ભાસ્કર રિયાલિટી ચેક:રાજકોટ સિવિલ પથારીવશ, ઇમર્જન્સી વોર્ડમાં જ પાંચ AC બંધ, કાળઝાળ ગરમીમાં દર્દીઓએ ઘરેથી પંખા લાવવા પડે છે

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • દેહ દઝાડતી ગરમીમાં દર્દીઓ બમણી પીડા કરી સહન રહ્યા છે
  • કાં તો દર્દીઓનાં દર્દ મટે છે અથવા ખુદ દર્દી મટી જાય છે!
  • સિવિલમાં ચાલતી લાલિયાવાળી અંગે આરોગ્ય વિભાગ, મેનેજમેન્ટ તંત્ર, રાજકીય નેતાઓએ અંદર ખાને ઝાંખીને જોવું જરૂરી

એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ ઉનાળામાં વધતો જતો રોગચાળો. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ, જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે રાજકોટ આવતા હોય છે, પરંતુ ભાસ્કરના રિયાલિટી ચેકમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં જ દર્દીઓની કફોડી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઇમર્જન્સી વોર્ડમાં એરકન્ડિશનર એક નહિ, પરંતુ પાંચ પાંચ છે, પરંતુ એ તમામ બંધ હાલતમાં છે. આ દરમિયાન દર્દીઓના સંબંધીઓએ ટેબલ ફેન પોતાના ઘરેથી લાવવાની ફરજ પડી રહી છે. જ્યારે જેના ઘરે ટેબલ ફેન ન હોય અથવા તો એ ખરીદવા પૈસા ન હોય તો પોતાની ફાઇલ અથવા થાળીથી હવા નાખતા નજરે પડ્યા હતા.

સબ સલામતના પોકળ દાવા
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. હીટવેવની આગાહી વચ્ચે દિવ્યભાસ્કરની ટીમ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ મુખ્ય એવા ઇમર્જન્સી વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં દર્દીઓની હાલત એકદમ કફોડી હોવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓના દાવા તો તંત્ર કરી રહ્યું છે, પરંતુ આ દાવા પોકળ સાબિત થઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

કાળઝાળ ગરમીમાં દર્દીઓએ ઘરેથી પંખા લાવવા પડે છે.
કાળઝાળ ગરમીમાં દર્દીઓએ ઘરેથી પંખા લાવવા પડે છે.

સાંસદે આપેલાં AC બંધ હાલતમાં
રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ મોહન કુંડારિયા દ્વારા દર્દીઓને સારી સુવિધા મળી રહે એ માટે પોતાની ગ્રાન્ટમાંથી વર્ષ 2019 દરમિયાન એરકંડિશનર આપવામાં આવ્યાં હતાં, પરંતુ આજે આ બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે, જેને કારણે આવી કાળઝાળ ગરમીમાં દર્દીઓ તેમજ દર્દીઓના સંબંધીઓ હાલાકીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે.

સિવિલમાં ચાલતી લાલિયાવાળી અંગે આરોગ્ય વિભાગ, મેનેજમેન્ટ તંત્રે, રાજકીય નેતાઓ અંદરખાને ઝાંખીને જોવું જરૂરી.
સિવિલમાં ચાલતી લાલિયાવાળી અંગે આરોગ્ય વિભાગ, મેનેજમેન્ટ તંત્રે, રાજકીય નેતાઓ અંદરખાને ઝાંખીને જોવું જરૂરી.

5 AC બંધ હાલતમાં પડ્યાx છે
આજે દિવ્યભાસ્કરે કરેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલાં 5 એસી છે, પરંતુ આ 5માંથી એકપણ ચાલુ હાલતમાં નથી, માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય એવું લાગી રહ્યું છે. ગરમથી પરેશાન થતા દર્દી માટે તેમનાં પરિવારજનો દ્વારા ઘરેથી ટેબલ ફેન લાવી તેમને હવા આપવામાં આવે છે તો કેટલાક દર્દી ગરીબ પરિવારમાંથી આવતા હોય, જેમની પાસે ટેબલ ફેન લેવાના રૂપિયા હોતા નથી તેઓ દર્દીને હોસ્પિટલમાંથી આપવામાં આવેલી ફાઈલથી હવા નાખતા હોય છે. એટલું જ નહિ, એક દર્દીના સંબંધી તો થાળીથી દર્દીને હવા નાખતા નજરે પડ્યા હતા.

સાંસદ મોહન કુંડારિયા દ્વારા વર્ષ 2019 દરમિયાન AC આપવામાં આવ્યાં હતાં.
સાંસદ મોહન કુંડારિયા દ્વારા વર્ષ 2019 દરમિયાન AC આપવામાં આવ્યાં હતાં.
દર્દીના સંબંધીઓ ફાઈલથી હવા નાખી રહ્યા છે.
દર્દીના સંબંધીઓ ફાઈલથી હવા નાખી રહ્યા છે.

દર્દીએ બમણી પીડા સહન કરવી પડે છે
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામથી જમનાદાસ પટેલ નામના 86 વર્ષના વૃદ્ધ દર્દી છેલ્લા 15 દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં કિડનીની બીમારી સબબ સારવાર લઇ રહ્યા છે. તેમના સંબંધી પ્રવીણભાઇએ જણાવ્યું હતું કે અહીં એસી છે, પણ બંધ હાલતમાં છે. પંખા છે પણ કોઇ હવા નથી આવતી. ગરમીને કારણે દર્દીએ બમણી પીડા સહન કરવી પડે છે, માટે તંત્ર પાસે અમે એસી નહિ તો હવા આવે એવા પંખાની સુવિધાની માગ કરી રહ્યા છીએ.

તંત્ર પાસે અમે એસી નહિ તો હવા આવે એવા પંખાની સુવિધાની માગ કરી રહ્યા છીએ: દર્દીના સંબંધી.
તંત્ર પાસે અમે એસી નહિ તો હવા આવે એવા પંખાની સુવિધાની માગ કરી રહ્યા છીએ: દર્દીના સંબંધી.

તંત્ર ક્યારે દર્દીઓની વેદના તરફ ધ્યાન આપશે
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલ તંત્રને બંધ એસી-પંખા અંગે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર પાસે તેમની રજૂઆત સાંભળવા કે દર્દીની વેદના સમજવા સમય જ ન હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા દર્દીઓની વેદના સમજી તેમને પંખા અને એસીની સુવિધા સારી રીતે ક્યારે પૂરી પાડવામાં આવશે એ જોવું મહત્ત્વનું રહેશે

અન્ય સમાચારો પણ છે...