ભાસ્કર ઇમ્પેક્ટ:રાજકોટમાં PM મોદીનો ‘લાઇટ હાઉસ’ પ્રોજેક્ટ 6 મહિનાથી અટવાયો, મ્યુનિ.કમિશનર તાબડતોબ દોડી ગયા, કામગીરી ઝડપી બનાવવા આદેશ

રાજકોટ13 દિવસ પહેલા
મ્યુનિ. કમિશનરે ખુદ સ્થળ વિઝીટ કરી.
  • પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરતી દરેક કંપનીના અધિકારીઓને ઝડપભેર કામ કરવા સૂચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસનું ગ્લોબલ હાઉસિંગ પ્રોજેક્ટની મદદથી દેશના 6 અને ગુજરાતના એક માત્ર રાજકોટ શહેરમાં ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ઓછી કિંમતે એક વર્ષમાં લોકોને ઘરનું ઘર આપવા નક્કી કર્યું હતું. જોકે નક્કી કરવામાં આવેલા સમય કરતા પણ 6 મહિના જેટલો વધુ સમય થયો હોવા છતાં તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. હજુ પણ આ કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તે અંગે કોઈ નિશ્ચિત સમય આપવામાં આવ્યો નથી. આ અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરતા તેના પડઘા પડ્યા છે અને આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તાબડતોબ સ્થળ વિઝીટ કરી હતી. તેઓએ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યા છે.

પાણીની પાઈપલાઈન ઝડપથી નાખવા સૂચના
અમિત અરોરાએ રૈયા સ્માર્ટ સિટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ (GHTC) હેઠળ નિર્માણ પામી રહેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લઇ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશી ટેકનોલોજીની મદદથી નિર્માણ પામી રહેલો લાઈટ હાઉસ પ્રોજેક્ટ શક્ય તેટલો વહેલો પૂર્ણ થાય તેના પર ભાર મૂકી રહેલા મ્યુનિ. કમિશનરે કામગીરીની ગતિ વધુ ઝડપી કરવા સંબંધિત એજન્સી અને અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં આ પ્રોજેક્ટની સાથે જ પાણીની પાઈપલાઈન સંબંધી કામગીરી પણ ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવી હતી.

જે-જે વિભાગના અધિકારીઓને કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી.
જે-જે વિભાગના અધિકારીઓને કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી.

PGVCL અને ગુજરાત ગેસના અધિકારીઓને સૂચના આપી
મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમિયાન PGVCL અને ગુજરાત ગેસ કંપનીના પ્રતિનિધિઓ પણ હાજર હતા અને કમિશનરે આ બંને કંપનીઓને તેમના હિસ્સે આવતું કાર્ય ઝડપભેર આગળ ધપાવવા પણ સૂચના આપી હતી. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ હેઠળ ભારતનાં છ શહેરમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યા છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં રૂ.117 કરોડના ખર્ચે બની રહેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં કુલ 11 ટાવરનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે અને તેમાં કુલ 1144 આવાસ બનાવવામાં આવી રહ્યા છે.

મેયરે મટિરિયલમાં ભાવ વધારાનું બહાનું કાઢ્યું
રાજકોટના મેયરે પણ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના અને બાંધકામ મટિરિયલમાં ભાવ વધારાના કારણે મોડું થયું છે, પણ ટૂંક સમયમાં લોકાર્પણ થશે. આ અંગે વધુમાં રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલિથિક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છે. આથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ યોજનામાં લાભાર્થીએ 3.39 લાખ ભરવાના રહે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.1.50 લાખની સહાય આપવામાં આવનાર છે.

6 મહિનાથી પ્રોજેક્ટ અટવાતા મ્યુનિ.કમિશનર ખુદ સ્થળ પર દોડી ગયા.
6 મહિનાથી પ્રોજેક્ટ અટવાતા મ્યુનિ.કમિશનર ખુદ સ્થળ પર દોડી ગયા.

જૂલાઈ 2022ની મુદત આપવામાં આવી છે
કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વની 54 અદ્યતન બાંધકામ ટેકનોલોજીની સૂચી બનાવીને તેમાંથી ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી એરિયામાં મોનોલિથિક કોંક્રિટનું ટનલ ફોર્મવર્કથી ગરીબો માટે 1144 આવાસોનું જાન્યુઆરી 2021માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામ એક વર્ષમાં પૂરું કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી એટલે કે જાન્યુઆરી 2022 સુધીમાં પૂર્ણ થશે. પરંતુ આજે જૂન મહિનો પૂર્ણતાની આરે છે, છતાં આ કામ સમયસર પૂરું થયું નથી. રાજકોટ મનપા દ્વારા આ કામ ડિસેમ્બર-2021માં પૂરું થશે તેમ કહેવાતું હતું. પરંતુ, હવે આ કામ પૂરું થવા માટે જૂલાઈ 2022ની મુદત આપવામાં આવી છે. જોકે આ સમય દરમિયાન પણ કામ પૂર્ણ થાય તેવું લાગી રહ્યું નથી.

1144 લાભાર્થીને આવાસો ફ્લેટ નંબર સાથે ફાળવી દીધા
ઉલ્લેખનીય છે કે મનપાના આવાસ વિભાગ દ્વારા એક વર્ષ પહેલા જૂન-2021માં આ આવાસો માટે આવેલી 3000થી વધુ ફોર્મનો ડ્રો યોજીને 1144 લાભાર્થીને આવાસો ફ્લેટ નંબર સાથે ફાળવી દીધા હતા. ફાળવેલા આવાસો પૈકી 70 લાભાર્થીઓએ સમયસર રકમ નહીં ચૂકવતા મનપાએ રકમ ભરી જવા નોટિસ ફટકારી છે.

આવો બનશે લાઇટ હાઉસ પ્રોજેક્ટ.
આવો બનશે લાઇટ હાઉસ પ્રોજેક્ટ.

એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી. અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.