એક્સક્લૂઝિવ:કોરોનાને હળવો સમજનાર ચેતજો, સપ્ટેમ્બરના પહેલા વીકમાં ત્રીજી લહેરની પૂરી સંભાવના, રિસર્ચ પેપર પરથી દવા બનીઃ કોવિડ મૃતદેહની ઓટોપ્સી કરનાર ડોક્ટર

રાજકોટ5 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • ઓટોપ્સીના રિસર્ચ પેપર કેન્દ્રમાં અને વિદેશ મોકલવામાં આવ્યા
  • રિસર્ચ પેપર પરથી SOP અને અમુક દવા બનાવવામાં આવી

આવતા મહિને જ ત્રીજી લહેર દેખા દે તો નવાઈ નહીં, લોકો નિયમોનું પાલન કરવામાં ચૂકી જાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના હેડ ડો.હેતલ ક્યાડા સાથે Divya Bhaskar સાથે વાતચીત કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. ડો.હેતલ ક્યાડા ગુજરાતમાં સૌથી વધુ કોરોના મૃતદેહની ઓટોપ્સી કરનાર ડોક્ટર છે. તેઓએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા કે પખવાડિયામાં ત્રીજી લહેર આવે તેવી સંભાવના છે. વેક્સિનના બે ડોઝ લેનાર લોકોને આ લહેરમાં ઓછી અસર થશે. સંશોધનના પેપર કેન્દ્ર અને વિદેશ મોકલવામાં આવ્યા છે. આ રિસર્ચ પેપર પરથી SOP અને અમુક દવા બનાવવામાં આવી છે.

રિસર્ચ પેપરના આધારે અમુક દવા તૈયાર કરાઇ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ઘાતક બીજી લહેર પુરી થયા બાદ હવે ત્રીજી લહેરની દહેશત જોવા મળી રહી છે. આ રીતે હાલ લોકો નિયમોનું ઉલ્લંઘન કરી છૂટથી હરી-ફરી રહ્યાં છે. આ જોતા સપ્ટેમ્બરનાં પ્રથમ પખવાડિયામાં ત્રીજી લહેર દસ્તક દે તેવી પુરી સંભાવના છે. જોકે વેક્સિનેશન સારા પ્રમાણમાં થયું હોવાથી તેની તિવ્રતા ઓછી હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. સાથે જ કોરોના દર્દીઓની સૌથી વધુ ઓટોપ્સી રાજકોટમાં થઈ છે. આ ઓટોપ્સી બાદ કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા રિસર્ચ પેપર ઉપરથી નવી SOP તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં તેના પરથી અમુક દવાઓ પણ બનાવવામાં આવી છે.

ડેલ્ટા વેરીએન્ટમાં પણ વેક્સિન અસરકારક રહેશે
ડેલ્ટા વેરીએન્ટ અંગે ડો.ક્યાડાનાં જણાવ્યા મુજબ, કોરોના વેક્સિન ડેલ્ટા વેરીએન્ટ ઉપર પણ અસરકારક છે. વેક્સિન લેનારને તેની અસર પ્રમાણમાં ઘણી ઓછી થવી નિશ્ચિત છે. માટે હજુ વધુમાં વધુ લોકોએ વેક્સિન લેવા માટે આગળ આવવું જરૂરી છે. જોકે, કેટલાક વેક્સિન નહીં લેનાર લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ સારી હોય તો તેને પણ ડેલ્ટા વેરીએન્ટની અસર નહિવત થવાની સંભાવના પણ નકારી શકાય નહીં.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની 125 જેટલી ઓટોપ્સી થઈ
અત્યાર સુધીમાં કેટલી ઓટોપ્સી થઇ તે અંગે ડો.હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 125 જેટલી ઓટોપ્સી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ 33 ઓટોપ્સી રાજકોટમાં થઈ છે. આ ઓટોપ્સીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 32થી 95 વર્ષના કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં કોરોના થયા બાદ લોહીના ગઠ્ઠા જામવા લાગે છે. તેમજ લિવર પર પણ અસર થાય છે. હાલ આ રિસર્ચ પેપર અમેરિકા અને બ્રિટન મોકલવામાં આવ્યા છે. જેના આધારે SOP અને દવાઓ પણ બનાવવામાં આવી છે.

ઓટોપ્સીમાં લેવામાં આવેલા સેમ્પલનું પૃથ્થકરણ કરવામાં આવે છે.
ઓટોપ્સીમાં લેવામાં આવેલા સેમ્પલનું પૃથ્થકરણ કરવામાં આવે છે.

ઓટોપ્સી દરમિયાન સામે આવેલા મહત્વનાં તારણ
ડો. હેતલ ક્યાડા દ્વારા અત્યાર સુધી 33 જેટલા દર્દીના મૃતદેહની ઓટોપ્સી કરી રિસર્ચ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે 32 વર્ષના યુવાનથી લઇ 95 વર્ષની વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. ઓટોપ્સી રિસર્ચ દરિયાન કોરોનાથી દર્દીને શરીરમાં લોહીના ગઠ્ઠા થવા, ફાઈબ્રોસિસ થવું અને લિવરમાં પણ અમુક અંશે અસર થતી હોવાનું સામે આવ્યું છે. તમામ રિસર્ચ બાદ અલગ અલગ 5થી 6 જેટલા રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યા છે. આ પેપર જર્નલ ઓફ મેડિકલ અમેરિકન અને જર્નલ ઓફ મેડિકલ બ્રિટિશ ખાતે મોકલવામાં આવ્યા છે.

ડેડબોડીનું રિસર્ચ કરવા માટે રાખવામાં આવતી તકેદારી

  • જેમને ડાયબિટીસ, બીપી જેવી ગંભીર બીમારી હોય એ ડેડબોડીનું પરીક્ષણ થતું નથી
  • પોઝિટિવ થયાના એક-બે દિવસમાં મૃત્યુ પામે તો શરીરમાં વાયરસનો લોડ ખૂબ વધી જાય
  • આવા મૃતદેહનો ચેપ ન ફેલાય તેવી સેફ્ટી જાળવવાના હેતુથી ઓટોપ્સી થતી નથી
  • માત્ર સિવિલમાં થતાં મૃત્યુમાં જ ઓટોપ્સી થાય, એથિકલ કેસની ઓટોપ્સી લેવાય છે
  • ઓટોપ્સી કરનાર તબીબને અઠવાડિયા સુધી આઈસોલેટ કરવામાં આવે છે
  • આ પીએમ રૂમમાં ક્લાસ-4ના કર્મચારીઓને પણ સફાઈ માટે મોકલાતા નથી
  • મૃતદેહના અંતિમ દર્શન કરાવી પીએમ બાદ સીધા અંતિમસંસ્કાર કરાય છે

કોરોના ઓટોપ્સી રૂમની આવી ખાસિયત હોય છે
ડો. હેતલ ક્યાડાએ ઓટોપ્સી રૂમની ખાસિયત વિશે જણાવ્યું હતું કે આ રૂમની અંદર ઇન્ફેક્શન કંટ્રોલ રાખવાના હોય છે. ટેમ્પરેચર સાથે કોઈ લેવાદેવા હોતું નથી. પીએમ કરનાર અને રૂમની આજુબાજુ ઈન્ફેક્શન ફેલાવવું જોઈએ નહીં. આ વાયરસ હવામાં નથી ફેલાતો. જો એર બોન્ડ ડિઝીઝ હોય તો વાયરસ હવામાં ફેલાય, પરંતુ આ વાયરસમાં એર બોન્ડ ડિઝીઝ નથી.