ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:દર્દીઓએ કહ્યું, કોરોનાનો ચેપ લાગે ત્યારે બે જ દિવસ તકલીફ હોય, આરામ અને ગરમ પાણી જ મોટી દવા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓના ઘરેથી દિવ્ય ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ
  • તબીબ, નર્સ, વેપારી, વિદ્યાર્થી બધાએ એક જ લક્ષણ જણાવ્યાં કે નબળાઈ આવી જાય છે, શરીરમાં ખૂબ દુખે, પણ લોકો ડરે નહિ, 7 દિવસમાં જ સાજા થઈ જવાય છે, આ સમયે સાવચેતી એ જ સલામતી
  • રાજકોટમાં એક સપ્તાહમાં 1273 દર્દીને કોરોનાનો ચેપ લાગ્યો, જોકે તેમાંથી માત્ર 5 જ હોસ્પિટલાઈઝ છે, બાકીના તમામ હોમ આઈસોલેટ

રાજકોટ શહેરમાં કોરોના કેસમાં છેલ્લા એક સપ્તાહમાં આવેલા ઉછાળાથી 1273 દર્દીને કોરોનાનો ચેપ લાગ્યો છે જોકે તેમાંથી માત્ર 5 જ હોસ્પિટલાઈઝ છે, બાકીના તમામ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. એમાં તબીબો, નર્સ, વેપારી, વિદ્યાર્થી સહિતના તમામ વર્ગના લોકો છે. આ તમામની દિનચર્યા તેમજ કોરોનાની સામે લડવા શું કરે છે એ જાણવા જોવા મળ્યું હતું કે કોરોના વાઇરસ સક્રિય થાય એટલે બે દિવસ જ તકલીફ પડે છે, પછી કશું થતું નથી. એક સપ્તાહમાં દર્દી એકદમ સ્વસ્થ થઈ જાય છે. સારવાર માટે બધાએ ગરમ પાણીને જ સૌથી મોટી દવા ગણાવી હતી.

રિપોર્ટરોએ રાખી તમામ તકેદારી
દિવ્ય ભાસ્કરના રિપોર્ટરોએ પીપીઈ કિટ પહેરીને પૂરી તકેદારી સાથે હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીની મુલાકાત લઈ અહેવાલ આપ્યો.

મને આજેય એવું નથી લાગતું કે મને કોરોના થયો છે

હું ધોરણ 10માં અભ્યાસ કરું છું, મારા ક્લાસમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવતાં મારો રિપોર્ટ કરાવાતાં હું પણ પોઝિટિવ આવ્યો હતો, આજે બીજો દિવસ છે, હું ઘરમાં ક્વોરન્ટીન છું, મને શરદી, ઉધરસ, તાવ કે માથામાં દુખાવો કંઇ થતું નથી, હું રૂમમાં એકલો રહું છું અને બોર્ડની પરીક્ષા હોવાથી તૈયારી કરી રહ્યો છું, ડોક્ટરે ત્રણ ટેબ્લેટ લખી આપી છે દિવસમાં તે ત્રણ ટેબ્લેટ લઉં છું, જમવામાં કે મારા રૂટિનમાં કોઇ ફરક પડ્યો નથી.

પરિવારના સભ્યો સુધી સંક્રમણ ફેલાય નહીં એ માટે હું ઓછાડ સહિતની રોજિંદા ઉપયોગમાં લેવાતાં કપડાં જાતે જ ધોઇ નાખું છું, જો કોઇપણ વ્યક્તિને કોરોના થાય તો ડરવાની જરૂર નથી, ક્વોરન્ટીન થઇને હેલ્ધી ફૂડ લેવું તેમજ દિવસમાં ચાર-પાંચ વખત ગરમ પાણીનો નાસ લેવો. - મિહિર ખખ્ખર, વિદ્યાર્થી

હું બીજી વાર અને મમ્મી-પપ્પા પહેલી વાર સંક્રમિત

મને શનિવાર રાત્રે એકદમથી ઠંડી ચડી, તાવ આવ્યો, માથું અને શરીર દુખવા લાગ્યું હતું. મારી સાથે મારી-મમ્મીને પણ તાવ આવ્યો હતો, એટલે બંનેના રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યા. બીજા દિવસે પપ્પાને પણ તાવ જેવું લાગ્યું તેમનો રિપોર્ટ કરાવ્યો તો તેઓ પણ પોઝિટિવ આવ્યાં. ઘરમાં અમે ત્રણ જ હતાં, એટલે આઈસોલેશનમાં પણ કોઇ સમસ્યા નડી નહિ તેમજ મને એપ્રિલમાં પહેલી વખત કોરોના થયો હતો એટલે એ અનુભવ તો હતો એટલે નાસ લેવું, હળદરવાળું પાણી પીવું, ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવું એ બધું જ કરીએ છીએ. -રક્ષિત ખીરૈયા, વેપારી

આ વખતે મારી સાથે પતિ અને પુત્ર પણ સંક્રમિત થયા

હું સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું, બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત થઇ ત્યારે મારા પતિ મારી સંભાળ રાખતા હતા, પરંતુ આ વખતે હું કોરોનાગ્રસ્ત થઇ એ જ દિવસે મારા પતિ અને પુત્ર પણ પોઝિટિવ આવ્યા, આ વખતે સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જોકે ચિંતાજનક સ્થિતિ નથી, મને ત્રણ દિવસ માથું દુખ્યું અને નબળાઇ રહી. એ સિવાય અન્ય કોઇ ફરિયાદ નહોતી, હાલમાં તો ઘરનું બધું જ રૂટિન કામ કરું છું, કોઇપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય તો ડરવાની જરૂર નથી. હા, તકેદારી ચોક્કસ રાખવી પડશે. ભીડમાં જવાનું ટાળો, માસ્ક સતત પહેરો, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું પડશે.- મીતાબેન જોષી, નર્સ સિવિલ હોસ્પિટલ

હું બીજી વખત કોરોનાગ્રસ્ત થઈ, થોડો તાવ અને થાક લાગે છે, કસરત કરું છું, એકપણ ટેબ્લેટ લીધી નથી

સિવિલ હોસ્પિટલના સાઇકિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવું છું. બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત થઇ હતી, અત્યારે પણ પોઝિટિવ છું, આઇસોલેટેડ રહું છું, આ વખતે મને સમયાંતરે તાવ આવે છે, નબળાઈ રહે છે, પરંતુ નિયમિત કસરત કરું છું, હજુ સુધી કોરોનાને લગતી એકપણ ટેબ્લેટ લીધી નથી, સીટી સ્કેન પણ કરાવ્યું નથી, તાવ આવે ત્યારે ડોલો લઉં છું, જમવામાં કોઇ ફરક કરવો પડ્યો નથી.

ડરવાની જરૂર નથી, આ વખતે સંક્રમણ વધુ ફેલાઇ રહ્યું છે, માટે જો તમે પોઝિટિવ આવો તો પરિવારના સભ્યોને સંક્રમિત થતાં અટકાવવા માટે એકલા રહેવા લાગો, પોઝિટિવ વિચારો, યોગ કે કસરત કરો, સતત પાણી પીવાનું રાખવું, દિવસમાં ત્રણ-ચાર વખત ગરમ પાણીનો નાસ લેવો, વેક્સિનના બંને ડોઝ લીધા હોવાને કારણે સુરક્ષિત છું, લોકોએ પણ મોડું કર્યા વગર વેક્સિન લઇ લેવી જોઇએ. - ડો.શ્વેતા મોદી, સિવિલ હોસ્પિટલ, રાજકોટ

અત્યારસુધી કોવિડમાં જ ફરજ બજાવી, પ્રથમ વખત કોરોના પોઝિટિવ આવ્યો
મેં અત્યારસુધી કોવિડમાં જ ફરજ બજાવી છે બીજી લહેરમાં પણ પોઝિટિવ આવ્યો નહોતો, પણ હવે કોરોના થયો. એક વાત છે કે આ વખતે કોરોનાનો ચેપ ખૂબ ઝડપથી લાગી રહ્યો છે. મને સાધારણ શરદી હતી અને તાવ જેવું લાગતું હતું એટલે મેં 5 તારીખે રિપોર્ટ કરાવ્યો, જેમાં પોઝિટિવ આવ્યો.

તરત જ હું મારા જ ઘરમાં આઈસોલેટ થઈ ગયો. બે દિવસ સુધી જે લક્ષણો હતાં એના માટે દવા લીધી ત્યાર પછી દવાની પણ જરૂર રહી નથી. મને કઈ રીતે ચેપ લાગ્યો એ ખબર નથી, નોર્મલ ફ્લૂ આવે એવું જ છે. હું કાલે જ મારો ફરી રિપોર્ટ કરાવીશ અને જો નેગેટિવ આવશે એટલે તરત જ ફરજ પર આવી જઈશ.- ડો. આશિષ ગોસાઈ , ફિઝિયોલોજી વિભાગ, સિવિલ હોસ્પિટલ.

અન્ય સમાચારો પણ છે...