમદાવાદમાં 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન જ વડાપ્રધાન કાર્યાલયના ડે.સેક્રેટરી મંગેશ ધિલદયાલે રાજકોટની મુલાકાત કરી હતી. જેમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એઈમ્સ, એરપોર્ટ, લાઈટ હાઉસના પ્રોજેક્ટની રૂબરૂ સમીક્ષા કરી હતી અને આ ત્રણેય પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. ઓગષ્ટમાં સંભવિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્લેન નવા એરપોર્ટમાં ઉતરે તેવી પ્રબળ શક્યતા છે. તેમજ મોદીના રોડ-શોનું પણ પ્લાનિંગ થઇ રહ્યાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

કોન્ટ્રાક્ટર દ્વારા રાત-દિવસ કામ શરૂ કરવામાં આવ્યું
હીરાસર એરપોર્ટમાં બોક્સ કલ્વર્ટ, રન-વે અને એરટ્રાફિક કંટ્રોલ (એટીસી)નું કામ પૂર્ણતાને આરે છે. જ્યારે એરપોર્ટને જોડતા એપ્રોચ રોડને બનાવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું હોવાનું ટોચના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.આથી તંત્ર દ્વારા જીણવટભરી કામગીરી શરૂ કરવામાં આવી છે. હિરાસર એરપોર્ટને ઓગષ્ટમાં કાર્યરત કરતાં પહેલા તેની DGCI (ડાયરેક્ટ જનરલ સિવિલ એવીએશન)ની મંજૂરી લેવી ફરજીયાત છે. આ મંજૂરીની પ્રક્રિયા જટીલ હોવાને કારણે એરપોર્ટનો પ્રોજેકટ બે મહિના વહેલો પૂરો કરવાની તાકીદ કરવામાં આવી છે. એરપોર્ટને જૂનમાં જ પૂરું કરી દેવાની ડેડલાઈન આપવામાં આવતાં કોન્ટ્રાક્ટર દ્વારા રાત-દિવસ કામ શરૂ કરવામાં આવ્યું છે.

કોન્ટ્રાક્ટરને જૂનમાં જ એરપોર્ટનું બાંધકામ પૂરું કરવાના આદેશ
પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનું છે. જે ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. પરંતુ 3 દિવસ પહેલા જ વડાપ્રધાન કાર્યાલયમાંથી આવેલા ડે.સેક્રેટરી મંગેશ ધિલદયાલે રાજકોટના કલેક્ટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને જૂન સુધીમાં એરપોર્ટ સંપૂર્ણ કાર્યરત કરી દેવાની સૂચના આપતા કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટીમાં દોડધામ મચી ગઈ છે અને કોન્ટ્રાક્ટરને જૂનમાં જ એરપોર્ટનું બાંધકામ પૂરું કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલયના ડે.સેક્રેટરીની ઓચિંતી રાજકોટ મુલાકાત બાદ હીરાસર ગામ ખાતે નવનિર્માણ પામી રહેલા ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરીની તાકીદની મિટિંગનું આયોજન એરપોર્ટ ઓથોરિટીના પ્લાનિંગ મેમ્બર અનિલ પાઠક, પ્રોજેક્ટ એન્જિનિયર લોકનાથન પાંડે, જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેયુર સંપટ સહિતના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

એરપોર્ટના માસ્ટર પ્લાનની ઝીણવટભરી ચર્ચા કરાઇ
એરપોર્ટની કામગીરીના નિરીક્ષણના ભાગરૂપે સાઈટ વિઝિટ કર્યા બાદ સંબંધિત વિભાગીય અધિકારીઓ સાથે રિવ્યુ મિટિંગ કરી હતી. જેમાં પાવરપોઇટ પ્રેઝેન્ટેશન દ્વારા એરપોર્ટના વિકાસ કામોનું બેકગ્રાઉન્ડ અને અત્યારસુધી પરિપૂર્ણ થયેલી કામગીરી ઉપરાંત નવી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. વિવિધ ફેઝમાં નિર્માણ પામનારા એરપોર્ટના માસ્ટર પ્લાનની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.
દિલ્હીથી કેન્દ્રીય સચિવની તાબડતોબ રાજકોટ મુલાકાત બાદ આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જિલ્લા વહીવટી તંત્રએ રોડ શોની પણ તૈયારી શરૂ કરી દીધી છે.

દેશના ટોપ-10માં રાજકોટ એરપોર્ટનો સમાવેશ
રાજકોટનું આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ દેશના ટોપ-10 એરપોર્ટમાં સ્થાન પામનાર છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. દેશમાં સૌથી વધુ 1025 હેક્ટર જમીનમાં રાજકોટનું એરપોર્ટ તૈયાર થનાર છે. જે અમદાવાદ અને મુંબઈ કરતાં પણ મોટું છે. રૂ.1400 કરોડના ખર્ચે એરપોર્ટનું કામ પૂર્ણ થનાર છે.

3040 મીટરનો રન-વે, ત્રણ લિંકથી ટેક્સી ટ્રેક
​​​​​​​હીરાસર એરપોર્ટનો રન-વે 3040 મીટરનો બનાવવામાં આવ્યો છે અને 45 મીટર પહોળો છે. બન્ને છેડે 10 મીટરનો સોલ્ડર અંદાજે 60 મીટર પહોળો રહેશે. આ એરિયામાં પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા-ઉતરવા માટે 354152 મીટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથોસાથ પેરેલલ ટેક્સી ટ્રેક ત્રણ લિંકથી જોડવામાં આવશે. જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. એરપોર્ટ ફરતે 27 કિલોમીટરની બાઉન્ડ્રી લાઈનનું પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

250 એન્જિનિયર, 2000 મજૂર કામે લાગ્યા છે
​​​​​​​હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની કામગીરીમાં 250થી વધુ એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ મળી 2000થી વધુ મેન પાવર તેમજ 100થી વધુ ડમ્પર અને 250થી વધુ ડ્રાઇવર કામ કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ અને ફોલોઅપ તેમજ આ કામ સમય મર્યાદામાં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિનિયર અધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

અમદાવાદની જેમ રાજકોટમાં મોદીનો રોડ-શો?
વિધાનસભાની ચૂંટણી દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદની જેમ જ રાજકોટમાં બે દિવસનો રોડ-શો યોજાઈ તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. વિવિધ સરકારી કચેરીઓ દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પૈકી કેટલાક પ્રોજેક્ટને તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપતા સરકારી અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. આથી, મોદી રાજકોટમાં બે દિવસનું રોકાણ કરે તેવી શક્યતા છે.

રાજકોટમાં ક્યાં ક્યાં પ્રોજેક્ટની ચર્ચા થઈ
​​​​​​​એઈમ્સ
​​​​​​​લાઈટ હાઉસ
વિરમગામ-સામખિયાળી ડબલિંગ પ્રોજેક્ટ
ભૂજનો RE પ્રોજેક્ટ
​​​​​​​કંડલા પોર્ટમાં ઈન્ટર એક્શન પ્રોજેક્ટ
​​​​​​​હિરાસર એરપોર્ટ

અન્ય સમાચારો પણ છે...