રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે પણ ગામડાઓમાં અંધશ્રદ્ધા અને અફવાઓથી પ્રેરાયને લોકો વેક્સિનેશનથી દૂર રહેતા હોવાનો ખુદ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને સ્વીકાર કર્યો છે અને લોકો વધુને વધુ વેક્સિનેશનનો લાભ લેવા માટે અપીલ કરી છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 5 મહિનામાં માત્ર 18 ટકા જ વેક્સિનેશન થયું છે.
માત્ર 18% લોકોનું જ રસીકરણ થયું
રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિનેશન કામગીરી કાચબાની ગતિએ ચાલી રહી છે. સરકારી આંકડા મુજબ રોજનાં 1100થી 1200 વ્યકિતનું રોજ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ સુધીનાં આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં માત્ર 3,06,437 વ્યકિતને એટલે કે માત્ર 18% લોકોનું જ રસીકરણ કરવામાં આવ્યુ છે.
17 લાખની વસ્તીની સામે માત્ર 3 લાખ લોકોનું જ વેક્સિનેશન
સૌરાષ્ટ્રના પાટનગર સમાં રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની વસ્તી આશરે 17 લાખની છે. સરકાર દ્વારા જાન્યુઆરી 2021થી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેને આજે પાંચ મહિના પુરા થતા પહેલો અને બીજા ડોઝ મળીને માત્ર 3 લાખ લોકોનું જ વેક્સિનેશન કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગે ગ્રામ્ય સ્તરે ઘરે ઘરે જઈને લોકોને વેક્સિનેશનના ફાયદા સમજાવ્યા એટલું જ નહીં ઘરની નજીકમાં રસીકરણ આપવાનું શરુ કરાયું છતાં કોઈ ખાસ ફેર પડ્યો નથી.
જિલ્લામાં સૌથી વધુ વેક્સિનેશન ગોંડલ તાલુકામાં જ્યારે સૌથી ઓછુ વિંછીયા તાલુકામાં
તાલુકો | વેક્સિનેશન |
ગોંડલ | 65956 |
વીંછિયા | 08456 |
ધોરાજી | 30480 |
જામકંડોરણા | 17484 |
જસદણ | 26334 |
જેતપુર | 45235 |
રાજકોટ | 25000 |
ઉપલેટા | 33000 |
કોટડા અને લોધિકા | 17000 |
જસદણ અને વીંછિયા પંથકમાં લોકો હજુ વેક્સિન માટે તૈયાર નથી
વેક્સિનના બે ડોઝ પૈકી પ્રથમ ડોઝ 2,28,741 વ્યકિતને અપાયો છે અને બીજો ડોઝ 77,696 વ્યકિતને અપાયો છે. રસીનો પુરતો જથ્થો હોવા છતાં રસીકરણ ધીમું થઈ રહ્યું છે. ખુદ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના વિસ્તાર જસદણ અને વીંછિયા પંથકમાં લોકો હજુ વેક્સિન માટે તૈયાર થતા ન હોવાનું સામે આવી રહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.