રાજકોટના ઘાટલીયા પરિવારે પોતાની દીકરીના લગ્ન પ્રસંગને અનોખી રીતે યાદગાર બનાવ્યો છે. ઘાટલીયા પરિવારે આજે દીકરીના લગ્ન નિમિતે દીકરીની રક્તતુલા કરી લગ્ન પ્રસંગને યાદગાર બનાવ્યો છે. દીકરી ફાર્માસીસ્ટ હોવાથી તેમને પોતાના પરિવારજનો ને લગ્ન પ્રસંગમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવા વાત રજૂ કરતા પરિવારજનોએ દીકરીની વાત ને બિરદાવી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. આજે એકત્રિત થનાર તમામ બ્લડ રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે.
લગ્ન પ્રસંગને યાદગાર બનાવી દીધો
રાજકોટમાં રહેતા ઘાટલીયા પરિવારની દીકરી ઉર્વશી ઘાટલીયાના આજે લગ્ન છે. દીકરી ઉર્વશી ફાર્માસીસ્ટ હોવાથી તેમને પોતાના લગ્ન કૈક અનોખી રીતે યાદગાર બનાવવા પરિવારજનોને રજુઆત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને સિવિલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી અને ઝડપી બ્લડ મળી રહે તે માટે લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. અને દીકરીની આજ વાત પરિવારજનોએ સ્વીકારી દીકરીની રક્તતુલા કરવાનો નિર્ણય કર્યો હતો અને આજે દીકરીની રજત તુલા પણ કરવામાં આવી અને લગ્ન પ્રસંગ યાદગાર બનાવી દીધો.
દીકરીની રક્તતુલા કરવામાં આવી
પિતા નીતિનભાઈ ઘાટલિયાએ જણાવ્યું હતું કે આજે મારી દીકરી ઉર્વશીના લગ્ન રીકીન સાથે થઇ રહ્યા છે. લગ્ન પહેલા મારી દીકરીએ રક્તદાન કેમ્પ યોજવા વાત કરી હતી દીકરીની આ વાત મેં અને મારા સમગ્ર પરિવારજનોએ વધાવી લીધી હતી જેમાં અન્ય લોકોને પ્રેરણા મળે તે માટે પરિવારે દીકરીની રક્તતુલા કરવાનો નિર્ણય લીધો અને આજે તેમના લગ્ન પ્રસંગે કન્યાદાન પૂર્વે બ્લડ ડોનેશન કેમ્પ યોજી દીકરીની રક્તતુલા કરવામાં આવી છે.
5 વર્ષમાં મહિલા રક્તદાતાની સંખ્યા 4258 થઇ
છેલ્લાં 5 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં 4 હજારથી વધુ મહિલાઓએ રક્તદાન કર્યું છે. જેમાં પહેલી લહેર કરતા બીજી લહેરમાં રક્તદાન કરનારી મહિલાઓની સંખ્યા 250થી વધુ છે. 2017થી 2022માં સૌથી વધુ મહિલા રક્તદાતાની સંખ્યા 2018માં 1181 નોંધાઈ છે. 2017માં 599, 2019માં 877, 2020માં 496, 2021માં 746 મહિલાએ રક્તદાન કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષે નવેમ્બર 2022 સુધીમાં 359 મહિલા રક્તદાતાની સંખ્યા નોંધાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.