સોશિયલ મીડિયાના ઉપયોગે આપણું જીવન તો સરળ બનાવી દીધું છે. પણ આ જ સોશિયલ મીડિયાનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવીને આપણી સાથે છેતરપિંડી કરે છે. આ લોકોના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે. અત્યારે સાયબર માફિયાઓ PGVCL અને અલગ અલગ મોટી કંપનીઓના નામ આપીને આપણી સાથે છેતરપિંડી કરે છે. એવામાં રાજકોટમાં અત્યારે PGVCLના કર્મચારી હોવાનું કહીને મોટા મોટા ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. જેની પોલીસ ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે PGVCLના MDએ અપીલ કરી છે કે, કોઈ ‘વીજબિલ બાકી છે, કનેક્શન કપાઇ જશે’નો મેસેજ કરે તો દૂર રહેજો.
બિલ ભરવા ચીટર લીંક પણ મોકલે છે
સાયબર માફિયાઓ પોતે PGVCLના કર્મચારી હોવાનું કહીને બાકી બિલ ભરવાનું કહીને લીંક મોકલે છે અને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લે છે. આ માફિયાઓ લોકોને 'ડીઅર કસ્ટમર તમારું વીજ કનેક્શન બાકી છે, તમારું વીજ કનેક્શન કટ થઇ જશે.' આવો મેસેજ કરે છે. બાદમાં ફોન કરીને પણ તમને જાણ કરે છે. આથી તમે બિલ ભરી દો અને બિલ ભરવા માટે લિંક પણ મોકલે છે.
ચીટર સામેવાળી વ્યક્તિને ડરાવી દે છે
રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસે અત્યારસુધીમાં 10 જેટલી ફરિયાદ નોઁધાઈ છે. પોલીસે જણાવ્યું કે તેઓ ફોન કરીને બિલ ભરવા માટે કહે છે અને નહીં ભરો તો વીજ કનેક્શન કટ થઈ જશે તેવું કહે છે. આથી સામેવાળા લોકો ડરી જાય. આ સાથે જ તેઓ PGVCL જેવી જ લીંક મોકલે છે અને દેખાડો એવો જ કરે છે કે તેઓ PGVCLમાંથી છે. જો કે સમગ્ર મામલે PGVCLના MDએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચ આવા કેસોમાં મદદ કરે છે
આપણી આસપાસ વધી રહેલા સાયબર ક્રાઈમના કેસ ખરેખર ચિંતાનો વિષય છે. જો કે સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ કેસોમાં ઘણી મદદ કરે છે. પરંતુ કડક નિયમો અને કડક સજાની સાથે લોકોમાં પણ જાગૃતિ હોવી જોઈએ. આથી કરીને તેઓ કોઈની જાળમાં ફસાય ન જાય અને પોતાના પૈસાની પોતે જ રક્ષા કરી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.