રાજકોટમાં કેજરીવાલના ભાજપ પર પ્રહાર:‘જે લોકો એમ કહેશે કે, અમે AAPને મત આપીશું તો તેના પર હુમલા કરાવશે, સાંજે સુરતવાસીઓ ઊમટી પડજો’

રાજકોટ24 દિવસ પહેલા

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈકાલ સાંજથી રાજકોટના પ્રવાસે છે. આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જે લોકો એમ કહેશે કે અમે આમ આદમી પાર્ટીને મત આપીશું તો તેમના પર ભાજપ હુમલો કરાવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર મોટા સ્તર પર હુમલો કરાવશે. પરંતુ અમારે સંયમ રાખવાનો છે. મીડિયાને ડરાવીને રાખ્યું છે. બધા મીડિયાને કહી દીધું છે કે, આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ દેખાડવા નહીં. આજે સાંજે 7 વાગ્યે ગણપતિ બાપાની આરતી કરવા સુરત આવી રહ્યો છું તો સુરતવાસીઓને ઊમટી પડવા આહ્વાન કરું છું.

હારવાના ડરથી ભાજપ હુમલો કરાવે છે
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં મનોજ સોરઠિયા પર હુમલો કરવામાં આવતા તેમનું માથું વચ્ચેથી ફાટી ગયું છે. માથામાં કેટલાય ટાંકા આવ્યા છે. તેમનો વાંક શું હતો, તે તો ગણપતિ બાપાના એક પંડાલમાં ઊભા હતા અને પૂજા કરી રહ્યા હતા. ત્યારે અમુક લોકો આવ્યા અને ભગવાનની મૂર્તિની સામે હુમલો કરી દીધો. આ ગુજરાત, દેશ કે આપણી સંસ્કૃતિ કે સંસ્કાર નથી. આનાથી લોકોમાં બહુ જ રોષ છે. બધી જગ્યાએ આ લોકો ડરાવી રહ્યા છે. ભાજપ દ્વારા હુમલો ક્યારે કરવામાં આવે છે જ્યારે હારવાનો ડર લાગી ગયો હોય.

અરવિંદ કેજરીવાલે મનોજ સોરઠિયા પર થયેલા હુમલાને વખોડ્યો.
અરવિંદ કેજરીવાલે મનોજ સોરઠિયા પર થયેલા હુમલાને વખોડ્યો.

મનોજ સોરઠિયા પર હુમલો થતા સુરતના લોકો નારાજ
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, સુરતવાસીઓને મારી બે હાથ જોડીને અપીલ છે કે, જ્યાં હુમલો થયો ત્યાં ગણપતિ પંડાલમાં આવે. આખું સુરત એકત્રિત થાય અને એકસાથે આપણે ભગવાનને ગુજરાતની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે આહ્વાન કરીશું. સાંજના 7 વાગ્યે આરતી શરૂ થશે અને 6.30 વાગ્યે બધા લોકો પહોંચી જાય. જ્યારથી મનોજ સોરઠિયા પર હુમલો થયો છે ત્યારથી સુરતના લોકો નારાજ છે. મેં સરવે કરાવ્યો છે, સુરતમાં 12 સીટ છે જેમાં 7 સીટ પર આમ આદમી પાર્ટી આવી રહી છે.

સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચાર કરો
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, હું સ્ટેટ ટ્રાન્સપોર્ટના તમામ ડ્રાઇવર અને કન્ડક્ટરનો આભાર માનું છું. કારણ કે ભૂજમાં ભાજપના કાર્યક્રમમાં જેટલા લોકો ગયા હતા ત્યારે પરત ફરતી વખતે તમામને કહ્યું હતું કે, આ વખતે પરિવર્તન કરવું જોઇએ. આ તમામ લોકો ઝાડુને મત આપશે તેવું નક્કી કર્યું હતું. હું તેમને વિનંતી કરું છું કે તમારે રોજ આ કામ કરવાનું છે. અમારી સરકાર બનતા જ તમારા ઋણને હું ત્રણ મહિનામાં પૂરું કરીશ. સમય બહુ જ ઓછો છે, એટલે બને તેટલો ઝડપથી પ્રચાર કરો. પરંતુ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચાર કરો. હું તમને અલગ અલગ રીતે વ્યક્તિગત મળીશ અને તમામના પ્રશ્નો ઉકેલીશ.

આજે સાંજ સુરતમાં ગણપતિ બાપાની આરતી કરશે.
આજે સાંજ સુરતમાં ગણપતિ બાપાની આરતી કરશે.

ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી વધી ગઈ છે
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, બધા લોકોની ફરજ છે કે તે ધર્મ માટે કામ કરે. આ સમયે એટલો ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી વધી ગઈ છે કે મીડિયાવાળાને ધમકાવવામાં આવે છે. આજે જ મને એક મીડિયાવાળાનો ફોન આવ્યો હતો કે, કેજરીવાલની સ્પીચ ચલાવવી નહીં તેવી મને ધમકી મળી છે. ધર્મના શાસનને સ્થાપિત કરવા માટે બધાએ કામ કરવાનું છે. આમ આદમી પાર્ટી ધર્મ માટે કામ કરે છે. ચૂંટણી આવતા પોલીસને ભથ્થા વધારવાની જાહેરાત કરી દીધી અને એફિડેવીટમાં શરત મૂકવામાં આવી છે કે કોઈ વિરોધ ન કરે. પરંતુ હું કહેવા માગું છું કોઈ સાઈન ન કરતા, ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને તમામની માગ પૂરી કરીશું.