તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસમાનતા:રાજકોટમાં મગફળીના ભાવ સ્થિર પણ સિંગતેલનો ભાવ કૂદકેને ભૂસકે વધે છે, આજે 15 રૂપિયાના ઉછાળા સાથે એક ડબ્બાનો ભાવ 2500ને પાર

રાજકોટ2 મહિનો પહેલા
તહેવાર નજીક આવતા સિંગતેલમાં ભાવ વધારો.
  • 2020માં મગફળીનો ભાવ 1050-1200 અને સિંગતેલનો ભાવ 2060-2070 હતો
  • 2021માં મગફળીનો ભાવ 1050-1235 અને સિંગતેલનો ભાવ 2400-2550

દર વર્ષે સાતમ-આઠમ, દિવાળી સહિતના તહેવાર નજીક આવે ત્યારે સીંગતેલના ભાવમાં વધારો જોવા મળે છે. આજે ફરી એક વખત સીંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો અને એક ડબ્બાનો ભાવ 2500ને પાર પહોંચી ગયો છે. સિંગતેલનો ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો છે. એક તરફ મગફળીના ભાવમાં દર વર્ષે નજીવો વધારો થાય છે. જ્યારે સિંગતેલના ભાવમાં અધધ વધારો થઇ રહ્યો છે. વેપારીઓ આ માટે સિંગદાણાની નિકાસ અને સિંગતેલના વપરાશનું કારણ આગળ ધરી રહ્યાં છે. મગફળીના ભાવ અને સિંગતેલના ભાવની વિસંગતતાને જોતા સરકારે સિંગતેલના ભાવમાં નિયંત્રણ લાવવું આવશ્યક બન્યું છે.

15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2510
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે અને બીજી તરફ સીંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. આ વર્ષે સિંગતેલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 15 રૂપિયાના વધારા સાથે સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2510 રૂપિયા પાર પહોંચી ગયો છે. છેલ્લા બે વર્ષથી સારા વરસાદને કારણે મગફળીનું સારૂ ઉત્પાદન થયું છે તો પણ સિંગતેલના ભાવમાં ક્રમશ તેજી જોવા મળી રહી છે.

બે વર્ષથી મગફળીના ભાવ સ્થિર પણ સિંગતેલમાં ભાવ વધારો.
બે વર્ષથી મગફળીના ભાવ સ્થિર પણ સિંગતેલમાં ભાવ વધારો.

ભાવ વધારાના કારણો
1.
નિકાસ પર ભાર-સોમાનું કહેવું છે કે, છેલ્લા વર્ષોમાં વિેદેશોમાં સિંગદાણાની ખૂબ જ ડિમાન્ડ છે જેના કારણે નિકાસ પહેલા કરતા અનેક ગણી વધી છે. પરિણામે લોકલ ઓઇલ મિલરોને પૂરતા પ્રમાણમાં મગફળી મળતી નથી. પરિણામે ભાવ વધારો થાય છે.
2. પહેલા કરતા ડિમાન્ડ વધારે-લોકલ બજારમાં સિંગતેલની પહેલા કરતા વધારે ડિમાન્ડ ઉભી થઇ છે. પરિણામે બમણી ડિમાન્ડ હોવાથી મિલ સંચાલકો પુરતા પ્રમાણમાં સિંગતેલ પુરા કરી શકતા નથી જેથી ભાવમાં ઉછાળો આવી રહ્યો છે.
3. ગ્લોબલ બજારની અસર-સિંગતેલની સાથે અન્ય તેલની કિંમતની અસર ગ્લોબર બજારમાં પડી રહી છે જેથી આ ભાવવધારો થઇ રહ્યો હોવાનું સોમા માની રહ્યું છે.

વર્ષમગફળીનો ભાવ (રૂપિયામાં)સિંગતેલનો ભાવ (રૂપિયામાં)
2016800-9001745-1750
2017750-8301760-1770
2018475-7501470-1480
2019690-9881660-1670
20201050-12002060-2070
20211050-12352400-2550
આજે એક ડબ્બાનો ભાવ 2510 રૂપિયા બોલાયો.
આજે એક ડબ્બાનો ભાવ 2510 રૂપિયા બોલાયો.

ગ્લોબલ બજારમાં તેલના ભાવમાં વધારો થતા આ ભાવ વધ્યા
જોકે વેપારીઓનું માનવું છે કે ગ્લોબલ બજારમાં તેલના ભાવમાં વધારો થતા આ ભાવ વધ્યા છે અને વર્ષના અંત સુધીમાં તેમાં જોરદાર વધારા સાથે 2800થી 3 હજાર રૂપિયા સુઘી ભાવ વધારો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, સાતમ-આઠમના તહેવારમાં સૌરાષ્ટ્રની જનતા ફરસાણ ખાવાનું વધુ પસંદ કરતી હોય છે. જેમાં સિંગતેલનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો સિંગતેલના ભાવમાં આવો વધારો હોય તો તેનો કાચો માલ એટલે કે મગફળીના ભાવ આસમાને હોવા જોઇએ પરંતુ તેવું નથી. પાછલા વર્ષોમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થયો છે જેની સામે સિંગતેલમાં ધરખમ વધારો થયો છે.