ભરણપોષણની અરજીમાં આરોપી સામે પકડ વોરંટ ઇશ્યૂ કર્યા બાદ પોલીસે વોરંટની બજવણી નહિ કરતા ફેમિલી કોર્ટે બી ડિવિઝન પોલીસમથકના પોલીસ ઇન્સ્પેક્ટર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ઇશ્યૂ કરી છે. કેસની વિગત મુજબ, ચંપકનગર સોસાયટીમાં રહેતી અંજના નામની પરિણીતાએ તેના પતિ પંકજ ડોડિયા સામે પોતાનું અને સંતાનનું ભરણપોષણ મેળવવા એડવોકેટ સંદીપ અંતાણી મારફત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.
જે અરજીને અદાલતે માન્ય રાખી પરિણીતા અને સંતાનને મહિને રૂ.8 હજારની ખાધાખોરાકી ચૂકવવા પંકજ ડોડિયાને હુકમ કર્યો હતો. જે હુકમ સામે પંકજ ડોડિયાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે અરજીને ખારિજ કરી પંકજ ડોડિયા સામે પકડ વોરંટ કાઢવાનો હુકમ કરતા ફેમિલી કોર્ટે હુકમ કાઢી બી ડિવિઝન પોલીસને બજવણી કરવા આદેશ કર્યો હતો, પરંતુ લાંબા સમય પછી પણ વોરંટની બજવણી નહિ થતા પરિણીતાએ પોલીસનો ખુલાસો પૂછવા અરજી કરી હતી. જેને પગલે કોર્ટમાં કોન્સ્ટેબલ હાજર થઇ આ બાબતે લેખિતમાં માફી માગી હતી.
બાદમાં ફેમિલી કોર્ટે ફરી વોરંટ ઇશ્યૂ કરી બજવણી કરવા પોલીસને આદેશ કર્યો હતો. તે વોરંટની પણ બજવણી નહિ કરતા પોલીસે અદાલતના હુકમનો અનાદર કર્યા અંગેની પરિણીતાએ વકીલ મારફત અરજી આપી હતી. અરજીને પગલે અદાલતે બી ડિવિઝન પોલીસમથકના પીઆઇને કોર્ટમાં હાજર થઇ ક્યા કારણોસર વોરંટની બજવણી થતી નથી તેનો ખુલાસો કરવા હુકમ કર્યો હતો. જે ખુલાસો ફરી એક વખત પીઆઇએ કોન્સ્ટેબલ મારફત મોકલાવ્યો હતો.
પીઆઇએ વધુ એક વખત કોર્ટના હુકમનો અનાદર કરતા પરિણીતા પક્ષે પીઆઇ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરી જેલમાં બેસાડવાની માંગ સાથે અરજી કરી હતી. અરજીને પગલે ફેમિલી કોર્ટે બી ડિવિઝન પોલીસમથકના પીઆઇ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ઇશ્યૂ કરી છે. કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ છ મહિનાની સજા અને રૂ.2 હજાર સુધીના દંડની જોગવાઇ છે. ખાધાખોરાકી અંગે ચાલતા કેસમાં પોલીસે ફેમીલી કોર્ટના આદેશનો અનાદર કરતા કાર્યવાહી થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.