બેદરકારી:રાજકોટમાં ઓનલાઇન સુવિધા સમજમાં ન આવતા લોકોએ ફરી જન્મ-મરણના દાખલા માટે લાંબી લાઇન લગાવી, સંક્રમણ વધવાની સંભાવના

રાજકોટએક વર્ષ પહેલા
જન્મ-મરણના દાખલા લેવા લોકોની પડાપડી.
  • WWW.EOLAKH.GUJARAT.GOV.IN સાઇટ મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં ઓપન કરી જન્મ-મરણના દાખલા ઓનલાઇન મેળવી શકાશે

રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધતા રોજ કેસોની સંખ્યા વધી રહી છે. બીજી લહેરમાં લોકો એકઠા ન થાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. સરકારે જન્મ અને મરણના દાખલા માટે ઓનલાઇન સેવા પણ લોકોને પૂરી પાડી છે. પરંતુ લોકોને ઓનાલાઇન સેવા સમજમાં ન આવતા આજે રાજકોટ મનપા કચેરી ખાતે જન્મ-મરણના દાખલા લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. તેમજ મનપા કચેરીના ગેઇટ સુધી લાંબી લાઇન જોવા મળી હતી. આ રીતે લોકોની લાઇન જોવા મળતા સંક્રમણ વધવાની શક્યતા સેવાઇ રહી છે.

જાહેર જનતાને ઘરેબેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા
જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયા હાલ રાજ્ય સરકારના વેબ પોર્ટલ eOlakhમાં કરવામાં આવે છે. આ નોંધણીની પ્રક્રિયા સંપુર્ણ ઓનલાઇન છે. જેથી દરેક હોસ્પિટલ દ્વારા બનતા જન્મ કે મરણના બનાવોની નોંધ આજ પોર્ટલમાં કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આજ પોર્ટલમાંથી જાહેર જનતાને ઘરે બેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલ્બ્ધ કરવામાં આવી છે. જે સુવિધા 1 ઓક્ટોબર 2020થી તમામ નોંધણીમાં લાગુ પડશે. જે સેવામાં પ્રમાણપત્ર ફક્ત ડાઉનલોડ કરી શકાશે, જેમાં કોઇ સુધારા કરી શકાશે નહી. આ સુવિધાનો લાભ આજથી જ શરૂ કરવામાં આવ્યો છે.

લોકોની લાંબી લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો.
લોકોની લાંબી લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો.

આ સુવિધાનો લાભ લેવાની પ્રક્રિયા

  • WWW.EOLAKH.GUJARAT.GOV.IN સાઇટ મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં ઓપન કરવાની રહેશે.
  • આ સાઇટ ઓપન કરતા હોમ પેઇજ પર સિટીઝન સેન્‍ટરમાંથી ડાઉનલોડ સર્ટિફિકેટમાં ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ જે પ્રમાણપત્ર જોઇતું હોય તે સિલેક્ટ કરવાનું જેમ કે બર્થ અથવા ડેથ
  • સિલેક્ટ કર્યા બાદ કેવી રીતે શોધવુ જેમ કે મોબાઇલ નંબર અથવા એપ્લીકેશન નંબર આ પૈકી કોઇ એક વિગત દાખલ કરી સર્ચ કરવાનું રહેશે
  • ત્યારબાદ નીચે વિગત બતાવશે જેમાં ડાઉનલોડ કરવાનો ઓપશન આવશે જે ડાઉનલોડ કર્યેથી આપનું પ્રમાણપત્ર મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં તૈયાર હશે.
અન્ય સમાચારો પણ છે...