તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધશ્રદ્ધા:પીપળો, પીપર, વડલો આંગણામાં હોય એને રસી ન લેવી પડે, તેમાં દેવોનો વાસ છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વીંછિયાના ગામડાંઓમાં વેક્સિન અંગે જાગૃતિ કેળવવા ગયેલી યુનિ.ની મનોવિજ્ઞાન ભવનની ટીમને અંધશ્રદ્ધાના અનેક પ્રકારના અનુભવ થયા

જિલ્લા કલેકટરે ગામડાંઓમાં વેક્સિન અંગે જાગૃતિ કેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમને જવાબદારી સોંપી છે ત્યારે આ ટીમ તાજેતરમાં જ વીંછિયા તાલુકાના ગામડાઓમાં વેક્સિન લેવા અંગે લોકોને જાગૃત કરવા પહોંચી હતી પરંતુ અધ્યાપકોને અહીંના ગામડાંઓમાં વેક્સિન અંગે પ્રવર્તતી અનેક અંધશ્રધ્ધાઓના અનુભવ થયા હતા.

કેટલાક ગ્રામજનોએ કહ્યું કે પીપળો, પીપર, વડલો આંગણામાં હોય એને રસી ન લેવી પડે, કારણ કે તેમાં દેવોનો વાસ છે. તો કોઈએ કહ્યું કે આખા ગામે લાપસી કરીને માતાજીને ધરી દીધી છે. માટે અમારે કોરોનાની રસી લેવાની જરૂર નથી.કોઈ સંધ્યા ટાણે ઝાલર વગાડે તો કોઈ ઘેર ઘેર દીવા કરે જેના કારણે કોરોનાનું સંક્રમણ નહીં થવાની અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે.

ગામડાના લોકોએ રસી નહીં લેવા આવા કારણો આપ્યાં

1. કોરોનામાં મારી પત્નીનું અવસાન થયું. ઓક્સિજન એનો ઘટી ગયો હતો ત્યારથી મેં નક્કી કર્યું છે કે પીપળો, પીપર અને વડ ગામ આખામાં વાવવા. કારણ કે પીપળાના પાનમાં શ્રી કૃષ્ણ પોઢેલા છે તેને પીપળો જ ઓક્સિજન આપે છે. આ ત્રણ વૃક્ષ દરેકના આંગણામાં હોય એટલે કોઈ રસી લેવી ન પડે. આ ઝાડ બધી જ રક્ષા કરે કારણ કે તેમાં દેવોનો વાસ છે. તમે આવી રસીની માથાકૂટ મુકો અને વડલો, પીપળો અને પીપર વાવો.

2. અમે આખા ગામે લાપસી કરીને માતાજીને ધરી દીધી છે. લાપસી કરી નાખીએ એટલે કુદરત અમને કશું ન થવા દે માટે અમારે કોરોનાની રસી લેવાની જરૂર નથી. જે લોકો માને ભૂખી રાખે એને જ રોગ ભરખે, નિવેદ કરો, માનતા રાખો અને માતાજીની આરતી, પૂજા પાઠ કરો એટલે કોઈ રોગ ક્યારેય ન આવે.

3. કોરોના અમારા ગામમા આવે જ નહિ કારણ કે અમારા આખા ગામમાં ઘરે ઘરે દીવા કરવામાં આવે છે. ઘરના આંગણે અને દરવાજા પાસે જ દીવો કરીએ છીએ એટલે કોરોના દરવાજેથી જ ભાગી જાય. જો કોરોના જ ન આવે તો આવી રસીની અમારે જરૂર નથી.

4. કોરોનાને ભગાડવા થાળી વગાડવાનું કહ્યું હતું તે સાચું જ છે. અમે રોજ સંધ્યા ટાણે ઝાલર વગાડીએ છીએ ઘરે ઘરે, એટલે કોરોના અમારા ગામમાં આવતો નથી અમને ભગવાન પર શ્રદ્ધા છે, ગામનું રખોપુ કરવા ભગવાન બેઠો છે. શહેરમાં નાસ્તિકો છે માટે ત્યાં બધી આફતો આવે.

5. હવે કોઈ રસી લેવાની જરૂર જ નથી. વાવાઝોડું જે આવ્યું તે ભગવાને એટલે જ મોકલ્યું હતું કે રોગની જીવાત બધી હવામાંથી જતી રહે. વાવાજોડું અમારી પ્રાર્થનાથી આવ્યું હતું, જુઓ વાવાજોડા પછી કોઈને કોરોના થતો નથી.

અન્ય સમાચારો પણ છે...