ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:PGVCLએ 1 માસમાં 27 કરોડનો દંડ ઝીક્યો પણ તેના જ ઉચ્ચ અધિકારી બંગલો બાંધવા કરે છે પાવરચોરી

રાજકોટ9 દિવસ પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
  • સિટી સર્કલના અધિક્ષક હિસાબનીશ હંગામી વીજકનેક્શન લીધા વિના જ જૂના જોડાણથી કરે છે બાંધકામ
  • 20 હજાર ડિપોઝિટ સહિતના ચાર્જ ન આપવા પડે તે માટે કર્યું કારસ્તાન

એકબાજુ પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સઘન વીજચેકિંગ કરીને પાવરચોરી કરનારાઓ પર ધોંસ બોલાવી રહી છે, કરોડોના દંડ ફટકારી રહી છે ત્યારે બીજી બાજુ ખુદ પીજીવીસીએલના જ રાજકોટના ઉચ્ચ અધિકારી પાવરચોરી કરી રહ્યા હોવાનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો છે.

પીજીવીસીએલ દ્વારા એપ્રિલ-2022ના એક જ મહિનામાં સૌરાષ્ટ્રમાં ચેકિંગ દરમિયાન 78,520 વીજકનેક્શન તપાસ્યા હતા જેમાંથી 9946 કનેક્શનમાં ગેરરીતિ હોવાનું બહાર આવતા વીજકંપનીએ પાવરચોરી કરનારને કુલ રૂ.27.84 કરોડના દંડ ફટકાર્યા હતા. જ્યારે બીજી બાજુ પીજીવીસીએલના રાજકોટ સિટી સર્કલમાં ફરજ બજાવતા અધિક્ષક હિસાબનીશ ભાવનાબેન શેઠ ગ્રાહક નંબર 87602065913 તે જ નવું બાંધકામ કરી રહ્યા છે અને પીજીવીસીએલના નિયમ પ્રમાણે હંગામી વીજકનેક્શન લેવાનું હોવા છતાં લીધું નથી અને જૂના રહેણાકના મીટરમાં જ બાંધકામ કરી રહ્યા છે.

ખરેખર હંગામી વીજકનેક્શનમાં 20 હજારની ડિપોઝિટ, ફિક્સ ચાર્જ અને યુનિટનો ઊંચો ચાર્જ ચૂકવવો ન પડે તે માટે વીજકંપનીના જ અધિકારી જૂના મીટરથી જ બાંધકામ ખડકી રહ્યા છે. પીજીવીસીએલ આખા સૌરાષ્ટ્રમાં પાવરચોરી પકડે પરંતુ પોતાના જ અધિકારી વીજચોરી કરી રહ્યા હોવાનું ધ્યાને નહીં આવતા ગ્રાહકોમાં પણ કચવાટ ફેલાયો છે.

નિયમ - નવું બાંધકામ કરવું હોય ત્યારે હંગામી કનેક્શન લેવું ફરજિયાત છે, તેમાં પ્રતિ યુનિટ 4.65નો ચાર્જ થાય છે
હંગામી વીજકનેક્શન લેવા માટે ગ્રાહકે રૂ. 20 હજાર ડિપોઝિટ વિભાગીય કચેરીમાં જમા કરાવવી પડે છે. આ ઉપરાંત સામાન્ય રહેણાકના ટેરિફ કરતા હંગામી કનેક્શનના પ્રતિ યુનિટ ચાર્જ રૂ. 4.65 હોય છે. પ્રતિ કિલોવોટના રૂ.450 જેટલો અને પ્રતિ કિલોવોટ રૂ.15 પ્રતિદિન ચૂકવવો પડે છે. એકંદરે રહેણાક કરતા હંગામી કનેક્શનમાં કોમર્સિયલ ચાર્જ ચૂકવવો પડે છે.

મીટર રીડરે રહેણાકનું બિલ બનાવ્યું, પાવરચોરીની જાણ ન કરી
પીજીવીસીએલના અધિકારી જે હંગામી કનેક્શન લીધા વિના બાંધકામ કરી રહ્યા છે તેમના નિવાસ સ્થાને મીટર રીડર દર બે મહિને મીટર રીડિંગ કરવા અને બિલ બનાવવા જાય છે પરંતુ મીટર રીડિંગ કરતા વીજકર્મીની પણ આ સમગ્ર મામલામાં બેદરકારી સામે આવી છે પોતે રૂબરૂ ગયા, નિયમના જાણકાર છતાં પીજીવીસીએલમાં જાણ ન કરી કે આ સ્થળે હંગામી કનેક્શન લીધા વિના પાવરચોરી થઇ રહી છે. મીટર રીડરે પણ 4 મહિનાથી રહેણાકનું બિલ બનાવી દીધું.

ખાતાકીય તપાસ થશે, સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાની જોગવાઈ
પીજીવીસીએલના જ કર્મચારી કે અધિકારી જો આ પ્રકારની પાવરચોરી કરતા હશે તો તેની સામે ખાતાકીય પગલાં લેવાની અને તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. જો રહેણાક મકાનમાં નાનું-મોટું રિનોવેશન કરતા હોય તો હંગામી વીજકનેક્શન લેવાની જરૂર નથી, જૂના કનેક્શનમાંથી કરી શકે છે પરંતુ કોઈ આખું મકાન પાડીને નવું બાંધકામ કરી રહ્યા હોય તો હંગામી કનેક્શન લેવું જરૂરી છે. અને વીજકંપનીના જ કોઈ સ્ટાફ આવું કરતા પકડાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરીશું.- વરુણકુમાર બરનવાલ, મેનેજિંગ ડિરેક્ટર, PGVCL

અન્ય સમાચારો પણ છે...