રાજકોટ:સિવિલમાં કોવિડ વિભાગની બેદરકારી, દર્દીનું સેમ્પલ મિસપ્લેસ, રિપોર્ટ આવે તે પહેલા જ કોરોના વોર્ડમાં સારવાર શરૂ કરી દીધી, વીડિયો વાઈરલ

રાજકોટ2 વર્ષ પહેલા
રાજકોટ સિવિલમાં દર્દીના સંબંધી રિપોર્ટ લેવા માટે છેલ્લા 3 દિવસથી ધક્કા ખાય રહ્યા છે
  • દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

રાજકોટમાં સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. દિનેશ ગોરધન ચંદારાણા નામના દર્દીનું સેમ્પલ મિસપ્લેસ થઈ ગઈ ગયું છે. દર્દીના સંબંધી રિપોર્ટ લેવા માટે છેલ્લા 3 દિવસથી ધક્કા ખાય રહ્યા છે. દર્દીને કોરોના છે કે નહીં તે પણ ખબર ન હતી. તેમ છતાં કોરોના વોર્ડમાં સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. જેને લઈને દર્દીના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ તો દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સિવિલના ડોક્ટરે જણાવ્યું હતું કે કદાચ સેમ્પલ મિસપ્લેસ થઈ ગયું હોય શકે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

અઠવાડિયા પહેલા કરવામાં આવેલો કોવિડ રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી
વીડિયો મુજબ સિવિલના ડો. દુશ્રાએ જણાવ્યું હતું કે કદાચ દર્દીનું સેમ્પલ મિસપ્લેસ થયું હોય શકે છે. મારાથી મદદ થતી હશે એટલી હું કરીશ. દર્દીના સગાએ પૂછ્યું હતું કે થોડા દિવસ પહેલા એક કેસ આવ્યો હતો. પહેલા દર્દીને પાંચમા માળે રાખવામાં આવ્યો હતો પછી તેને પહેલા માળે રાખવામાં આવ્યો હતો. જેનું નામ રમણીકભાઈ સવાણી હતું. 2-3 દિવસ તેને અહીંયા રાખ્યા પછી તેને ટ્રાન્સફર કર્યા અને કહ્યું કે તમને ફેફ્સામાં કફ છે. પહેલા દિવસે એમ કહ્યું કે કોવિડ છે અને આજની તારીખમાં તેનો રિપોર્ટ આવ્યો નથી. તેનો રિપોર્ટ તમે બતાવો મને. ત્યારે ડો. દુશ્રાએ જણાવ્યું હતું કે મારી પાસે રિપોર્ટ ન હોય.

રાજકોટ મનપા દ્વારા રેપિડ ટેસ્ટને લઈને ઉઠતા સવાલો
રાજકોટ રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ તો અન્ય લેબમાં પોઝિટિવ કેસ આવ્યો છે. નિવૃત્ત નેવી ઓફિસર મનન ભટ્ટ અને તેમના પત્નીનો રિપોર્ટને લઈને સવાલો ઉઠ્યા છે. સવારે રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો આથી શંકા જતા ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો તો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા દ્વારા ઘર બહાર પોઝિટિવ બોર્ડ લગાવવામાં આવ્યું છે. મનન ભટ્ટે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, થોડા સમયથી મને તાવ આવે છે. મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. થોડી દિવસ બાદ મારી પત્નીને પણ તાવ આવી ગયો હતો. આથી મેં ડોક્ટરને દેખાડ્યું. તેઓએ કહ્યું તમારે એક્સ રે અને બ્લડ રિપોર્ટ કરવો પડશે. બ્લડનો રિપોર્ટ આવ્યો હતો તો તેમાં ડોક્ટરે કહ્યું તમારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે. આથી મેં નજીકના પીએચસી સેન્ટરમાં જઈને કોરોના ટેસ્ટ કરાવ્યો. તો નેગેટિવ રિપોર્ટ આવ્યો. તે જ દિવસે મેં ખાનગી લેબમાં સેમ્પલ આપ્યું. તો બીજ દિવસે પોઝિટવ રિપોર્ટ આવ્યો. રેપિડ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો અને લેબમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ટેસ્ટ કિટ છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ.