ભાસ્કર એક્સક્લૂઝિવ:બે ગામમાં ચોરી કરનારને લોકોએ પકડી વાંકાનેર પોલીસને સોંપ્યો, પોલીસે 1 ચોરીનો મુદ્દામાલ પરત કરી કંઇ કર્યુ જ નહિ પરંતુ ચોરને મોરબી પોલીસે પકડ્યાનું જાહેર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
16 એપ્રિલે વડસર પાસે સિક્યુરિટી ગાર્ડના મુદ્દામાલની ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો - Divya Bhaskar
16 એપ્રિલે વડસર પાસે સિક્યુરિટી ગાર્ડના મુદ્દામાલની ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો
  • વાંકાનેર તાલુકા-શહેર અને મોરબી પોલીસ શંકાના દાયરામાં
  • અધિકારી અને તેનો સ્ટાફ સારી કામગીરી બતાવવા માટે પોતે જ કેવું ક્રાઈમ કરે છે તેને ઉજાગર કરતો કિસ્સો

એક રીઢા તસ્કરે વાંકાનેર પંથકના બે ગામમાં ચોરી કરી, શહેરમાંથી એક રિક્ષાની પણ ઉઠાંતરી કરી અન્ય એક ગામમાં ઘૂસીને ઘરમાંથી મુદ્દામાલ તફડાવે તે પહેલા રમજાનમાં સહેરી કરવા માટે સવારે 4 વાગ્યે ઊઠેલી મહિલાએ તસ્કરને પકડી થાંભલા સાથે બાંધી દઈ બાદમાં સરપંચને જાણ કરી વાંકાનેર તાલુકા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પરંતુ સૌ કોઇના આશ્ચર્ય વચ્ચે આ તસ્કરની સામે વાંકાનેર તાલુકા અને શહેરમાં થયેલી ચોરી સંદર્ભે ગુનો દાખલ કરી ધરપકડ કરવાના બદલે એક ચોરીનો મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસે ભોગ બનનારને પરત આપી દીધો હતો.

વાલાસણ ગામમાં ઘુસ્યો પણ મહિલાએ તેને પકડી થાંભલે બાંધી દીધો.
વાલાસણ ગામમાં ઘુસ્યો પણ મહિલાએ તેને પકડી થાંભલે બાંધી દીધો.

વાંકાનેર પોલીસને સોપેલા આરોપીને મોરબી પોલીસે કેવી રીતે પકડ્યો?
આ ઘટનાના એક દિવસ બાદ મોરબી પોલીસે અચાનક જ એવી જાહેરાત કરી કે પોતે એક રીઢા તસ્કરને પકડ્યો છે અને છથી વધુ ચોરીના ભેદ ઉકેલી નાંખ્યા છે. મોરબી પોલીસે પકડેલો તસ્કર બીજો કોઇ નહિ પરંતુ વાલાસણ ગામની મહિલાએ જે રીઢા ચોરને પકડ્યો તે જ હતો. ત્યારે અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે ચોરને વાંકાનેર તાલુકા પંથકમાંથી ગામ લોકોએ પકડ્યો હતો અને વાંકાનેર પોલીસને સોંપ્યો હતો તો પછી મોરબી પોલીસે બાતમીના આધારે તેને કેવી રીતે અને ક્યાંથી પકડ્યો તે તપાસનો મુદ્દો છે.

ચોર ચેરી કરવા ત્રાટક્યો અને મહિલાના ધ્યાને આવી ગયો
16 એપ્રિલે રાત્રીના 1:46 મિનિટે એક શખ્સ ખાટલામાં ઊંઘી ગયેલા ભારાભાઈ સગરામભાઈ ભરવાડ(સિક્યુરિટી ગાર્ડ)ના મુદ્દામાલની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો હતો. આ શખ્સ ત્યાંથી રવાના થઈ ગયા બાદ વાંકાનેર શહેરમાં જઈને એક સીએનજી રિક્ષાની ચોરી કર્યાની ચર્ચા છે. ત્યારબાદ આ જ શખ્સ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ વાલાસણ ગામમાં ત્રાટક્યો હતો અને એક મકાનમાં ઘુસ્યો જોકે રમજાન મહિનામાં સહેરી માટે ઘરમાં કામકાજ કરી રહેલા મહિલાના ધ્યાને આવી ગયો હતો આથી તેણે પોતાના પતિને જગાડીને તસ્કરને સરપંચને બોલાવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસને સોંપી દીધો હતો.

મોરબી એ ડિવિઝન પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા
​​​​​​​
તસ્કરે વડસર ગામમાં સિક્યુરિટી ગાર્ડનો મુદ્દામાલ તફડાવ્યો હતો તેમાં 940 રૂ. રોકડા એક મોબાઈલ અને બંડીનો સમાવેશ થાય છે. આ અંગે પોલીસે કોઇ કાર્યવાહી ન કરી પરંતુ એક પૂર્વ સરપંચને પોલીસમથકે બોલાવી રૂપિયા અને બંડી પરત કરી દીધા જોકે મોબાઈલ પાછો આપ્યો ન હતો. પોલીસ ફરિયાદ પણ કરી ન હતી. દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસના પીઆઇ એમ. પી. પંડ્યાએ 18 એપ્રિલે એવી જાહેરાત કરી હતી કે તેની ટીમના આશિફભાઈ રાઉમા અને ચકુભાઈ કરોતરાને મળેલી માહિતીના આધારે બાદશાહ ઉર્ફે ભૂરો રમજાનભાઈ મહંમદભાઈ શાહમદારને મોરબી રવાપર તરફથી ઘુનડા તરફના રસ્તેથી ચોરાઉ સીએનજી રિક્ષા સાથે ઝડપી લીધો છે. બાદશાહ ઉર્ફે ભૂરાની પૂછપરછમાં તેણે મોરબીમાં 5 અને ધ્રોલમાં 1 ચોરી કર્યાની પણ કબૂલાત આપી છે. અહિયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે ચોરને પકડ્યો કોણે?

અન્ય સમાચારો પણ છે...