કાલાવાડ રોડ, રામધામ સોસાયટી-5માં આઠ મહિનાથી માસીના ઘરે રહેતી પાયલબેન નામની પરિણીતાએ ધોલેરાના મૂંડી (ભાલ) ગામે રહેતા પતિ દીપક, સસરા લાભશંકર ભીખાભાઇ રાજ્યગુરુ, સાસુ લીલાબેન, નણંદ અલ્કાબેન ભાવેશભાઇ રવિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દીપક સાથે 2019માં લગ્ન થયા છે. લગ્ન બાદ પોતે સાસરે મૂંડી ગામે ગઇ હતી. લગ્નના ત્રણ મહિના બાદ જ સાસુએ મેણાં મારવાનું ચાલુ કરી તું બૂંધિયાળ છો, તું આવી ત્યારથી અમારા ઘરની શાંતિ ડહોળાઇ ગઇ છે.
સાસુના આવા મેણાં પોતે સહન કરતી હતી. પોતે સગર્ભા હોવા છતાં આખો દિવસ ઘરનું બધું કામ કરાવતા હતા. થાકી જાવ તો તું મહારાણી નથી તારે જ બધું કામ કરવું પડશે તેમ કહેતા હતા. આ સમયે પતિ પણ પોતાને દવાખાને લઇ ન જતા. જેથી પતિને પોતાને પિયર મૂકી જવાનું કહેતા તેમને કહ્યું કે, આપણે માતાજીની ના છે, પિયર જવાનું નથી તેમ કહી વાતને ઉડાડી દેતા હતા. ત્યાર બાદ સીમંત કરી પોતે પિયર આવી ગઇ હતી. પિયર જતી વેળાએ સાસુ અને નણંદે કહ્યું કે, જો દીકરી આવે તો તું આ ઘરમાં પાછી ન આવતી. ત્યાર બાદ દીકરીનો જન્મ થતા પતિ સહિતનાઓ ફોન પણ ઉપાડતા ન હતા.
જેથી પોતે દીકરીના જન્મ પછી આઠ મહિના સુધી માવતરે રહી હતી. જે બાદ વડીલોની મધ્યસ્થીથી સમાધાન કરી તને હવે ઘરમાં કોઇ હેરાન નહીં કરે તેમ જણાવી પતિ સાસરે લઇ ગયા હતા. સાસરે ગયા બાદ સાસુએ કરિયાવર તેમજ દહેજ લાવવા દબાણ કરી ત્રાસ આપતા હતા. દીકરી બીમાર પડતા સારવાર માટે લઇ જવાની વાત કરતા સાસુએ જવાની ના પાડી હતી.
છતાં પોતે દીકરીને લઇ દવાખાને ગઇ હતી. પરત આવતા તું કેમ બહાર ગઇ કહી સાસુએ ઝઘડો કરી પોતાને કાઢી મૂકવા પતિને ચડામણી કરી હતી. જેથી પતિએ 10-10-2021ના રોજ એકલી કાઢી મૂકી હતી. લાંબા સમય પછી પણ સાસરિયાઓએ દરકાર ન કરતા અંતે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.