બેઠક:પી.સી. જોશી આપઘાતમાં મનપાની તપાસ સમિતિની એક જ બેઠક મળી

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંત્વના બધાએ આપી પણ પગલાં લેવામાં તંત્રએ‘સાંકળા’ પહેરી લીધા
  • ત્રાસનો લેખિત પુરાવો અપાયો છતાં એક પણ ઈજનેરની વાત સાંભળી નથી

રાજકોટ મહાનગરપાલિકાના આશાસ્પદ ઈજનેર પી.સી. જોશીએ 30 ડિસેમ્બરે ન્યારી ડેમમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પોલીસ અને મનપા બંને ફીફાં ખાંડી રહી હતી ત્યારે દિવ્ય ભાસ્કરે હકીકત સામે લાવી હતી કે પી.સી. જોશીના ઉપરી અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચેની સાઠગાંઠમાં તેઓ પિસાઈ ગયા હતા અને છેલ્લું પગલું ભર્યું હતું. સિટી એન્જિનિયર વાય.કે. ગોસ્વામીનો ત્રાસ હતો તેવી લેખિતમાં રજૂઆત હતી છતાં તેને ઢાંકી દેવાઈ હતી તે પણ ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો. આ બધી બાબતોમાં પોલીસે અને મનપાએ માત્ર ઢાંકપિછોડા જ કર્યા અને હજુ પણ કરી રહી છે કારણ કે, મનપાએ નિમેલી તપાસ સમિતિની બેઠક હજુ માત્ર એક જ વખત મળી છે.

તપાસ સમિતિનો ઉદ્દેશ્ય આપઘાત પાછળના કારણો અને ભવિષ્યમાં બનાવ ન બને તે માટેનો છે તેમજ પોલીસ તપાસમાં સહયોગ આપવાનો છે. પણ, હજુ સુધીમાં એક પણ ઈજનેરને સમિતિએ બોલાવ્યા નથી, સિટી એન્જિનિયરને કાગળ લખવામાં નથી આવ્યા. પોલીસે પણ ડેપ્યુટી ઈજનેર જતિન પંડ્યાની ધરપકડ ચોપડે બતાવી દીધી અને પછી કોઇ કાર્યવાહી કરી નથી. આ બાબત વધુ એક વખત સાબિત કરે છે કે જ્યારે કોઇ બનાવ બને ત્યારે મોટા ઉપાડે કાર્યવાહી કરવાના બણગાં ફૂંકવામાં આવે છે પણ જ્યારે સમય આવે ત્યારે ભલભલા અધિકારીઓ પગમાં ‘સાંકળા’ પહેરી લ્યે છે જેથી આખરે તપાસ ઠેરની ઠેર રહે છે.

15-15 વર્ષથી એક જ જગ્યાએ ચોંટેલા ઈજનેરની બદલીઓ પણ નહિ
પી.સી. જોશી આપઘાત બાદ ઘણા ડે. ઈજનેરોની બદલીઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ આસિ. ઈજનેર અને વર્ક આસિ. પણ બદલીઓ કરવાની હતી પણ એક વખત ઓર્ડર કાઢીને પછી કોઇ પગલાં લેવાયા નથી.
આરંભે શૂરા મનપાના પદાધિકારીઓ હવે ન્યાય અપાવવાના નામે આપે છે ખો
મેયર ડો. પ્રદીપ ડવ સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરે પી.સી. જોશીના ઘરે જઈને તેમના પરિવારને સાંત્વના આપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જોકે ત્યારબાદ બધું જ ભુલાવી દેવાયું હતું અને પોલીસના ભરોસે કાર્યવાહી છોડી દીધી છે. ઈજનેર પર ઉપરી અધિકારીઓના ત્રાસ અંગે પ્રારંભિક તબક્કે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓના લોહી ગરમ હોવાનો ડોળ કરાયો હતો પણ હવે એ લોહી પણ ઠંડા પડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...