CR અચાનક ખોડલધામ પહોંચ્યા:ભાજપનો પાયો મજબૂત કરવા પાટીલના 3 દિવસથી સૌરાષ્ટ્રમાં ધક્કા, રાજકોટ રોડ શો, ખંભાળિયા, હળવદ બાદ ખોડલધામમાં ઓચિંતી મુલાકાત

રાજકોટ7 મહિનો પહેલા
ખોડલધામમાં પાટીલની અણધારી મુલાકાતથી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું.
  • પાટીલે મા ખોડલના દર્શન કર્યા, કહ્યું- પાટોત્સવની ભવ્ય તૈયારી નિહાળી
  • સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી યોજેલી પદયાત્રાનું લીલાખામાં સ્વાગત કર્યું

સૌરાષ્ટ્રમાં ભાજપનો પાયો મજબૂત કરવા માટે ખુદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ મેદાને ઉતર્યા હોય તેવી રાજકીય ચર્ચા થઈ રહી છે. કારણ કે છેલ્લા ત્રણ દિવસથી પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાત લઇ રહ્યા છે. હજી ગત શુક્રવારે જ રાજકોટ રોડ શોમાં, ખંભાળિયામાં ભૂચોરમોરીની શૌર્યકથામાં હાજરી આપી હતી. બાદમાં ગઇકાલે શનિવારે હળવદમાં પ્રજાપતિ સમાજમાં હાજરી આપી હતી. આજે સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેમાં સ્વાગત કરવા માટે લીલાખા પહોંચ્યા હતા. સ્વાગત બાદ તેઓ ખોડલધામની ઓચિંતી મુલાકાત કરી હતી.

પાટીલે મા ખોડલના દર્શન કરી પ્રસાદ લીધો
ખોડલધામમાં પાટીલે મા ખોડલના દર્શન કરી પ્રસાદ પણ લીધો હતો. પાટીલ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા. ખોડલધામમાં નરેશ પટેલે પાટીલનું સ્વાગત કર્યું હતું અને ખોડલધામનો ખેસ પહેરાવ્યો હતો. પાટીલ સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેના સ્વાગત માટે આવ્યા હતા. આ પદયાત્રાનું પાટીલે લીલાખામાં સ્વાગત કર્યું હતું. બાદમાં અચાનક જ પાટીલ ખોડલધામ પહોંચ્યા હતા.

લીલાખા બાદ પાટીલ અચાનક ખોડલધામ પહોંચ્યા હતા.
લીલાખા બાદ પાટીલ અચાનક ખોડલધામ પહોંચ્યા હતા.

આ મારી અણધારી મુલાકાત નથીઃ પાટીલ
CR પાટીલે જણાવ્યું હતું કે, ખોડલધામનો 21મી જાન્યુઆરીએ પાટોત્સવ છે. સુરતના ગોપાલભાઈએ ચમારડી ખાતેથી પદયાત્રા યોજી છે. પદયાત્રાના સ્વાગત માટે હું અને નરેશભાઇ પટેલ સાથે હતા. ત્યાંથી અમે ખોડલમાતાના દર્શને આવ્યા છીએ. આજે પાટોત્સવની તૈયારી થઈ રહી છે તે નિહાળી, ખૂબ ભવ્ય તૈયારી ચાલી રહી છે. આ મારી અણધારી મુલાકાત નથી પણ અમારા કાર્યક્રમમાં જ હતી. ઘણા દિવસ પહેલા જ નક્કી હતું કે, ચમારડી ગોપાલભાઇના કાર્યક્રમમાં જવું અને ત્યાંથી અહીં દર્શને આવવું અને પ્રસાદ લઇને જવું ત્યાં સુધી નક્કી હતું.

પાટીલ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવ્યું.
પાટીલ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવ્યું.

લીલાખા જવા માટે ગોંડલમાં ઉતરાણ કર્યું હતું
પાટીલ હેલિકોપ્ટર મારફત ગોંડલ SRP ગ્રાઉન્ડ હેલિપેડ ખાતે ઉતરાણ કર્યું હતું. અહીં ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં પાટીલ બાય રોડ કારમાં લીલાખા પહોંચ્યા હતા.

(દિપક મોરબીયા, વિરપુર/દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...