રાજકોટમાં માવઠું:બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી મગફળી પાણીમાં, ખેડૂતોનો વલોપાત કહ્યું કપાસમાં 50 રૂપિયાની ઘટ આવશે, સરકારે કંઈક કરવું જોઈએ

એક વર્ષ પહેલા
મગફળી અને કપાસનો જથ્થો પલળી ગયો - Divya Bhaskar
મગફળી અને કપાસનો જથ્થો પલળી ગયો
  • ધરતીપુત્રોને હવે શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો

રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાતથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેને લઈને માર્કેટ યાર્ડમાં પાણી ભરાયું હતું. જેથી 1 લાખ ગુણી જેટલી મગફળી પલળી ગઈ હતી. બીજી તરફ કપાસનો જથ્થો પણ પલળી ગયો છે. જેને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. બીજી તરફ ખેતરમાં ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોએ વલોપાત કરતાં કહ્યું કે કપાસ પલળી જતા હવે કપાસમાં 50 રૂપિયાની ઘટ આવશે. જેથી સરકારે કંઈક કરવું જોઈએ.

કપાસ પલળી જતાં મણે 50-100 રૂપિયાની ઘટ આવશે- ખેડૂત
ખંઢેરી ગામના ખેડૂતે જણાવ્યું હતું કે મોડી રાત્રે વરસાદ આવતા મગફળી અને કપાસનો જથ્થો પલળી ગયો હતો. જેથી સરકારે કંઈક કરવું જોઈએ. માર્કેટ યાર્ડમાં મારો 100 મણ કપાસ હતો. જેની અંદાજે કિંમત 1 લાખ કરતા પણ વધુ છે. કપાસ પલળી ગયો છે. જેથી વેપારી ભાવ ઘટાડશે. વરસાદના પગલે મણે 50થી 100 રૂપિયાની ઘટ આવશે. પેલા 1100 રૂપિયા આવતા હતા અને હવે 1100થી ઓછો ભાવ મળશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે સખિયાનો દાવો છે કે થોડા વરસાદના કારણે મગફળીનો પાક વધુ પલળ્યો નથી. ખેડૂતોને ભાવમાં કોઈ અસર થશે નહીં, આજે એક દિવસ માટે હરાજી બંધ રાખવામાં આવી છે. આવતા દિવસોની અંદર મગફળી માટે મોટા શેડ બનાવવાનું યાર્ડનું આયોજન છે.

માર્કેટ યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો
માર્કેટ યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો

શિયાળામાં વરસાદ પડતા મોટું નુકસાન થયું છે- ખેડૂત
અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે હવે કપાસમાં કંઈ છે. નહીં મગફળી પણ પલળી ગઈ છે. કપાસ પલળી જતા નુકસાન થયું છે. શિયાળામાં વરસાદ પડતા મોટુ નુકસાન થયું છે. રોજ કેટલો માલ પલળે છે. પણ સત્તાધીશો દ્વારા કંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ, રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું

ગોંડલ યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો
ગોંડલમાં કમોસમી વરસાદ પડતાં યાર્ડમાં રહેલો મગફળીનો જથ્થો પલળી ગયો હતો. જેને લઈને ખેડૂતોને નુકસાન થયું છે. યાર્ડના પટમાં રહેલી મગફળી પલળી ગઈ હતી. જેથી મગફળીના જથ્થાને છાપરા નીચે ખસેડવામાં આવ્યો હતો.

ગોંડલ માર્કેટ યાર્ડ
ગોંડલ માર્કેટ યાર્ડ

શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો છે. આ માવઠાથી વાતાવરણમાં પણ બપોરે ગરમી અદૃશ્ય થઇ ગઇ હતી અને તાપમાનમાં બપોરે 2 ડીગ્રી સેન્ટિગ્રેડનો ઘટાડો થયો હતો.