રાજકોટમાં બુધવારે ખાસ બીજા ડોઝ માટે વેક્સિનેશનના કેન્દ્રો ખુલ્લા રાખવામાં આવ્યા હતા. કારણ કે, શહેરમાં 65000થી વધુ એવા લોકો છે જેમને પ્રથમ ડોઝ લીધાને 90 દિવસ કરતા વધુ સમય વીતી ગયો છે છતાં બીજો ડોઝ લીધો નથી. કતારોને કારણે લોકો નહિ આવતા હોય તેને લઈને 1 ઓગસ્ટે બીજા ડોઝનો કેમ્પ હતો જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. ફરીથી બીજા ડોઝની સંખ્યામાં વધારો થવાના હેતુ મમતા દિવસે જ્યારે રસીકરણ બંધ હોય ત્યારે બીજા ડોઝ માટે રસીકરણ કેન્દ્રો ચાલુ રાખ્યા હતા.
તંત્રને આશા હતી કે સંખ્યા વધશે આ કારણે 15000 ડોઝની ક્ષમતા રાખવામાં આવી હતી જોકે દિવસ દરમિયાન માત્ર 4500 જ રસી લેવા આવ્યા હતા. પ્રથમ ડોઝમાં પરેશાન થયા બાદ હજુ પણ લોકો બીજા ડોઝ માટે ખચકાય છે કે પછી બીજા કારણ છે તે માટે તંત્રએ લોકોને ફોન કરવાના શરૂ કરીદીધા છે.
આ ઉપરાંત હેલ્થ કેર વર્કરને ફોન કરવામાં આવતા ઘણા કિસ્સામાં ડુપ્લિકેટ એન્ટ્રી જોવા મળી છે તેથી જે બીજા ડોઝમાં બાકી છે તે તમામના નામો ફેરચકાસણી માટે અપાયા છે અને જે નામ બે વખત હશે તે કમી કરાશે. આ ઉપરાંત તબીબી અભ્યાસ માટે આવેલા તેમજ બીજા જિલ્લામાંથી રાજકોટ આવ્યા હતા તેવા હેલ્થ કેર વર્કરોએ પોતપોતાના મથકોએ રસી લઈ લીધાનું જણાવ્યું છે પણ ડેટાબેઝમાં અપડેશન થયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.