ભાવવધારો:મગફળીનો સંગ્રહ થતાં મુખ્ય તેલ રૂ.2600ની નજીક

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિંગતેલનો ડબ્બો 2555, કપાસિયા 2540

તહેવારના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ તેલના ભાવ વધી રહ્યા છે. ભાવવધારા માટે વેપારીઓએ એવું કારણ આપ્યું છે કે, વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અને મોટા- મોટા ટ્રેડર્સોએ મગફળીનો નિકાલ કરવાનું બંધ કરી દીધું છે. મગફળીનો સંગ્રહ શરૂ થતા તેની અછત ઊભી થઈ છે. પિલાણમાં મગફળી આવતી નથી. કપાસિયામાં કાચા માલની આવક છે નહિ, તો ઈમ્પોર્ટેડ પામોલીન તેલમાં આવક મર્યાદિત છે. જેની સામે ઘરાકી બમણી હોવાથી દરેક વેપારીને માલ પૂરતા પ્રમાણમાં મળતો નથી.

આમ, મુખ્ય તેલના કાચા માલની ઓછી પડતર, સંગ્રહખોરીને કારણે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ઊંચકાયા છે. જ્યારે પામોલીન તેલમાં ઘરાકીની સામે માલ નહિ મળતા તેના ભાવમાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ તહેવાર પૂર્વે તેલના ભાવમાં હજુ ઉછાળો આવવાની સંભાવના છે.

શનિવારે સપ્તાહના અંતમાં સિંગતેલ લૂઝમાં રૂ.1500ના ભાવે સોદા થયા હતા. જેમાં 15-20 ટેન્કરના કામકાજ નોંધાયા હતા. જ્યારે કપાસિયા વોશમાં રૂ.1450-1455 સુધીનો ભાવ બોલાયો હતો અને તેમાં 10-15 ટેન્કરના કામકાજ થયા છે. કંડલા સોયારિફાઈનમાં 1405- 1410 ભાવના સોદા પડ્યા હતા. વેપારીઓના જણાવ્યાનુસાર હાજર માલમાં જે ભાવવધારો અમલી બને તે ભાવ સ્થાનિક બજારમાં એકી સાથે લાગુ થઇ જતા નથી. પરિણામે તેમાં એકાંતરા રૂ. 20-30 નો ભાવવધારો થાય છે. જોકે વેપારીઓ અત્યારના ટ્રેન્ડને રિસ્કી ટ્રેન્ડ ગણાવી રહ્યા છે.