હાલાકી:સરધાર-કુવાડવા વચ્ચેના બિસ્માર રોડથી લોકો ત્રસ્ત

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવા રોડ રસ્તાઓના વાયદાઓ વચ્ચે રાજકોટ નજીક સરધાર- કુવાડવા વચ્ચેના બિસ્માર હા‌ઈવેથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. રોડ માટે અનેક રજૂઆત છતાં આજદિન સુધી નવો રોડ બન્યો નથી. ગોલિડા ગામના સરપંચનું કહેવું છે કે, છેલ્લા 5 વર્ષથી રોડની આ સ્થિતિ છે. તેમ છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવતી.

સરધારથી કુવાડવા વચ્ચેના રસ્તાની હાલત એટલી હદે કથળી છે કે, વાહનો તો ઠીક પગપાળા ચાલીને નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે. આસપાસના ગામોમાં રહેતા લોકો સ્ટેટ હાઈવેની આ હાલતથી ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. 15 કિલોમીટર સુધી તો રસ્તાની હાલત જોતા રોડ વચ્ચે ખાડા છે કે ખાડામાં રોડ છે? તે નક્કી કરવું મુશ્કેલ બની જાય તેમ છે.

ગોલિડા ગામના સરપંચ શાંતુભાઈ ખાચરના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી સ્ટેટ હાઈવેની આ હાલત છે. આથી ખરાબ રોડની હાલત ક્યાંય જોઈ નથી. આ માટે સાંસદ મોહન કુંડારિયા તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. રસ્તા પર મસમોટા ખાડાના કારણે આ વિસ્તારમાં અકસ્માતના બનાવો પણ વધી રહ્યાં છે. ત્યારે વહેલાસર આ રોડ બનાવવા લોકોની માંગ ઊઠી છે.