વીજકંપનીનો નિર્ણય:PGVCL ઈમર્જન્સી ઉપયોગ માટે સબ ડિવિઝનમાં જ ટ્રાન્સફોર્મરનો સ્ટોક રાખશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોએ વીજળી વિના રહેવું પડતું, હવે ફેલ ટીસી તાકીદે બદલાશે

PGVCL દ્વારા વહીવટી સરળતા, વીજગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી ટ્રાન્સફોર્મરનો બફર સ્ટોક સબ ડિવિઝન કચેરી ખાતે રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ટ્રાન્સફોર્મર ફેલ્યોરના પ્રારંભિક સ્તરે જ તેનું રિપ્લેસમેન્ટ કરી શકાશે. અત્યાર સુધી કોઇપણ સ્થળે ટ્રાન્સફોર્મર ફેલ થાય ત્યારે ડિવિઝન ઓફિસના સ્ટોરમાંથી નવું ટ્રાન્સફોર્મર ફાળવાતું હતું. જેથી સબ ડિવિઝન હેઠળના જે સ્થળે ટ્રાન્સફોર્મર બદલવાનું થતું હતું ત્યાં સુધી પહોંચાડવામાં વધુ સમય લાગતો હતો,

આમ નેટવર્કમાં નિષ્ફળ ટ્રાન્સફોર્મર્સને બદલવામાં જે સમય લાગે તે નિર્ધારિત સમય મર્યાદા કરતાં વધતો હોય વીજગ્રાહકોને પૂરી પડાતી સેવાની ગુણવત્તાને અસર કરતું હતું. આવા કિસ્સાઓ રોકવા હવે ટીસી ફેલ થશે તો સબ ડિવિઝનમાંથી જ તાકીદે બદલી દેવાશે.

વીજકંપનીના નિર્ણય મુજબ દરેક પેટા વિભાગીય કચેરીએ નવા ટ્રાન્સફોર્મર્સનો બફર સ્ટોક ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ચાલે તેટલો રાખવો, કાર્યપાલક ઇજનેર દ્વારા સબ ડિવિઝન મુજબ ટ્રાન્સફોર્મરની માત્રા અને ક્ષમતા નક્કી કરી આવા ટ્રાન્સફોર્મર્સ ક્યા સ્થાન પર રાખવા તેનું સંચાલન, મોનિટરિંગ કરવું, રિપેરિંગ એજન્સી ફેલ થયેલા ટ્રાન્સફોર્મરને સબ ડિવિઝન કચેરી ખાતે બફર સ્ટોકમાંથી બદલશે અને ફેલ ટ્રાન્સફોર્મરને ડિવિઝનની ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ સ્ક્વોડને ઇન હાઉસ રિપેરિંગ માટે જમા કરાવશે. જમા થયેલ ફેલ ટ્રાન્સફોર્મરના બદલામાં ડિવિઝન એજન્સીને જ ક્ષમતાનું એક ટીસી ઇશ્યૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...