રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિવાદોનું ઘર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ ક્રાઇમ બ્રાન્ચની છબિ સુધારવા માટેની વાતો રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના DCP કરી રહ્યા છે, બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રૂ.65 લાખના તોડકાંડમાં ઝડપાયેલા PI વાય.બી.જાડેજાની આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક કરવામાં આવી છે. ત્યારે નવા PIની નિમણુંક પરથી ક્રાઇમ બ્રાન્ચની છબી સુધરવા બદલે ખરડાશે જરૂર તેવું લાગી રહ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચને વિવાદોના ઘેરામાં જ રહેવાનું પસંદ છે
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં આજે વધુ એક PIની નિમણુંક કરવામાં આવી છે. હવાલાકાંડ બાદ તત્કાલીન PI વી.કે.ગઢવીની સજારુપી બદલી બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI તરીકે જે.વી.ધોળાની નિમણુંક કરવામાં આવી હતી. જે બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં તાજેતરમાં DCP તરીકે ડો. પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. જો કે તેમના આવ્યા બાદ પણ ક્રાઇમ બ્રાન્ચને વિવાદોના ઘેરામાં રહેવાનું જ પસંદ કરતી હોય તેમ દારૂકાંડની ઘટના સામે આવી હતી. જેમાં મહિલા PSI સહીત 5ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે બીજા PI તરીકે વાય.બી.જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. નવાઇની વાત તો એ છે કે નવા નિમાયેલ PI પણ વિવાદિત છે અને અગાઉ તોડકાંડમાં સપડાય ચુક્યા હોવાનું સામે આવ્યું છે.
નવા PI છબી સુધારશે કે વધુ બગાડશે
દારૂકાંડ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં માનીતા નહિ પરંતુ સ્વચ્છ છબિ ધરાવતા અને છેલ્લા ત્રણ વર્ષની સારી કામગીરી ધ્યાનમાં લઈ રેકોર્ડ તપાસી નિમણુંક આપવામાં આવશે તેવું રાજકોટ ક્રાઇમ બ્રાંચના DCP પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું. જો કે આજે નિમણુંક કરાયેલ નવા પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.જાડેજા બે વર્ષ પૂર્વે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 65 લાખના તોડકાંડ માં સપડાય ચુક્યા છે અને સસ્પેન્ડ પણ થયેલ હોવાની માહિતી સામે આવી છે ત્યારે નવા PI જાડેજા ક્રાઇમ બ્રાન્ચની છબી સુધારશે કે વધુ બગાડશે તે પણ મોટો સવાલ છે.
16 નવા પોલીસકર્મીનો સમાવેશ કરાયો
સાયલા પાસેથી દારૂનુ કન્ટેનર રાજકોટની હદમાં ઉઠાવી લાવવાના મામલે સ્પેશ્યલ મોનીટરીંગ સેલ દ્વારા 4 પોલીસમેનો સામે અપહરણનો ગુન્હો નોંધી કરવામાં આવેલી કાર્યવાહીથી ફરી વિવાદમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચને નવા કલેવર આપી કાર્યક્ષમ બનાવવા ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે. આજે ક્રાઇમ બ્રાન્ચમાં પ્ર.નગરના પીએસઆઇ કે.ડી.પટેલ, બી.વી.બોરીસાગર, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.ડી.ડામોર અને ભકિતનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.જે.કામલીયાની નિમણુંક નો હુકમ કરવામાં આવ્યો છે. સાથોસાથ 16 જેટલા પોલીસમેનોની બદલી કરી તેમના સ્થાને 16 નવા પોલીસમેનોનો સમાવેશ કરવામાં આવી રહયો છે.
હવે 6 સબ ઇન્સ્પેકટરો કાર્યરત
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાલમાં પીએસઆઇ હુણ અને પીએસઆઇ એ.બી.વોરા કાર્યરત છે. પીએસઆઇ વરૂ એડહોક છે. તેમનો કાર્યકાળ પુરો થતા તેમની બદલી કરવામાં આવી રહયાનું જાણવા મળે છે.નવા 4 સબ ઇન્સ્પેકટર ઉમેરાતા હવે 6 સબ ઇન્સ્પેકટરો કાર્યરત રહશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.