ભાસ્કર ઇનડેપ્થUP ચૂકવશે ગુજરાતનું ઋણ:હોમસ્ટેટ કબજે કરવા PMએ ભાજપની રાષ્ટ્રીય ફોજ દોડાવી, UP સહિત 4 રાજ્યના 600 નેતા મિશન 150+ પાર પાડશે

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાત ભાજપની આખી ટીમ ઉતારી દેવામાં આવી હતી. ગુજરાતના સિનિયર નેતાઓથી માંડીને કાર્યકરો આખું ઉત્તરપ્રદેશ ફરી વળ્યા હતા. ગુજરાત ભાજપની ટીમના પરિશ્રમનું વિજયરૂપી પરિણામ ઉત્તરપ્રદેશની જોળીમાં નાખી દીધું હતું. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ઉત્તરપ્રદેશ ભાજપે ઋણ ચૂકવવા ગુજરાતમાં ધામા નાખ્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોમસ્ટેટ ગુજરાતને કબજે કરવા ભાજપની રાષ્ટ્રીય ફોજને દોડાવી છે. દરેક બેઠક પર UPના બે હોદ્દેદારને ઉતારવામાં આવ્યા છે. આ હોદ્દેદારો દરેક બેઠકના ગ્રાઉન્ડ પર જઈને ઝીણામાં ઝીણી પરિસ્થિતિનો તાગ મેળવશે.

શક્તિ કેન્દ્ર, બૂથ, પેજ કમિટીનું નિરીક્ષણ કરશે
આ અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રદેશકક્ષાએ અનેક રાજ્યના અમારા કાર્યકર્તાઓ પ્રચાર અને કામ જોવા માટે આવ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનની બધી બેઠકો પર ઉત્તરપ્રદેશના અમારા કાર્યકર્તાઓ, જેમાં એક બેઠક પર બે-બે કાર્યકર્તા જવાબદારી સંભાળશે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જે અમારું કામ છે, જેમ કે શક્તિ કેન્દ્ર, બૂથ, પેજ કમિટીનું નિરીક્ષણ કરશે. અમારા સંગઠનની અંદર આ એક પરંપરા રહી છે. રાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો ઉત્તરપ્રદેશમાં ચૂંટણી થઈ ત્યારે ગુજરાતના અનેક કાર્યકર્તાઓએ 3 મહિનાથી વધુનો સમય આપ્યો હતો. આ જ રીતે ઉત્તરપ્રદેશના 120થી વધુ કાર્યકર્તા રાજકોટ આવ્યા છે. રાજકોટની બેઠકો પરથી જ તમામ કાર્યકર્તાઓ પોતપોતાની જવાબદારી સંભાળશે.

અનુભવીઓની આંખે મૂલ્યાંકન કરાશે
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા વિવિધ રાજ્યોના અગ્રણી અને કાર્યકર્તાઓની ટીમને પ્રચાર માટે ઉતારવાનું શરુ કરી દીધું છે. એમાં સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠકો માટે ઉત્તરપ્રદેશથી 120થી વધુ હોદ્દેદારોની પ્રથમ ટીમ રાજકોટ આવી પહોંચી છે. હવે તે આગામી દિવસોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જિલ્લા અને મહાનગરોમાં મુકામ કરીને ગ્રાઉન્ડ પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયત્ન કરશે. દરેક બેઠક પર બે-બે અગ્રણીની ફાળવણી કરાઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલાં ભાજપે સંગઠન માળખામાં છેક બૂથ લેવલ સુધી ઝીણામાં ઝીણી વ્યવસ્થાઓને બહારના અનુભવીઓની આંખે મૂલ્યાંકન કરી એમાં સુધારવાની કેટલી જરૂર છે એ કામગીરી હાથ ધરી છે.

UPમાં યોગીના વિજયમાં સૌરાષ્ટ્રના નેતાઓનું યોગદાન
ઉત્તરપ્રદેશની ચૂંટણી વખતે સૌરાષ્ટ્ર ભાજપની ટીમ ચૂંટણી પ્રચાર માટે ગઈ હતી. રાજકોટમાંથી દિગ્ગજ નેતાઓ તરીકે રામ મોકરિયા, ધનસુખ ભંડેરી, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ અને જૈમિન ઠાકર ઉત્તરપ્રદેશ પહોંચી યોગી સરકારના કામોનો પ્રચાર કરી લોકોને ભાજપ તરફી માહોલ ઊભો કર્યો હતો. આ તમામ નેતાઓ સ્થાનિક અગ્રણીઓ સાથે મળીને વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો કરવા રણનીતિ ઘડી ઉત્તરપ્રદેશનાં વિવિધ જિલ્લા-તાલુકાઓમાં ભાજપનો પ્રચાર કર્યો હતો, જેમાં સફળતા મળતાં આ પૈકી અમુક નેતાઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મળે એવી ચર્ચાઓ પણ હાલ ભાજપનાં આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.

50થી વધુ ધારાસભ્ય સાથે 600થી વધુ નેતાઓ આવ્યા
ગુજરાતની વિધાનસભાની બેઠકો પર ચાર રાજ્યના 50થી વધુ ધારાસભ્યો સાથે 600થી વધુ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યમાંથી ગુજરાતમાં ઉત્તર-મધ્ય અને દક્ષિણ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ એમ પાંચ અલગ અલગ ઝોનમાં વિધાનસભા બેઠક પર બે દિવસ આ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ઉત્તરપ્રદેશની ટીમે મોરચો સંભાળ્યો છે. ચાર રાજ્યથી આવનારા નેતાઓને વિધાનસભાની બેઠકોમાં અલગ અલગ સ્તરની જવાબદારીઓ સોંપાઈ છે. હાલમાં તેઓ બૂથ લેવલ સુધી મતદાન અને સ્થાનિક સ્તરે સંગઠનમાં રહેલી સમસ્યા જાણીને એનું સમાધાન કરાવશે, એના માટે તેઓ 17 દિવસનો પ્રવાસ કરશે.

ફરી 25 દિવસ માટે નેતાઓ આવશે
આ સમયગાળા દરમિયાન સ્થાનિક નેતૃત્વ, હોદ્દાદાર અને કાર્યકરોનો પરિચય પણ કેળવશે. બેઠક જીતવાના આયોજનમાં પણ ભાગીદારી માટે સૂચનો કરશે. બાદમાં બેઠકની જવાબદારી સોંપાઈ છે તે નેતાઓ ફરીથી 25 દિવસ માટે આવશે. ચૂંટણી જાહેર થયા બાદ છેક પ્રચાર પડઘમ શાંત થયાની સુધી રોકાઈને સ્થાનિક પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠન સાથે તાલમેલ સાધશે. આમ, ચાર રાજ્યના હોદ્દેદારો અને કાર્યકરોએ ગુજરાતને ભાજપની જોળીમાં નાખવા કમર કસી છે.

ભાજપની ટીમ ગ્રાઉન્ડ સરવે કરશે
ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં શહેર અને તાલુકા કક્ષાએ ભાજપના હોદ્દેદારો રહેલા અને ચૂંટણીના એક્સપર્ટ, તમામ બાબતો સમજી શકનાર આ હોદ્દેદારોને હવે અલગ-અલગ વિધાનસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે. અમદાવાદની 16 બેઠકના પ્રચાર માટે 128 કાર્યકરો મેદાને ઊતર્યા છે. ઉત્તર ગુજરાતની 40 બેઠકની જવાબદારી રાજસ્થાન ભાજપના 80 કાર્યકરોને સોપવામાં આવી છે. મહત્ત્વનું છે કે પ્રત્યેક વિધાનસભા બેઠકદીઠ બે કાર્યકર બે દિવસનો ચૂંટણી પ્રવાસ કરશે. સુરત આવનારા મહારાષ્ટ્રના કાર્યકરો દક્ષિણ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે.

‘ટીમ ગુજરાત’એ UPમાં મોદી-શાહ-યોગીનું ગામેગામ બ્રાન્ડિંગ કર્યું હતું
ગત માર્ચ મહિનામાં યોજાયેલી ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડલથી જ સંપૂર્ણ પ્રચાર-પ્રસાર કર્યો હતો. એમાં પણ અવધ ક્ષેત્રની 82 બેઠક પર ફરી ભગવો લહેરાવવા ગુજરાત ભાજપના 165 નેતા મેદાનમાં ઊતર્યા હતા. અહીંના 11 જિલ્લામાં ગુજરાત ભાજપના નેતાઓએ પેજ-પ્રમુખની ફોર્મ્યુલા સાથે ઘેર-ઘેર પ્રચાર કર્યો હતો. આ નેતાઓમાં ગુજરાત ભાજપના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા-શહેરના સંગઠનના આગેવાનોનો સામેલ થયા હતા. આ તમામે તેમના શેડ્યૂલ મુજબ કામગીરી સંભાળી હતી તેમજ મોદી, શાહ અને યોગીનું ગામેગામ બ્રાન્ડિગ કર્યું હતું.

ગ્રાસ રૂટની વ્યક્તિને ભાજપનો ખેસ પહેરાવવાનો વ્યૂહ
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહે ગુજરાત ભાજપના સંગઠનમાં અલગ અલગ પ્રયોગો કર્યા હતા, જેમાં પેજ-પ્રમુખ, પેજ-સમિતિ જેવા એકદમ ગ્રાસ રૂટની વ્યક્તિને ભાજપનો ખેસ પહેરાવવાની વ્યૂહરચના અપનાવી હતી, જે એકદમ સફળ થઈ હતી, જેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં પણ શરૂ કર્યો હતો, પણ એની ટ્રેનિંગ આપવામાં ગુજરાત ભાજપ કેટલાક ચુનંદા આગેવાનોને કામગીરી સોંપવામાં આવી હતી. આ ફોર્મ્યુલાને ફરી યુપીમાં પણ રિપીટ કરાઈ હતી અને ગુજરાતમાં પણ આ જ ફોર્મ્યુલાના આધારે ચૂંટણી જીતવા વ્યૂહ રચના ઘડી છે.

અન્ય સમાચારો પણ છે...