ભાસ્કર એક્સક્વુઝિવ:ફાર્માસિસ્ટનું કોરોનાથી મોત, તંત્રે એક વર્ષ બાદ કહ્યું, ‘દર્દીના સીધા સંપર્કમાં નથી, સહાય ન મળે! ’

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલીના સેન્ટ્રલ સ્ટોરમાં ફરજ બજાવતો હતો, 25 લાખની સહાય માટે યુવાનની માતાને ધક્કા
  • પરિપત્રનું મનમુજબ અર્થઘટન કરી GMSCLના જનરલ મેનેજરે સંપર્કનું બહાનું કાઢ્યું

કોરોનાની ફરજ દરમિયાન કોઇ હેલ્થ વર્કરનું મોત કોરોનાથી થાય તો તેના પરિવારને 25 લાખની સહાયની જાહેરાત કરાઈ હતી જેનો પરિપત્ર પણ થયો હતો. જોકે કોરોનાની દવાઓ સપ્લાય કરતા અને હોસ્પિટલના કર્મચારીઓ સાથે સતત સંપર્કમાં રહેતા રાજન બથવારનું કોરોનાથી મોત થયું હતું અને સહાય માટે અરજી કરતા એક વર્ષે જવાબ આવ્યો કે સહાય મળવાપાત્ર નથી.

રાજનભાઈના પરિવારમાં એકમાત્ર માતા જ રહ્યા
રાજ્યભરની દવાઓ સપ્લાય કરતી સરકારી કંપની GMSCLના અમરેલી સેન્ટર ડ્રગ ડેપોમાં ફરજ બજાવતા રાજન બથવાર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલમાં દવા પૂરી પાડે તે કામ બજાવતા હતા એટલે કચેરીમાં આરોગ્ય કેન્દ્રોના કર્મીઓ, હોસ્પિટલના કર્મીઓ, તબીબો અને નર્સિગ સ્ટાફના સંપર્કમાં હતા આ વચ્ચે ફરજ દરમિયાન તાવ અને શરદી થયા બાદ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો અને 21 એપ્રિલ, 2021ના મૃત્યુ થયું હતું. રાજનભાઈના પરિવારમાં એકમાત્ર માતા જ રહ્યા છે.

સીધા સંપર્કમાં ન હોવાથી લાભ મળવાપાત્ર નથી : ડેપ્યુટી જનરલ મેનેજર
માતા અંજનાબેન એક વર્ષથી સહાય માટે અરજીઓ કરી રહ્યા છે અને જ્યારે ફોન આવે ત્યારે અલગ અલગ દસ્તાવેજો પૂરા પાડતા હતા. છેલ્લે ગત 11 એપ્રિલે GMSCLના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રિતેશ ગાંધીએ તેમને પત્ર લખ્યો કે રાજન બથવાર ‘કોરોના દર્દીઓના સીધા સંપર્કમાં ન હોવાથી લાભ મળવાપાત્ર નથી’ જ્યારે 14-5-2020ના રાજ્ય સરકારના પરિપત્રમાં ઉલ્લેખ છે કે, કોરોનાની કામગીરીમાં સીધી રીતે જોડાયેલા તમામ હેલ્થ વર્કરને લાભ મળવાપાત્ર છે.

એક વર્ષથી ધક્કા ખાધા હવે ના પાડે છે : અંજનાબેન
તેથી ડે. જનરલ મેનેજરે ખોટું અર્થઘટન કર્યું છે કે કેમ તે પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ‘ઉપરથી આ રીતે આવ્યું છે હવે ફરીથી ફાઈલ ચકાસીને યોગ્ય કરશે’. અંજનાબેને કહ્યું હતું કે, ‘મારો દીકરો આખો દિવસ ઓફિસે રહેતો રજા મળતી ન હતી અને ત્યાં જ બીમાર પડ્યો. એક વર્ષથી ધક્કા ખાધા હવે ના પાડે છે હવે શું કરું ખબર નથી!’

તો પછી સચિવને આપેલો એવોર્ડ ખોટો ગણાય
ડેપ્યુટી જનરલ મેનેજરના અર્થઘટન મુજબ કોરોના દર્દીઓના સીધા સંપર્કમાં હોય તેણે જ કોરોનાની કામગીરી કરી ગણાય. ગત વર્ષે સરકારે કોરોના વોરિયર એવોર્ડ જાહેર કર્યા હતા જેમાં પૂર્વ નાયબ સચિવ હરેશ પરમારને એવોર્ડ અપાયો હતો. તેમની કામગીરી આરોગ્ય વિભાગમાં મહેકમની હતી અને તેઓ તબીબ ન હતા. કચેરીનું કામ તેમણે કરવાનું હતું. જો ફક્ત દર્દીઓ સાથે જ સંપર્કમાં આવતી વ્યક્તિ કોરોનાની કામગીરી કરતી ગણાય તો આ એવોર્ડ સરકારે ખોટો આપ્યો તેવું અર્થઘટન પણ થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...