કિસાન સૂર્યોદય યોજના:PGVCL 1000થી વધુ ગામડાંના ખેડૂતોને દિવસે વીજળી આપશે, સૌરાષ્ટ્રમાં 50 સબ સ્ટેશન બનશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વર્ષ 2021માં જુદા જુદા ક્ષેત્રોમાં અનેક વિકાસકામો થવાના છે ત્યારે સૌરાષ્ટ્રની વીજકંપની પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ નવા વર્ષમાં વીજગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી રહે સાથે સાથે ખેડૂતોને પણ દિવસે વીજળી પ્રાપ્ત થાય તે દિશામાં મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તાજેતરમાં જ રાજ્યમાં વડાપ્રધાને કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે જેના અંતર્ગત જ પીજીવીસીએલ આ યોજના થકી હવે સૌરાષ્ટ્રના ખેડૂતોને દિવસે પણ વીજળી આપશે. જેના કારણે ખેડૂતોએ વીજળી માટે રાત્રે વેઠવા પડતા ઉજાગરાઓ બંધ થશે.

નવા વર્ષમાં વીજકંપની સૌરાષ્ટ્રના 1000 જેટલા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી અપાશે અને આ માટે અત્યારથી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. પીજીવીસીએલના ચીફ એન્જિનિયર જે.જે.ગાંધી જણાવે છે કે, 1 હજાર ગામડાઓમાં દિવસે વીજળી આપવાની સાથે નવા વર્ષમાં થનારા વિકાસકામોમાં પીજીવીસીએલ સૌરાષ્ટ્ર-કચ્છમાં આશરે 50થી વધુ નવા સબ સ્ટેશનો શરૂ કરવામાં આવશે. 10 નવા સબ ડિવિઝન બનાવાશે જેમાં બે રાજકોટમાં અને આઠ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં બનશે.

ખેતીવાડી, રહેણાક અને ઔદ્યોગિક સહિત નવા વર્ષમાં કુલ 1.75 લાખ જેટલા નવા વીજકનેક્શન આપવાનો અંદાજ છે. સૂર્ય ગુજરાત યોજના એટલે કે સોલાર રૂફટોપ માટે નવા વર્ષમાં 57,500 અરજીઓ આવે એટલે કે તેટલા સોલાર રૂફટોપ માટેના વીજમીટર લગાવવાનો લક્ષ્યાંક રખાયો છે.

ખેડૂતોને દિવસે વીજપુરવઠો પૂરો પાડવા માટે સબ સ્ટેશનની સંખ્યા વધારવા અને ફીડરમાં ફેરફાર કરવાની કામગીરી હાલ પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...