ભ્રષ્ટાચાર:પેવર બ્લોક લોકાર્પણ પહેલા બેસી ગયા, રોડ અધૂરો છતાં મનપાના શાસકોએ રિબન કાપી!

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મવડીમાં નવા રોડની બંને બાજુ નાખેલા બ્લોક બેસી ગયા છે. - Divya Bhaskar
મવડીમાં નવા રોડની બંને બાજુ નાખેલા બ્લોક બેસી ગયા છે.
  • વોર્ડ નં. 11માં બનેલા સીસી રોડ અને બ્લોકના કામમાં કોંગ્રેસે નબળા કામના આપ્યા પુરાવા
  • લોકાર્પણ સમયે નેતાઓને તૂટેલા બ્લોક ન દેખાયા

રાજકોટના મવડી વિસ્તારમાં વોર્ડ નં. 11માં મવડી મેઈન રોડ પર વિરાટ વે-બ્રિજ સામેથી બીડી કામદાર સુધીમાં બનેલા સીસી રોડ અને પેવર બ્લોકના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારને કારણે કામ નબળા થયા હોવા છતાં મનપાના શાસકોએ લોકાર્પણ કરી નાખ્યાનો આક્ષેપ કોંગ્રેસના વોર્ડ પ્રમુખ કેતન તાળાએ કર્યો છે. તેમણે રોડ અને પેવરના કામમાં 8 મુદ્દા ગણાવી તપાસ કરવા કમિશનરને પત્ર લખ્યો છે.

પત્રમાં લખ્યુ છે કે, નવા રોડની બંને બાજુ બ્લોક નાખ્યા છે તે બેસી ગયા છે. રોડ બીડી કામદાર સુધી મંજૂર થયો છે પણ ત્યાં સુધી હજુ બન્યો જ નથી, અધૂરું કામ છે. એંજલ પાર્ક અને આદર્શ એવન્યુ વચ્ચેના રોડમાં બ્લોક નાખવાના બાકી છે તે કામ અઘરું છે. સીસી રોડ ખુલ્લો મુકાય તે પહેલા જ ગાબડાં પડતા ડામરના થીંગડા માર્યા છે જે ગંભીર બાબત છે.

રોડ 40 ફૂટનો મંજૂર થયો છતાં એંજલ પાર્ક અને આદર્શ એવન્યુ વચ્ચે તેની પહોળાઈ ઘટીને 10 ફૂટ થાય છે. રોડમાં બ્લોકના નબળા કામને પગલે ભારે વરસાદમાં બ્લોક નીકળી જશે અને લોકો પરેશાન થશે.

કામ બાકી હોવા છતાં બિલ મંજૂર થયા, દબાણ ન હટ્યા
સીસી રોડ અને પેવર બ્લોકના કામમાં ઘણી જગ્યાએ રસ્તામાં દબાણ છે પણ દબાણ દૂર કરવાને બદલે રોડ જ સાંકડા કરી દેવાયા છે. ઘણી જગ્યાઓએ પેવર બ્લોક કરવાના બાકી છે આમ છતાં કામ પૂરું જાહેર કરીને બિલ મંજૂરી કરાયાની પણ શંકા છે.

નબળા કામને લઈને જે જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સામેલ છે તેમની સામે પગલાં નહિ ભરવામાં આવે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...