મોરબી દુર્ઘટનાનો વધુ એક હ્રદયદ્રાવક:તારને પડકીને મોતને હાથ તાળી આપતા લોકો, ચિચિયારીથી ભયાવહ વાતાવરણ સર્જાયું

રાજકોટ25 દિવસ પહેલા

મોરબીમાં રવિવારની સાંજે 6:30 વાગ્યાના અરસામાં હળવું અંધારું પથરાઈ રહ્યું હતું ત્યારે માત્ર દસ સેકન્ડની એક દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધકારમાં ડૂબી ગયાં. જે ઘટનાનો હજુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો તારને પડકીને મોતને હાથ તાળી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂર્યનારાયણ આથમણી દિશામાં ડૂબી રહ્યા હતા ત્યારે અનેક જિંદગી આથમી ગઈ. થોડી ક્ષણો પહેલાં જ જ્યાં આનંદ-ઉમંગનો કિલ્લોલ ગૂંજતો હતો એ મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ મરણચીસોથી ગાજી ઊઠ્યો હતો.

કેબલ પકડીને લટકતા લોકો
કેબલ પકડીને લટકતા લોકો
પુલ તૂટતાં 135થી વધુ જિંદગીઓ હોમાઈ ગઈ.
પુલ તૂટતાં 135થી વધુ જિંદગીઓ હોમાઈ ગઈ.
લોકો તારને પડકીને મોતને હાથ તાળી આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા
લોકો તારને પડકીને મોતને હાથ તાળી આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ચોતરફ મોતનો ઓથાર છવાઈ ગયો
વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. લોકોની રોકકળથી સમગ્ર વાતાવરણ કલુષિત થઈ ગયું છે. કાળની લીલા કેવી છે? હજુ થોડી ક્ષણો પહેલાં ધબકતા શ્વાસ ઘડી બે ઘડીમાં નિશ્વાસ બની ગયા. ચોતરફ મોતનો ઓથાર છવાઈ ગયો. બે કટકા થઈને તૂટી પડેલા પુલના કેબલ પકડીને લટકતા લોકો મચ્છુના ગોઝારા જળમાં બેબાકળી આંખે પોતાના પરિવારજનની શોધી રહી હતી. એક મહિલા આક્રંદ કરતી હતી, ‘મારો બાળક, મારો પુત્ર, કોઈ તો કહો એ ક્યાં છે...’ વિધાતાનો આ તે કેવો કોપ? ક્યાંક માતાના લાડકવાયાં સંતાનો છીનવાઈ ગયાં, તો ક્યાંક કુમળાં બાળકોએ માતા-પિતા ગુમાવ્યાં.

રાતભર રેસ્ક્યૂ ચાલ્યું હતું અને સ્થાનિકો પણ આ ઓપરેશનમાં જોડાઈને ઠંડી વચ્ચે પાણીમાં મૃતદેહ શોધી રહ્યા હતા.
રાતભર રેસ્ક્યૂ ચાલ્યું હતું અને સ્થાનિકો પણ આ ઓપરેશનમાં જોડાઈને ઠંડી વચ્ચે પાણીમાં મૃતદેહ શોધી રહ્યા હતા.
ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરાયું
ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરાયું

સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં
નોંધનીય છે કે, મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા હતા. જેને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરાઇ હતી. જ્યાં PM મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની મુલાકાત લીધી હતી.

PM મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની મુલાકાત લીધી
PM મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની મુલાકાત લીધી

PM મોદીએ કામગીરીનું નિરિક્ષણ કર્યું
વડાપ્રધાનએ પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, NDRF, SDRF, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

ટેકનીકલ પાસાઓ વિશે માહિતી મેળવી
વડાપ્રધાનએ આજે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાનએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેકનીકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી

તબીબોની આંખો પણ ભીની થઇ ગઇ
મોરબીની આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકની હૃદયદ્રાવક કહાની છે. કેટલાંય સ્વપ્નો રોળાઇ ગયાં. જેમણે સ્વજનો ગુમાવ્યા એ પરિવારોની વેદનાનું વર્ણન શક્ય નથી. તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું. હસતા, રમતા, આનંદ માણવા ગયા હતા એ સ્વજનો સદા માટે ચાલ્યા ગયા. જે પાછળ રહી ગયા તેમના જીવન સૂના બની ગયાં. ખુશી અને આનંદનું જીવનસંગીત મૃત્યુના ખૌફનાક સન્નાટામાં શાંત થઈ ગયું. તેમના જીવનનો ખાલીપો કદી પૂરી નહીં શકાય. મોરબીની ઘટનાનાં દૃશ્યો આખા ગુજરાતને રડાવી ગયાં. નદીકાંઠે અને હોસ્પિટલમાં સ્વજનોને શોધતા પરિવારજનોનાં હીબકાં, ડૂંસકા, હૈયાફાટ રુદન અને શોકભર્યા આક્રંદને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. તબીબોની આંખો પણ ભીની થઇ ગઇ. એક માતા સ્ટ્રેચર પર મૃત્યુની નીંદરમાં પોઢી ગયેલા માસૂમ બાળકને કહેતી હતી કે ‘આંખો ખોલ મારા લાડકવાયા, મારી સાથે વાત કર’. પણ એના લાડકવાયાએ કાયમ માટે આંખ મીંચી દીધી હતી. એની કાલીઘેલી વાણી સદા માટે શાંત થઈ ગઈ હતી.

સ્મશાનમાં પાર્થિવ દેહની ચાલુ ચિતાએ લાકડાં ખૂટી પડ્યા
સ્મશાનમાં પાર્થિવ દેહની ચાલુ ચિતાએ લાકડાં ખૂટી પડ્યા
મોડી સાંજે દુર્ઘટના બન્યા બાદ સવારમાં પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું
મોડી સાંજે દુર્ઘટના બન્યા બાદ સવારમાં પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું
ઝૂલતા પુલની કરુણાંતિકાએ માત્ર મોરબીના સ્મશાનો જ લાશોથી નહોતાં ભરી દીધાં, નગરનાં કબ્રસ્તાનોમાં પણ મૃતદેહોને દફનાવવા માટે જમીન ઓછી પડી ગઈ હતી
ઝૂલતા પુલની કરુણાંતિકાએ માત્ર મોરબીના સ્મશાનો જ લાશોથી નહોતાં ભરી દીધાં, નગરનાં કબ્રસ્તાનોમાં પણ મૃતદેહોને દફનાવવા માટે જમીન ઓછી પડી ગઈ હતી

પુલ ત્રણ દિવસમાં જ તૂટી પડ્યો
ઝૂલતા પુલનું મેનેજમેન્ટ સાંભળનાર ઓરેવા ટ્રસ્ટ સામે પોલીસે સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી મેનેજર સહિત નવ વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. ઓરેવા ગ્રૂપે તાજેતરમાં જ બે કરોડના ખર્ચે આ પુલનું સમારકામ કર્યું હતું અને સાત મહિનાથી બંધ એ પુલને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી લોકો માટે ફરી ખુલ્લો મુકાયો હતો. કમનસીબે બે કરોડના ખર્ચ પછી એ પુલ ત્રણ દિવસમાં જ તૂટી પડ્યો. આ દુર્ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરાઈ છે. એ તપાસ તો થશે પણ એક સામાન્ય અનુમાન એવું છે કે એક સાથે મોટી સંખ્યામાં લોકો પુલ ઉપર હોવાને કારણે વજન વધી જતાં પુલ તૂટી પડ્યો.ટિકિટો ફાટતી જતી હતી. કોઈને વિચાર સુદ્ધાં ના આવ્યો કે, હવે નવી એન્ટ્રી બંધ કરવી જોઈએ.

મોરબીના ઘણા વિસ્તારોમાં જ્યાંથી સામૂહિક અંતિમયાત્રા નીકળી હતી
મોરબીના ઘણા વિસ્તારોમાં જ્યાંથી સામૂહિક અંતિમયાત્રા નીકળી હતી

ખોખલો બચાવ કરતા તંત્રની ઢીલી નીતિ
હકીકત એ છે કે પુલ ખુલ્લો મૂકતા પહેલાં જ પુલ પર એકસાથે કેટલા લોકો હોવા જોઈએ અને દર કલાકે કેટલા લોકોને એન્ટ્રી આપવી જોઈએ તે અંગેના નિયમો તૈયાર હોવા જોઇએ. આ એક ગંભીર ભૂલ હતી અને તેથી જ આટલી જિંદગીઓ સમાપ્ત થઈ ગઈ. આ દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે ‘અમારી જાણ બહાર જ પુલ ખુલ્લો મૂકી દેવાયો છે. પુલનું ફિટનેસ સર્ટિફિકેટ નથી લેવાયું.’ વગેરે ખુલાસા કર્યા. આવો ખોખલો બચાવ કરતા તંત્રને શરમ પણ ન આવી. પુલ પર ત્રણ-ત્રણ દિવસથી આટલા લોકો જતા હતા એ ખબર ન હોય તો તંત્રએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આ દુર્ઘટના માટે જેટલું ઓરેવા જવાબદાર છે એટલું જ, બલકે તેનાથી પણ વધારે, નગરપાલિકા અને સરકારી તંત્ર જવાબદાર છે. ફિટનેસ સર્ટિફિકેટ લીધા વિના અને નગરપાલિકાને જાણ કર્યા વિના જ પુલ ખુલ્લો મુકાયો તે દિવસે જ તંત્રએ પગલાં લેવાની જરૂર હતી. પુલ સલામત છે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની હતી. મેનેજમેન્ટ ઓરેવાને સોંપી દીધું એટલે તંત્ર જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં.

એક બાદ એક જનાજા નીકળતા માહોલ ગમગીન બની ગયો હતો.
એક બાદ એક જનાજા નીકળતા માહોલ ગમગીન બની ગયો હતો.

આ બધા ‘અનસન્ગ હીરો’ છે
સાચો રંગ રાખ્યો મોરબીના લોકોએ. મકરાણી વાસ, ખત્રીવાસ, પુલ નીચે ઝૂંપડામાં રહેતા ગરીબો તેમજ મંદિર બાંધકામના પરપ્રાંતીય મજૂરોએ પળનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં ઝંપલાવીને 200થી વધુ લોકોને બચાવી લીધા. તંત્ર પહોંચ્યું તે પછી મોટે ભાગે મૃતદેહો જ બહાર કાઢવાના બાકી હતા. લોકોએ નદીથી હોસ્પિટલ અને છેક શનાળાથી હોસ્પિટલ સુધીના રસ્તે માનવસાંકળ રચીને એમ્બ્યુલન્સ માટે રસ્તો ખુલ્લો રાખ્યો. આ બધા ‘અનસન્ગ હીરો’ સાચા સન્માનના અધિકારી છે. દરેક દુર્ઘટના આપણને બોધપાઠ આપી જાય છે. મોરબીની ઘટનામાંથી પણ બોધપાઠ લઈને ખામી સુધારી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે સુનિશ્ચિત કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...