એક્સક્લૂઝિવ:બાળરોગ નિષ્ણાંતોએ કહ્યું- ધો.6થી 8ના શિક્ષકોએ વેક્સિન ન લીધી હોય તો પ્રવેશ ન આપવો જોઇએ, સ્વાઈન ફ્લૂમાં અપાતી રસી બાળકોને કોરોનામાં રક્ષણ આપે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક ટીમ બનાવી શાળામાં સતત ચેકિંગ થવું જોઈએ, બીમાર બાળકોનો ડેટા હોવો જોઈએ

એક તરફ ત્રીજી લહેરની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ ધોરણ 6થી 8ના બાળકો માટે શાળાઓ ખોલી દેવામાં આવી છે. સૌથી વધુ અને મોટી ચિંતા એ છે કે, બાળકો માટે હજુ રસી આવી નથી અને એનાથી પણ વધુ મોટી વાત એ છે કે શાળાઓમાં શિક્ષકો એવા છે જેણે બે ડોઝ લીધા નથી અને બાળકોને ભણાવી રહ્યાં છે. ત્યારે રાજકોટના બાળરોગ નિષ્ણાંત ડો.મેહુલ મિત્રાએ જણાવ્યું હતું કે, આ જોખમ વહેલું કે મોડું લેવાનું હતું. બાળકોની રસી આપતા હજુ છ મહિના લાગી જાય એવું લાગે છે. ત્યારે જે શિક્ષકોએ રસી ન લીધી હોય તેને શાળામાં પ્રવેશ આપવો ન જોઈએ. અન્ય એક બાળરોગ નિષ્ણાંત ડો.જય ધીરવાણીએ જણાવ્યું હતું કે, કોરોના સામે રક્ષણ આપવા બાળકોને સ્વાઈન ફ્લૂમાં અપાતી રસી આપી શકાય.

દરેક શાળામાં નિયમનો કડકાઇથી અમલ થવો જોઈએ
ડો.મેહુલ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક શાળામાં નિયમનો કડકાઇથી અમલ થવો જોઈએ. આ સિવાય જે શાળામાં શિક્ષકોએ બે ડોઝ લીધા હોય તેને જ શાળામાં પ્રવેશ આપવો જોઈએ. વેપારીઓ માટે વેક્સિન કેમ્પ રાખી અને ફરજીયાત કર્યું હતું એ જ રીતે શાળાઓમાં પણ શિક્ષકો માટે કેમ્પ યોજી વેક્સિન ફરજીયાત કરે પછી જ ભણાવવા માટે પ્રવેશ આપવો જોઈએ. દરેક શાળા સાથે વાલીઓએ પણ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. કોર્પોરેશનમાંથી અથવા એક ટીમ એવી તૈયાર કરવી જોઈએ કે નિયમિત શાળાએ ચેકિંગ કરે અને તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા બાળકોનું સતત ચેકિંગ કરે.

સ્વાઈન ફ્લૂની રસથી ગંભીર કોરોના સામે પણ રક્ષણ મળે છે
બાળરોગ નિષ્ણાત ડોક્ટર જય ધીરવાણીએ જણાવ્યું હતું કે, ત્રીજી લહેરની શક્યતાઓ માત્ર દર્શાવવામાં આવી રહી છે. આવે કે નહીં તે કોઈ જાણતું નથી. પરંતુ શાળાઓ કેટલો સમય બંધ રાખીએ તે પણ એક સવાલ હતો તો યોગ્ય નીતિ નિયમોનું પાલન કરવામાં આવે. વાલીઓ, સંચાલકો અને વિદ્યાર્થીઓમાં કોઈ વાંધો પણ નથી. પરંતુ તારણ મુજબ સ્વાઈન ફ્લૂની દર વર્ષે આવતી રસી જો બાળકને દેવામાં આવે તો ગંભીર પ્રકારના કોરોના સામે પણ રક્ષણ મળે છે. બાળકોની રસી આવી નથી ત્યાં સુધી આવી રસી પ્રોટેક્શનરૂપે આપી શકાય. રાજકોટમાં પણ આવા કેસ મારી પાસે છે. જેમાં બાળકોને સ્વાઇન ફ્લૂની રસી આપી છે અને કોરોના સામે રક્ષણ મળ્યું છે. શાળાએ જતા બાળકોને આ રીતની રસીથી આપણે રક્ષણ આપી શકીએ.

આજથી ધો.6થી 8ના વર્ગો શરૂ.
આજથી ધો.6થી 8ના વર્ગો શરૂ.

6થી 18 વર્ષનાં બાળકો અને તરૂણોનો સર્વે ચાલુ છે
કોરોનાની ત્રીજી લહેરની દહેશત મંડરાઇ રહી છે. ત્યારે તંત્રએ રાજકોટ જિલ્લામાં બાળકોનો સર્વે એક ઝુંબેશનાં રૂપમાં હાથ ધર્યો છે. જેમાં 0થી 5 વર્ષનાં બાળકોનો સર્વે પુરો થયા બાદ હવે 6થી 18 વર્ષનાં બાળકો અને તરૂણોનો સર્વે જિલ્લા આરોગ્ય તંત્રએ હાથ ધર્યો છે. જેમાં પાંચ દિવસમાં આશરે 40 હજાર બાળકોનો સર્વે કરાયો છે. તેમાંથી 631 બાળકો અને તરૂણોમાં શરદી - ઉધરસ, તાવનાં લક્ષણો જોવા મળતા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તબીબી ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

3,24,204 બાળકો અને તરૂણોનો સર્વે કરાશે
રાજકોટ જિલ્લામાં 6થી 18 વર્ષની વય જૂથનાં 3,24,204 બાળકો અને તરૂણોનો આશા વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. ગત એક સપ્તાહ પૂર્વે આ સર્વે શરુ કરવામાં આવ્યો હતો. જેમાં આજ દિવસ સુધીમાં 40,000 બાળકોનો એટલે કે આશરે 13 ટકા બાળકોનો સર્વે પૂરો થઈ ગયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાંવ્યું હતું કે, આ સર્વે જ્યાં સુધી તમામ બાળકોને આવરી નહિ લેવાય ત્યાં સુધી ચાલશે. અત્યાર સુધીનાં સર્વેમાં 631 બાળકોને શરદી-ઉધરસ અને તાવના લક્ષણો જણાતા તેમને આગળની તપાસ તબીબી ટીમ કરશે.

અન્ય સમાચારો પણ છે...