ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટી-20 મેચની શ્રેણીમાં ત્રીજી અને ફાઈનલ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA) સ્ટેડિયમમાં રમાશે. આ શ્રેણીમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણ રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત બનશે, કારણ કે અત્યારસુધીમાં રમાયેલી મેચમાં શ્રેણીની ફાઇનલ મેચ રાજકોટમાં રમાઈ નથી. ત્યારે આ મેચની તૈયારી કેવી છે એ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ SCA સ્ટેડિયમ પહોંચી હતી, જેમાં પિચ અને મેદાનને સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવ્યાં છે તેમજ બેઠક વ્યવસ્થાને પણ સુસજ્જ કરી દેવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. આ સાથે મેદાનની અંદર ચાર મોટી LED સ્ક્રીન પણ મૂકવામાં આવી છે, જેમાં પણ લોકો સ્ક્રીનમાં લાઇવ મેચ નિહાળી શકશે. ચોગ્ગા-છગ્ગા કે વિકેટ પર ડીજેના તાલે 25 હજારથી વધુ લોકો ઝૂમી ઊઠશે.
મેચના દિવસે વાતાવરણ સારું રહેશે
SCA સ્ટેડિયમના પ્રમુખ જયદેવ શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ વખતે સરસ આયોજન રાખ્યું છે કે લોકો સેફલી આવીને જઈ શકે. મારે દિવ્ય ભાસ્કરના માધ્યમથી પ્રેક્ષકોને કહેવું છે કે પોતાની જાતને સેફ રાખવા માટે બધા માસ્ક પહેરીને આવે એવી અપીલ છે. સરકાર તરફથી અમને કોવિડ-19ના પાલન માટે કોઈ સૂચના આવશે એ અમે અમલ કરીશું. મેચમાં સરસમાં સરસ ડીજે હશે. બીજું અહીંનું વાતાવરણ પણ સારું રહેશે. પ્રથમ વખત રાજકોટમાં ટી-20 મેચની ફાઈનલ મેચ છે તો એ યાદગાર બનશે, કારણ કે અહીંથી આપણે વિજેતા ટીમને કપ આપીશું. આપણા સ્ટેડિયમની પિચ ટી-20 માટે છે, રનનો ખૂબ જ વરસાદ થશે. રાજકોટનો મેચ રોમાંચક રહેશે અને આશા છે કે ભારત જ જીતે.
સ્ટેડિયમમાં 25 હજારથી વધુ પ્રેક્ષકોની કેપેસિટી
રાજકોટના-જામનગર રોડ પર આવેલા SCA સ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાવાની છે. સ્ટેડિયમમાં 25 હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા છે, બધી જ બેઠકનું બુકિંગ થઈ ચૂક્યું છે. સાંજના 7 વાગ્યાથી મેચ શરૂ થશે, જેનું લાઈવ પ્રસારણ 30 કેમેરા, બે જીમી, એક બગી અને એક ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવશે. આ વર્ષે પ્રથમ વખત મેચમાં સ્પાઇડર કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. મેચ દરમિયાન ચોગ્ગા-છગ્ગા કે વિકેટ દરમિયાન ડીજે વગાડી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે, જ્યારે જીત બાદ ભવ્ય આતશબાજી સાથે વિનિંગ સેલિબ્રેશન સેરેમની યોજાશે.
આજે બપોર બાદ બન્ને ટીમનું આગમન થશે
આજે શુક્રવારે ભારત અને શ્રીલંકાની ટીમ ખાસ વિમાનમાં રાજકોટ આવી પહોંચવાની છે. SCA સ્ટેડિયમ પર ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે સાંજે 7 વાગ્યાથી ટી-20 મુકાબલાનો પ્રારંભ થવાનો છે. આજે બપોરે 2:15 વાગ્યે બન્ને ટીમનું રાજકોટ એરપોર્ટ પર આગમન થશે, બાદમાં ભારતીય ટીમના ખેલાડીઓ કાલાવડ રોડ પર સયાજી હોટલ ખાતે, જ્યારે શ્રીલંકા ટીમના ખેલાડીઓ 150 ફૂટ રિંગ રોડ પર હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાણ કરશે.
ખેલાડીઓ પ્રેક્ટિસ નહીં કરી શકે એવી શક્યતા
સામાન્ય રીતે અત્યારસુધી જેટલી પણ મેચ રાજકોટમાં રમાઈ છે એમાં દરેક વખતે બન્ને ટીમે મેચના આગલા દિવસે પ્રેક્ટિસ કરી છે, પરંતુ આ વખતે ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા જાય એવી સંભાવના હાલ નહીંવત્ જોવામાં આવે. જોકે ખેલાડીઓ હળવી કસરત કરવા અથવા વોર્મઅપ કરવા માટે ગ્રાઉન્ડ પર જઈ શકે છે. આ ઉપરાંત મેચ માટેની પિચ કેવી છે અને વાતાવરણ કેવું રહે છે એ માટે ગ્રાઉન્ડની સ્થિતિ જાણવા કોચ પણ મેદાન પર જઈ શકે છે.
SCA સ્ટેડિયમની પિચ પહેલેથી બેટિંગની રહી છે
રાજકોટની પિચ બેટિંગ પિચ હોવાથી અને શ્રેણીની ફાઈનલ મેચ હોવાથી આ મેચ અતિરોમાચંક બનશે. એમાં ખેલાડીઓ ઉપસ્થિત પ્રેક્ષકોને બેટિંગ પિચ પરથી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી બતાવશે.
ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટની પિચથી વાકેફ છે, જેની સામે શ્રીલંકન ટીમ પ્રથમ વખત રાજકોટમાં આવી રહી છે ત્યારે રાજકોટમાં રમાનારી પાંચમી ટી-20 મેચમાં ભારતની જીતના ચાન્સ વધુ મજબૂત જોવામાં આવી રહ્યા છે. જોકે શ્રીલંકન ટીમને હળવાશથી લઈ શકાય એમ નથી, કારણ કે આ જ ટીમે એશિયા કપમાં ખૂબ સારું પ્રદર્શન કરી બતાવ્યું હતું, જેમાં કુશલ મેન્ડિસ, વાનિંદુ હસારંગા, લાહિરુ કુમારા, મહેશ તીક્ષ્ણા અને ખુદ કેપ્ટન દાસુન શનાકાએ ભારતીય ટીમની બાજી બગાડી દીધી હતી.
SCAમાં અત્યારસુધીમાં 4 ટી-20 મેચ રમાઈ
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે અત્યારસુધીમાં ચાર ટી-20 મેચ રમાઈ ચૂકી છે, જેમાં ભારત-ઓસ્ટ્રેલિયા, ભારત-ન્યૂઝીલેન્ડ, ભારત-બાંગ્લાદેશ અને ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઇ ચૂકી છે. આ ચાર મેચ પૈકી 3 મેચમાં ભારતની જીત થઈ હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની એક મેચમાં હારનો સામનો ભારતની ટીમને કરવો પડ્યો હતો.
2013માં તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું
SCA સ્ટેડિયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં 25,000થી વધુની સીટિંગ કેપેસિટી છે. સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટાલિટી, પ્રેસિડન્ટ બોક્સ અને સેક્રેટરી બોક્સનો પણ સમાવેશ થાય છે. મેચ દરમિયાન મીડિયા તેમજ કોમેન્ટેટર પણ આ અંડાકાર પેવેલિયન બોક્સમાં બેસે છે. સંપૂર્ણ સ્ટેડિયમ રૂફટોપથી કવર કરવામાં આવ્યું છે.
મીડિયા બોક્સ લોર્ડ્સ સ્ટેડિયમ જેવું જ
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજવામાં આવતાં ક્રિકેટરસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. SCA સ્ટેડિયમની ક્ષમતા મુજબ, 25,000થી વધુ પ્રેક્ષકો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઉપસ્થિત રહેવાના છે. રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બનાવવામાં આવેલું મીડિયા બોક્સ લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની અંદર રહેલા મીડિયા બોક્સ જેવું જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.