પાટીલની ઇલેક્શન પોલિસી:પાટીલે 8 કલાકમાં ‘રાજકોટનું રાજકારણ’ સૂંઘી લીધું, દરેક નેતા પર ચાંપતી નજર રાખી

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો.વલ્લભ કથીરિયાએ આપેલી શીશીમાંથી બે ટીપાં હથેળીમાં નાખીને સૂંઘતા સીઆર પાટીલ - Divya Bhaskar
ડો.વલ્લભ કથીરિયાએ આપેલી શીશીમાંથી બે ટીપાં હથેળીમાં નાખીને સૂંઘતા સીઆર પાટીલ

રાજકોટ ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જૂથવાદ ડોક્યા કરી રહ્યો છે. એ સમયે જ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટ આવ્યા હતા. એ સમયે તેમણે જૂથવાદ ન હોવાનું જણાવ્યું હતું પરંતુ ક્યાંકને ક્યાંક પાટીલે દરેક નેતા પર નજર રાખી હતી અને જાણે તેની હરકતો સૂંઘતા હોય તેવું લાગ્યું હતું.

એક ખાનગી હોટેલમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાજકોટના ડો.વલ્લભ કથીરિયાએ પાટીલને એક શીશી દીધી હતી જેમાંથી બે ટીપાં પાટીલે પોતાની હથેળીમાં નાખીને સૂંઘ્યા હતા. ડો. કથીરિયાએ જણાવ્યું હતું કે સી.આર.ને અગાઉ મળ્યા ત્યારે શરદી ખૂબ હતી તેથી શરદીમાં રાહત મળે તે માટે પંચગવ્યમાંથી બનાવેલા ટીપાં આપ્યા હતા જેને સમયાંતરે સૂંઘવાથી રાહત થાય છે.

ઇંડાંની લારી હટાવવાનું અયોગ્ય, આ અંગે સૂચના આપી દેવાઇ છે
ઇંડાંની લારી હટાવવાની ઝુંબેશ રાજકોટથી શરૂ થયા બાદ અન્ય શહેરોમાં પણ તંત્ર દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તે અંગે સી.આર. પાટીલે કહ્યું હતું કે, શું ખાવું તે નક્કી કરવાની દરેક વ્યક્તિને સ્વતંત્રતા છે, કોઇ ગરીબ વ્યક્તિ ઇંડાંની લારી રાખીને તેનું ગુજરાન ચલાવતો હોય તો તેને હેરાન કરવો જોઇએ નહીં, આ અંગે જવાબદાર વ્યક્તિને સૂચના આપી દેવામાં આવી છે. પાટીલની સૂચના બાદ ઇંડાંની લારી હટાવવાની ઝુંબેશ બંધ થઇ જશે તેવા સંકેતો મળ્યા હતા.

મેયરનો ક્લાસ લીધો : કહ્યું, રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દૂર કરો
ઉદ્યોગકારો સાથેની બેઠકમાં પાટીલે કહ્યું હતું કે, વિકાસ થાય તે માટે તમામ કક્ષાએથી કામ થવું જોઇએ. રસ્તે રઝડતા ઢોરની સમસ્યાના કારણે અકસ્માતો થતાં હોય તો લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા જોઇએ, મેયર તરફ ઇશારો કરતાં જ મેયર ડવ બેઠક પરથી ઊભા થયા હતા અને કહ્યું હતું કે, આપણે ઢોરને ડબ્બે પૂરવા ખૂબ જ કામ કર્યું છે ત્યારે પાટીલે કહ્યું હતું કે, એમ નહીં 100 ટકા કામ થવું જોઇએ, શ્વાનો પાછળ દોડતા હોય તેવી સમસ્યા નિવારવા, ભિક્ષુકો ફૂટપાથ પર રહે નહીં તેમને આશરો મળે, રોજગારી મળે તેવી તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...