ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓમાં સતત એકશનમાં આવી રહેલા ભાજપ દ્વારા એક તરફ પક્ષના સંગઠનને દોડતુ કરવામાં આવ્યું છે અને તેના મારફત એક બાદ એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેને પગલે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા છે. અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પ્રમુખ સાથે બેઠક શરુ કરી હતી.
પાટીલના હસ્તે સુપોષણ અભિયાનનો પ્રારંભ
આજે બેઠક પૂર્વે પાટીલના હસ્તે સુપોષણ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું હતું. આ અંગે મીડિયા સાથે વાત કરતા પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મેના જસદણના આટકોટ ગામે આવી રહ્યા છે. જે અંગેની બેઠક આજે યોજશે.આ સાથે આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અતિ કુપોષિત બાળકોને દત્તક લઇ તેને સુપોષિત બનાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. અને જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદોએ કુપોષિત બાળકોને દત્તક લીધા છે.
લાખોની જનમેદની એકઠી કરવા માટે બેઠકનું આયોજન કરવામાં
આજે સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ છે. જેમાં 7 જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લના કાર્યકરો સાથે યોજાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લાખોની જનમેદની એકઠી કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટીલ વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ વિશે ચર્ચા કરશે
આજની બેઠકમાં મહત્ત્વનું છે કે, પાટીલનો વન ડિસ્ટ્રીક્ટ વન ડેનો કાર્યક્રમ છે. જે હવે સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લામાં તેઓ આગામી સમયમાં યોજવા જઈ રહ્યા છે. આજની બેઠકમાં તે અંગે પણ પાટીલ તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે ચર્ચા કરી હતી.
વન ડિસ્ટ્રીક્ટ વન ડે થકી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ
વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ મારફત સી.આર. પાટીલે ફક્ત પક્ષના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં મહત્ત્વપૂર્ણ મેસેજ જાય તેવું આયોજન કર્યું છે. હાલમાં જ સુરતમાં વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્યભરના તમામ જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં ભાજપના અસંતુષ્ટો અને નિષ્ક્રીય થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે પણ આગામી ચૂંટણીમાં પક્ષના કાર્યક્રમમાં જોડાઇ જાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. અસંતુષ્ટ નેતાઓનો અસંતોષ દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો પણ આ કાર્યક્રમ મારફત શરૂ થઈ ગયા હતા.
નવદંપતીને સોના - ચાંદીની ભેટ આપી હતી
આ ઉપરાંત આજે જે.એમ.જે. ગ્રુપ રાજકોટ દ્વારા આયોજિત વ્હાલીના વધામણા સર્વજ્ઞાતિ 101 દીકરીઓના સમૂહ લગ્નમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હાજરી આપી હતી અને નવદંપતીને સોના - ચાંદીની ભેટ આપી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સમૂહ લગ્નનું આયોજન કરવું તે ખરેખર સારી બાબત છે. આજે દીકરીની સંખ્યા ઘટતી જાય છે, ગર્ભ પરીક્ષણ કરવામાં આવે ત્યારે દીકરી હોવા પર પાપ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ દીકરીના લગ્ન સમયે ખર્ચની ચિંતા છે. આવી સ્થિતિ ન થાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. માટે સમૂહ લગ્નએ સામાજિક ઉન્નતિનું ખૂબ મોટું કામ છે.
પાટીદાર આગેવાન પાટીલને મળવા પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે આજે પાસ નેતા દિનેશ બાંભણીયા આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મળવા પહોંચ્યા હતા. આ અંગે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાત ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં જનરલ કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. કુલ 1282 ઉમેદવારોની ભરતી કરવાની હતી. જેને બદલે 107 ઉમેદવારોને જ પસંદ કરવામાં આવ્યા છે. અમે ગૃહ મંત્રીને પણ અગાઉ રજૂઆત કરી ચુક્યા છે. જનરલ કેટેગરીને નાબૂદ કરવાને લઈને ઇન્ટરપ્રેટેશન થઈ રહ્યું છે. આ અંગેની રજૂઆત અમે સી.આર.પાટીલને કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.