સૌ. યુનિ.ના મનોવિજ્ઞાન ભવનને લોકોના ભ્રામક સવાલો:'કોરોનામાં દારૂના સેવન કરનારા લોકોને કોરોના થતો નથી?, દારૂ જલ્દી આપો, મારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય'

રાજકોટ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મનોદૈહિક વિકૃતિ મુજબ દારૂ ત્વચા માટે નુકસાનકારક

કોવિડ-19 મહામારીમા ઘણા લોકો મુશ્કેલીમાં મૂકાય ગયા છે. અને મુશ્કેલીમાંથી બહાર આવવા લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવે છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો ડો. ડિમ્પલ રામાણી અને ડો. હસમુખ ચાવડા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જે મુજબ આવા નુસ્ખા શોધવા માટેનુ સૌથી સરળ સાધન સોશિયલ મીડિયા અને ગુગલ છે. આવા નુસ્ખાઓમાં ઉડીને આંખે વળગે એવો નુસ્ખો એટલે આલ્કોહોલ (દારૂ). આલ્કોહોલનુ વળગણ લોકોમા હાલની કોરોનાની પરિસ્થિતિમા એટલુ ચગ્યું છે કે જે લોકો આલ્કોહોલ વિરોધી હતા તે લોકો પણ આલ્કોહોલના રવાડે ચડી ગયા છે. આલ્કોહોલ કફમાં અને કોરોનામાં રાહત આપે છે તેવી અફવાના કારણે આજે સ્ત્રીઓ પોતાના પતિ કે ઘરના વડીલોને આલ્કોહોલ લેતા અટકાવતી નથી. એક ચોકાવનારુ સત્ય એ પણ સામે આવ્યુ છે કે ઘણીબધી મહિલાઓ પણ આલ્કોહોલના રવાડે ચડી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકો ફોન કરીને સવાલ કરે છે કે, કોરોનામાં દારૂના સેવન કરનારા લોકોને કોરોના થતો નથી?, દારૂ જલ્દી આપો, મારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય.

મનોદૈહિક વિકૃતિ મુજબ દારૂ ત્વચા માટે નુકસાનકારક
મનોવિજ્ઞાન મુજબ દારૂ અને ડિપ્રેશન વચ્ચે ઘણો સંબંધ છે. હેન્ગઓવરના કારણે કેટલાક લોકોનો મિજાજ ખરાબ થઈ જાય છે અને તેમને અસ્વસ્થતાનો પણ અનુભવ થાય છે. મગજના રસાયણો અને પ્રક્રિયાઓના નાજુક સંતુલન પર આધાર રાખે છે. આલ્કોહોલ આ સંતુલનને વિક્ષેપિત કરી શકે છે, આપણા વિચારો, લાગણીઓ અને ક્રિયાઓને અસર કરે છે અને કેટલીકવાર આપણા લાંબા ગાળાના માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ બાબત આપણને હતાશા ખિન્નતા તરફ લઈ જાય છે. મનોદૈહિક વિકૃતિ મુજબ દારૂ ત્વચા માટે નુકસાનકારક છે. તે ચામડીને શુષ્ક કરે છે અને સમય જતાં તેને બગાડે છે, જેથી દારૂ પીનાર વ્યક્તિ તેમની ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાય છે.

માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે
જેમ જેમ આપણે વધુ આલ્કોહોલ પીતા હોઈએ છીએ તેમ આપણા મગજના કાર્ય પર અસર વધારે થાય છે. અને દારૂના વધતા જતા વપરાશ સાથે આપણે જે મૂડમાં છીએ તેના પર વિપરીત અસર થાય છે, નકારાત્મક લાગણીઓનો પ્રભાવ પડે છે, જેનાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. આલ્કોહોલને આક્રમકતા સાથે જોડી શકાય છે જેમકે, કેટલાક લોકો આલ્કોહોલ પીવે છે ત્યારે ગુસ્સે, આક્રમક, બેચેન અથવા હતાશ થતા હોય છે.

દારૂ અને અસ્વસ્થતા
અસ્વસ્થતા અનુભવતા લોકોને આલ્કોહોલનું પીણું તેમને વધુ સરળતા અનુભવવામાં મદદ કરશે, પરંતુ આ લાગણી અલ્પજીવી છે. અમુક લોકો પીધા પછી ‘રિલેક્સ’ની લાગણી અનુભવે છે તે મગજમાં થતા દારૂના રસાયણિક ફેરફારોને કારણે છે.પરંતુ આ અસરો ઝડપથી અશાંતિ તરફ લઈ જાય છે. અસ્વસ્થતા માટે આલ્કોહોલ પર આધાર રાખવો પણ તેના પર આરામ કરવા માટે વધુ નિર્ભરતા તરફ દોરી શકે છે. આની સંભવિત આડઅસર એ દારૂ પ્રત્યે સહનશીલતા વધારવાનું જોખમ છે. સમય જતાં, તમારે સમાન લાગણી મેળવવા માટે વધુ આલ્કોહોલ પીવાની જરૂર પડે છે. અને બાબત ઘણીવાર આલ્કોહોલના અવલંબન તરફ દોરી જાય છે.

આલ્કોહોલ COVID-19થી સુરક્ષા અપાવતો નથી
મનોવિજ્ઞાન મુજબ આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું માનવામાં આવે છે, તે આપણા ઘનિષ્ઠ સબંધોમા હિંસા સહિત ઇજા અને હિંસાના જોખમને વધારવા માટે કારણરૂપ છે. COVID-19 રોગચાળા દરમિયાન લોકડાઉન સમયે, આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્યની નબળાઈ, જોખમ લેવાના વર્તનો, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો અને હિંસાને વધારે છે.તબીબી નિષ્ણાંત અને મનોવૈજ્ઞાનિક જણાવે છે કે આલ્કોહોલ COVID-19થી સુરક્ષા અપાવતો નથી.

આલ્કોહોલ અને કોવિડ -19 પર અફવાઓનું સમાધાન
ભય અને ખોટી માહિતીએ એક ખતરનાક અફવા પેદા કરી છે કે આલ્કોહોલનું સેવન COVID-19ના વાયરસને મારે છે. કોઈપણ પ્રકારના આલ્કોહોલનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. આલ્કોહોલનું સેવન વિવિધ પ્રકારના ચેપગ્રસ્ત અને બિન-ચેપગ્રસ્ત રોગો અને માનસિક આરોગ્ય વિકાર સાથે સંકળાયેલું છે, જે વ્યક્તિને COVID-19 સંક્રમણ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. ખાસ કરીને, આલ્કોહોલ શરીરની રોગપ્રતિકારક શક્તિ સાથે સમાધાન કરે છે અને આરોગ્યના પ્રતિકૂળ પરિણામોનું જોખમ વધારે છે. તેથી, લોકોએ કોઈપણ સમયે તેમના આલ્કોહોલનું સેવન ઓછું કરવું જોઈએ, અને ખાસ કરીને COVID-19 રોગચાળા દરમિયાન. દારૂ પીવાથી ચેપનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂદ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેના કારણે ઘણાં રોગોનું જોખમ વધી જાય છે. વધુ દારૂ પીવાથી સાઇટોકિન પ્રોટીન બનવાની પ્રક્રિયામાં અડચણ આવે છે.

સાઇટોકિન પ્રોટીન્સ ચેપ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આલ્કોહોલનું સેવન શ્વાસમાં લેવાતી હવામાં વાયરસનો નાશ કરશે નહીં; તે તમારા મોં અને ગળાને જંતુમુક્ત કરશે નહીં; અને તે તમને COVID-19 સામે કોઈ પણ પ્રકારનું રક્ષણ નહીં આપે. એલકોહૉલિસમમાં ઊંઘ પર દારૂની અસરો સાથે સંકળાયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ માત્રામાં દારૂ પીવાથી ઊંઘ તાત્કાલિક આવે છે. ઊંઘની પહેલી સાઇકલમાં ગાઢ ઊંઘ આવે છે પરંતુ ઊંઘની બીજી સાઇકલમાં ઊંઘ વારંવાર તૂટી જાય છે.

આલ્કોહોલ વિશે લોકો તરફથી આવતા સામાન્ય પ્રશ્નો

 • અમારા પડોશી દારૂ પીવે છે તેને કોરોના નથી થયો અમે તમાકુ કે દારૂ ક્યારેય લેતા નથી તોય અમારા ઘર આખાને કોરોના થયો. શું દારૂ પીવે તેને કોરોના ન થાય? અત્યાર સુધી એ ક્યારેક ભાઈબંધ દોસ્ત સાથે પાર્ટી કરતા અને પિતા તો હું ચિડાઈ જતી. પણ આ કોરોના પછી મને લાગે છે કે તે પીવે છે એટલે જ કોરોના એમને નથી થતો.. મેં પણ એક બે વાર થોડો પીધો છે તો મને એની આડ અસર પ્રેગન્સી પર નહીં થાય ને?
 • શું આલ્કોહોલનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે?
 • શું કોવિડ રસી પછી આલ્કોહોલ પીવું સલામત છે?
 • શું આલ્કોહોલ પીવાથી રોગપ્રતિકારક શક્તિ અને કોવિડ -19 નો પ્રતિકાર ઓછો થાય છે?
 • શું આલ્કોહોલ સ્વયં પ્રતિરક્ષાનું કારણ બની શકે છે?
 • આલ્કોહોલ લઈએ તો શરીર અંદરના જમ્સ મરી જાય?
 • આ ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની છે તો બાળકોને અત્યારથી આલ્કોહોલ પીવડાવાનું ચાલુ કરી દઈએ?
 • મારાં દાદા બીમાર છે તો તેને રોજ એક એક ચમચી આલ્કોહોલની આપીએ તો રોગપ્રતિકારક શકતી જલ્દી વધી જાય.
 • મારાં ઘરે નાનું બાળક જન્મ્યું છે તો તે સંક્રમિત ન થાય એ માટે તેને એક એક બોટલની ઢાકણી આપી શકાય?
 • મારી ઘરવાળી ગર્ભવતી છે તો તેને આલ્કોહોલની એક એક ચમચી આપીએ તો?
 • મારાં પપ્પાને ઊંઘ જ નથી આવતી તો દારૂ પીવડાવીએ તો ઊંઘ આવી જાય ને?
 • જેમ જેમ દારૂના ભાવ ઊંચા હોય એમ દારૂ સારો હોય ને? તો હું એ જ ખરીદી કરુ. જેથી મને કોરોના ન જ થાય.
 • મેડમ પહેલા તો હું જ દારૂની વિરોધી હતી પણ મને એવુ લાગે છે કે દારૂ એક જ એવુ સાધન છે જે કોરોના સામે લડવા મજબૂત બનાવે છે. મેં તો મારાં પતિ ને કહ્યું હવે આપણે હોલસેલ મા ક્યાય દારૂ મળતો હોય તો મંગાવી લેજો આપણે તો એનાથી નાહવાનું ચાલુ કરી દેવું છે.
 • બધા એવુ કહે છે હવે બધા દારૂનો ઉપયોગ કરવા લાગ્યા છે કોરોના ને હરાવવા માટે તો જો દારૂ દવાની જેમ ઉપયોગ થતો હોય તો મારે તો કાલથી રસોઈ અને શાકમા પણ દારૂનો ઉપયોગ કરવા લાગવો છે જેથી અમને કોરોના ન થાય.. હળવી માત્રાથી શરૂ કરેલી આ વૃત્તિ ઘણીવાર મુશ્કેલી સર્જે છે. શરાબની શરારત તમને પાંગળા બનાવે છે.

અકસ્માતના મુખ્ય કારણ તરીકે મદ્યપાન
મદ્યપાન એક એવી વિકૃતિ છે કર માત્ર પીનાર વ્યક્તિને જ પ્રભાવિત કરતી નથી, પરંતુ વ્યક્તિના સંપર્કમાં રહેતા અને ન રહેતા તમામ લોકોને પ્રભાવિત કરે છે. હત્યા, બળાત્કાર, આત્મહત્યા તથા અકસ્માતના મુખ્ય કારણ તરીકે મદ્યપાન ને સ્વીકારવામાં આવે છે.મદ્યપાન એક એવી અવસ્થા છે જેમાં આલ્કોહોલ પરની આધારીતતા એટલી વધી જાય છે કે તેનાથી જીવનના સમયોજનમાં મુશ્કેલીઓ આવે છે. વ્યક્તિ શારીરિક કારણોથી પોતાની જાતને ઘણી માત્રામાં આલ્કોહોલ પીવાથી રોકી શકતો નથી કે જ્યાં સુધી તેનામાં ખિન્નતા ઉત્પન્ન ન થાય અને અંતે તેનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય તેમજ સામાજિક તથા વ્યવસાયિક મુશ્કેલી થાય છે.

અન્ય સમાચારો પણ છે...