મ્યુકોરમાઇકોસિસનો કહેર:રાજકોટ સિવિલમાં કોરોના કરતા મ્યુકોરમાઇકોસિસના દર્દી વધુ, ENT સર્જને આ મહામારી માટે મુખ્ય ત્રણ કારણો જણાવ્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડના 300 અને મ્યુકોરમાઇકોસિસના 400થી વધુ દર્દી સારવાર લઇ રહ્યાં છે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ કરતા પણ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. નવી ઘોષિત આ મહામારી થવાના મુખ્ય 3 કારણો રાજકોટના ENT સર્જન ડો. ભરત કાકડીયા દ્વારા આપવામાં આવ્યા છે અને આગામી એક માસની અંદર પરિસ્થિતિ કાબૂમાં આવી જાય અને કેસની સંખ્યા ઘટી જવાની શક્યતા વ્યક્ત કરી છે. તબીબોના મતાનુસાર આ રોગ માટે કોરોનાની પેન્ક્રીઆસ પર થતી અસર અને તેનાથી થતા કે અગાઉથી રહેલા ડાયાબિટીસ, સ્ટીરોઈડ સહિત કારણોથી ઘટતી ઈમ્યુનિટી આ રોગ માટેના મુખ્ય કારણ માનવામાં આવે છે.

આ રહ્યાં મ્યુકોરમાઇકોસિસના ત્રણ કારણો
રાજકોટના ENT સર્જન ડો.ભરત કાકડીયાએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસિસ મહામારી માટે મુખ્ય ત્રણ કારણો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં પ્રથમ કારણ છે કોરોનાની પેન્ક્રીઆસ પર ઘાતક અસર પડવાથી બ્લડ સુગરનું લેવલ એકદમ વધી જાય છે, જે ઈન્ફેક્શનનો ખતરો વધારે છે. બીજું કારણ છે કોરોના થયા બાદ બે-ત્રણ અઠવાડિયામાં દર્દીની ઈમ્યુનિટી ઓછી થતી હોય છે અને ત્રીજું કારણ છે કોરોના દર્દીનું સી.આર.પી. વધી જવું, તાવ આવવો, સોજા આવવા વગેરે તીવ્ર લક્ષણોની અસર ઘટાડવા માટે ડોક્ટરો સ્ટીરોઈડની સારવાર આપે છે અને જો વધુ પડતા સ્ટીરોઈડ અપાયા હોય તો તેની આડઅસરથી ઈમ્યુનિટી ઘટે છે. અને ઈમ્યુનિટી ઘટવી તે આ ફંગસનો રોગ થવા મુખ્ય કારણ છે.

રાજકોટના જાણિતા ઇએનટી સર્જન ડો.ભરત કાકડિયા.
રાજકોટના જાણિતા ઇએનટી સર્જન ડો.ભરત કાકડિયા.

મ્યુકોરમાઇકોસિસ એ પોસ્ટ કોવિડ મહામારી
વધુમાં તેમને જણાવ્યું હતું કે આ મ્યુકોરમાઇકોસિસ એ પોસ્ટ કોવિડ મહામારી છે, કોરોના થયા પછી બે-ત્રણ સપ્તાહમાં આ રોગ થાય છે, એટલે કે હાલ કોરોનાના કેસો, હોસ્પિટલાઈઝેશન ઘટવા લાગ્યા છે તેથી આ મહામારી પણ આગામી એક મહિનામાં ઘટવા લાગશે.

મ્યુકોરમાઇકોસિસથી સિવિલ ઉભરાઇ.
મ્યુકોરમાઇકોસિસથી સિવિલ ઉભરાઇ.

સિવિલમાં કોવિડના 300 અને મ્યુકોરમાઇકોસિસના 400થી વધુ દર્દી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ મહામારી માટે 500 બેડની સુવિધાવાળા અલગ વોર્ડને તૈયાર કરવામાં આવ્યો છે. જોકે રોજ 30થી વધુ દર્દી આવતા હોવાથી સમરસ હોસ્ટેલ ખાતે પણ આ દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડના 300 જેટલા જ્યારે કે મ્યુકોરમાઇકોસિસના 400થી વધુ દર્દી સારવાર લઇ રહ્યાં છે માટે 24 કલાક ઓપરેશન થિયેટર કાર્યરત કરી મ્યુકોરમાઇકોસિસના રોજના 4થી 5 ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.

દર્દીને હવે સમરસ હોસ્ટેલ ખસેડવા પડે છે.
દર્દીને હવે સમરસ હોસ્ટેલ ખસેડવા પડે છે.
અન્ય સમાચારો પણ છે...