આવી છે મજબૂરી:લોકો ઓક્સિજન માટે નાઈટ્રોજન અને સોડાગેસના સિલિન્ડર લાવે છે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અછતને કારણે વિચિત્ર સ્થિતિ, ઓક્સિજન સિવાયના બાટલાથી જીવ જઈ શકે, એજન્સી સવારે ખૂલે ત્યારથી કતાર હોય, સાંજે 4 વાગ્યે જ 12 ટન જથ્થો ખલાસ

હોસ્પિટલમાં બેડ ન મળતા ગંભીર દર્દીઓ પણ ઘરે સારવાર લેવા મજબૂર બન્યા છે અને તેના માટે લોકો શહેરથી 15 કિ.મી. દૂર પણ લાઈનમાં ઊભા રહે છે. સ્થળ પર લોકોની સ્થિતિ અને ઓક્સિજનની ફેક્ટરીના સંચાલકો સાથે વાત કરતા કપરી સ્થિતિ સામે આવી છે. મેટોડા સ્થિત એજન્સીના સંચાલક અમિત શર્મા જણાવે છે કે, તેઓ રોજના 400થી 500 નાના-મોટા સિલિન્ડર ભરી રહ્યા છે.

​​​​​​​વહેલી સવારથી જ લાઈન લાગે છે અને સાંજ થતાં જ જથ્થો પૂરો થઈ જાય છે. લોકોની જરૂરિયાત અને ફેક્ટરીની કેપેસિટી જોતા 30 ટન જથ્થા સુધી કામ થઈ શકે છે પણ હાલ અછત હોવાથી 12 ટન આવે છે. લોકો પણ સિલિન્ડર માટે નવા અને જોખમી પેંતરા કરી રહ્યા છે ઘણા લોકો સોડા માટેના ગેસના બાટલા(કાર્બન ડાયોક્સાઈડ), નાઈટ્રોજન, હાઈડ્રોજન, આર્ગન જેવા વાયુ ભરવાના બાટલા લઈને આવે છે. તે ધ્યાને આવતા તુરંત જ તેને ના પાડી દેવાય છે કારણ કે, આવા બાટલામાં ઓક્સિજન જાય અને બંને વાયુ મિક્સ થાય તો દર્દીનો જીવ પણ જઈ શકે છે.

કલાકમાં એક સાથે 24 બાટલા ભરાય
લિક્વિડ ઓક્સિજનનો જથ્થો ભાવનગરથી આવે એટલે તેને ટેન્કમાં ભરાય છે. આ ટેન્કમાંથી હોસ્પિટલની મોટી ટેન્ક ભરી શકાય પણ સિલિન્ડરમાં નાખવા માટે તેને વાયુ સ્વરૂપ આપવું પડે. આ માટે જથ્થો ખેંચીને વેપોરાઈઝરમાં મોકલાય છે જેમાં એક કલાકની પ્રોસેસ બાદ જથ્થો મેનીફોલ્ડમાં પહોંચે છે. અહીં એકસાથે 24 બાટલાનું કનેક્શન અપાયેલું હોય છે. 24 જમ્બો બાટલા પૂરા ભરાવવામાં બીજી એક કલાક જેટલો સમય લાગે છે.
સિલિન્ડર રીફિલનો ભાવ ઘટાડતું તંત્ર
ઓક્સિજનના નોડલ અધિકારી જે. કે. પટેલના જણાવ્યા અનુસાર ઓક્સિજન ફિલિંગ માટે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે. નાના બાટલાનો ભાવ 210થી ઘટાડી 150, જ્યારે જમ્બો સિલિન્ડરના 310થી ઘટાડી 250 રૂપિયા કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...