સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને ઈડીએસીની બેઠકમાં એક સેમેસ્ટરથી લઈને ચાર-ચાર વર્ષ સુધી પરીક્ષા ન આપી શકે તેવી સજા ફટકારવામાં આવે છે પરંતુ આ જવિદ્યાર્થીઓની પરીક્ષામાં પેપર કાઢવામાં ભૂલ કરનાર, નવાને બદલે જૂના કોર્સનું પેપર કાઢનાર, પેપર કાઢવામાં માર્કની ભૂલ કરનાર પ્રોફેસરની સામે કડક પગલાં લેવાની જાણે યુનિવર્સિટીના સત્તાધીશોમાં હિંમત જ ન હોય એમ અત્યાર સુધીમાં ગંભીર ભૂલ કરનાર એકપણ પ્રોફેસર સામે શિક્ષાત્મક પગલાં લેવાયા નથી.
એવામાં 17મીએ પેપર સેટ કરવામાં ભૂલ કરનાર પ્રોફેસરોનું હિયરિંગ રખાયું હતું પરંતુ એક દિવસ પહેલા જ એટલે કે 16મીએ બપોરે 3 વાગ્યે યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે આવા 11 જેટલા પ્રોફેસરોને ખાનગીમાં બોલાવીને મીઠો ઠપકો આપીને જવા દીધા હતા.
પેપરમાં ચોરી કે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને દંડ ફટકારનાર પરીક્ષા નિયામક પેપર સેટ કરનાર સામે જાણે દંડવત થઇ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. કોઈ ભાજપના નેતા કે સંઘના આગેવાનની ભલામણ લઇને આવે તે પ્રોફેસર સામે યુનિવર્સિટી કોઈ શિક્ષાત્મક પગલાં લઇ શકતી નથી.
આ ઉપરાંત પ્રોફેસરોના હિયરિંગની કેમ્પસમાં કોઈને ખબર ન પડે તે માટે પરીક્ષા નિયામકે તમામને અંધારામાં રાખ્યા અને પ્રોફેસરો માટેનો વર્કશોપ હોવાનું કહ્યું. નેતાઓની ભલામણને માથે ચઢાવી પરીક્ષા નિયામકે પેપર સેટ કરવામાં ગંભીર ભૂલો કરનાર પ્રોફેસરોને ખાનગીમાં બોલાવીને માત્ર મીઠો ઠપકો આપીને જવા દેતા કેમ્પસમાં ચર્ચા જાગી છે.
નાટક | અગાઉ પેપરકાંડમાં જવાબદારીમાંથી છટકવા સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી, પછી ન લીધી
અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ અને બીબીએના પેપર લીક થવા મામલે સૌથી પહેલી જવાબદારી યુનિવર્સિટીના પરીક્ષા નિયામકની હોવા છતાં તેમણે આ જવાબદારીમાંથી છટકવા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું નાટક કર્યું અને કુલપતિને બદલે મહેકમમાં કાગળ આપ્યો.
જ્યાં સુધી પેપર કાંડનો વિવાદ ચાલ્યો ત્યાં સુધી પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી છે તેવું દર્શાવી જવાબદારીમાંથી છટકી ગયા. બાદમાં જ્યારે પેપરકાંડનો વિવાદ ઠંડો પડી ગયો પરીક્ષા નિયામકે સ્વૈચ્છિક નિવૃત્તિ ન લીધી અને કાયમી પરીક્ષા નિયામક તરીકે ફરી જોડાઈ ગયા.
પેપર સેટ કરનાર પ્રોફેસરોને વર્કશોપ માટે બોલાવ્યા’તા
16મીએ બપોરે પેપર સેટ કરનાર અધ્યાપકોને એક વર્કશોપ માટે બોલાવ્યા હતા. પેપર સેટ કરવામાં ભૂલ રહી ગઈ હોય તેનું હિયરિંગ ન હતું. પ્રોફેસરોને પેપર સેટ કરવામાં શું મુશ્કેલી પડી રહી છે, પેપર કાઢતી વખતે કઈ કઈ વસ્તુ તેમને જોઈતી હોય છે, કોર્સની વિગતો જોઈતી હોય તો તે મોકલી આપવા સહિતની જુદી જુદી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. 16મીએ હિયરિંગ રાખ્યું ન હતું પરંતુ વર્કશોપ માટે બોલાવ્યા હતા. > નિલેશ સોની, પરીક્ષા નિયામક , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.