સ્વરોજગારી:સરકારી શાળાના 2500 બાળકને 21 લાખના ખર્ચે PGVCLએ ઊની ખાદીના સ્વેટર આપ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સેવાયજ્ઞમાં સ્વેટર બનાવનાર 500 જેટલા બહેનોને સ્વરોજગારી પણ મળી

આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા સીએસઆર હેઠળ આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુલ રૂ. 21 લાખની કિંમતના ઉચ્ચ ગુણવત્તાના ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયા હતા.

ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલ વિવિધ સ્મૃતિ-સ્થળોની 11 સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં 2500 જેટલા બાળકોની આ સેવાયજ્ઞ માટે પસંદગી કરાઈ હતી. આ કાર્ય માટે સ્વેટર બનાવવા આર્થિક અને સામાજિક રીતે વંચિત 500 જેટલી બહેનોને સ્વરોજગારી પણ પ્રાપ્ત થઇ હતી.

જ્યાંથી ઝવેરચંદ મેઘાણીએ 1901માં શાળા-શિક્ષણનો આરંભ કર્યો હતો તે રાજકોટમાં સદર બજાર સ્થિત તે સમયની ઐતિહાસિક તાલુકા શાળા અને હાલની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર 8 ખાતે કાર્યક્ર્મનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી દ્વારા સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું પ્રેરક સંયોજન છે.

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર (જિ. બોટાદ) સ્થિત લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજીની પ્રેરણાથી 1958માં સ્થાપિત અને ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળે આ ઊની ખાદી સ્વેટરનું ઉત્પાદન થયું હોવાથી આર્થિક-સામાજિક વંચિત 500 જેટલી બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત થઈ છે.

પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના એમડી વરુણકુમાર બરનવાલ, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે પીજીવીસીએલના એમડી વરુણકુમારે જ્ઞાન-ગોષ્ઠિ કરીને પ્રેરણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...