કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ન્યાય યાત્રા યોજવામાં આવી રહી છે, જેને પગલે રાજકોટમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જ્યાં તેમણે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પાટીલ કોઈનું માનતા નથી, સરકાર કોરોના મૃતકોના આંકડાઓની રમત રમે છે. હાલ CM પટેલ અને પાટીલની રેલીએ કેસ વધાર્યા છે. આ મુદ્દે રૂપાણી હાઇકમાન્ડને રજૂઆત કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી, પણ પોતે જ ઉધરસ ખાતાં-ખાતાં પત્રકાર પરિષદ યોજી સંબોધન કર્યું, જ્યારે મંચ પર હાજર એકપણ નેતાએ માસ્ક પહેર્યું નહોતું.
કોરોનાથી લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે WHOએ પણ હમણાં જણાવ્યું હતું કે તે ભારતના કોવિડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતું નથી. કોવિડ મહામારીમાં ભાજપ સરકારના ગુનાહિત અને અણઘડ વહીવટને પરિણામે રાજ્યના લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે. ત્યારે તાજેતરમાં સુપ્રીમકોર્ટની આકરી ટિપ્પણીઓના સંદર્ભમાં આ સઘળી હકીકતો બહાર આવી છે.
અત્યારસુધીમાં 91,810 અરજી આવી છે
તેમણે જણાવ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમકોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે સરકારી ચોપડે નોંધાયેલાં મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે, જેમાં અત્યારસુધીમાં 91,810 અરજી આવી, જેમાંથી 58840 અરજી નામંજૂર કરવામાં આવી છે. તેમજ 15 હજાર જેટલી અરજી પેન્ડિંગ છે અને 5 હજાર જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે તેમજ 11 હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.
લોકો સરકારની દયા પર નથી જીવતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારને સુપ્રીમકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે અને જેની અરજી નામંજૂર કરો છો તેમને કારણો આપો છો ? સરકાર માફી માગે એ નહિ ચાલે અને મૃતકોનાં પરિવારજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહિ ચલાવી લેવાય. લોકો સરકારની દયા પર નથી જીવતા, સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી.
સરકારે પોતાની ભૂલનો સ્વીકાર કરવો જોઈએ
તેમણે જણાવ્યું હતું કે સરકાર મૃતક પરિવારજનો પાસે અરજી કરવાની કેમ અપેક્ષા રાખે છે? તેણે હોસ્પિટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી વળતર આપવું જોઈએ તેમજ આંકડા છુપાવનારી વ્યક્તિઓ સામે પગલા લેવા જોઈએ અને સરકારી કર્મચારીઓનાં મૃત્યુ થયાં છે તેમનાં પરિવારજનને કાયમી નોકરી આપવી જોઈએ અને હાલ સરકાર ત્રીજી વેવમાં જે આંકડા આપે છે એની ભરોસા પાત્રતા કેટલી ? સરકારે પોતાની અક્ષમતા અને ભૂલનો સ્વીકાર કરી સારી તૈયારી કરવી જોઈએ તેમજ આરોગ્ય વ્યવસ્થા સુધારવી જોઈએ, જેથી ત્રીજી વેવમાં નુકસાનને અટકાવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.