નેતાઓ શીખ લે:રાજ્યના 1લા દર્દી નદીમની સેવા, સિવિલમાં દર્દીઓ અને સ્વજનોને હિંમત આપે છે, એમ્બ્યુલન્સની લાઇનમાં ઊભા રહેલા લોકોને પાણી પીવડાવે છે

રાજકોટ6 મહિનો પહેલા
  • મેં પણ સિવિલમાં સારવાર લીધી, ડરો નહીં અને સાવચેત રહો તો કોરોનામાંથી બહાર આવી શકાયઃ નદીમ

દેશમાં કોરોનાની પ્રથમ લહેરમાં રાજકોટના નદીમ નામના યુવકને ગુજરાતમાં પ્રથમ પોઝિટિવ કોરોનાનો કેસ આવ્યો હતો. ત્યારે આ યુવકને 17 દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો. બાદમાં સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતાં ઘરે આવતાં જ તેમનું આસપાસના લોકોએ સ્વાગત કર્યું હતું. હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે નદીમ સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ અને સ્વજનોને હિંમત આપી રહ્યો છે અને એમ્બ્યુલન્સની લાઇનમાં ઊભા લોકોને પાણી પીવડાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. આવી રીતે ચૂંટાયેલા નેતાઓ પણ બહાર આવે તો ઘણા દર્દીઓને રાહત થાય તેમ છે, પરંતુ ગણ્યાગાંઠ્યા નેતાઓ જ હાલ સેવા કરી રહ્યા છે જે શરમજનક વાત છે.

સ્વજનો અને દર્દીને હિંમત આપે છે
આજે રાજકોટમાં રોજના 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે છતાં મોટા ભાગના સાંસદો, ધારાસભ્યો કે કોર્પોરેટરો સેવામાં ડોકાયા પણ નથી. આ લોકો માટે શરમજનક વાત એ છે કે ગુજરાતનો પ્રથમ કેસ જે યુવાનને આવ્યો હતો તે યુવાન આજે ચૌધરી હાઇસ્કૂલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે ત્યાં દર્દીઓ અને તેમનાં સ્વજનોને પાણી પીવડાવે છે અને સ્વજનો-દર્દીને હિંમત આપે છે કે ડરશો નહીં. તે લોકોની સેવા કરે છે. નદીમે જણાવ્યું હતું કે મારાં માતા-પિતાએ મને કહ્યું હતું કે દર્દીઓને પાણી પીવડાવીશ પુણ્ય મળશે.

નદીમે હરતુંફરતું પાણીનું પરબ શરૂ કર્યું.
નદીમે હરતુંફરતું પાણીનું પરબ શરૂ કર્યું.

19 માર્ચ 2020ના રોજ નદીમને કોરોના પોઝિટિવ આવ્યો હતો
19 માર્ચ 2020ના રોજ નદીમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે ગુજરાતનો પ્રથમ કેસ હતો. આ યુવાન કોરોના દર્દીઓનાં સ્વજનો માટે નિઃશુલ્ક પાણીની સેવા શરૂ કરી છે. નદીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર સારવાર લેવા આવેલા દર્દીઓને તેમજ તેમનાં સગાંને નિઃશુલ્ક પાણી આપે છે તેમજ દર્દીઓને હિંમત આપવાનું કામ કરી રહ્યો છે. ચૂંટણી સમયે લોકોએ ખોબલે ખોબલે મત આપી રાજકીય નેતાઓને ચૂંટ્યા હતા, પરંતુ આજે લોકોને જ્યારે મદદની જરૂર છે ત્યારે આવા નેતાઓ ઘરમાં પુરાઇને બેસી રહ્યાં છે. રાજકોટ જિલ્લામાં ગણ્યાગાંઠ્યા નેતાઓ જ લોકોની મદદે આવ્યા છે.

દર્દીના સ્વજનને ગાડીમાં બેસાડી હોસ્પિટલ સુધી પહોંચાડે છે.
દર્દીના સ્વજનને ગાડીમાં બેસાડી હોસ્પિટલ સુધી પહોંચાડે છે.

કોરોનાની બીજી લહેર ખૂબ ભયંકર- નદીમ
નદીમ સાથે વાતચીત કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેરમાં જે પ્રકારના કેસ સામે આવ્યા હતા એના કરતાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હું દર્દીઓનાં સગાંને માત્ર એક જ અપીલ કરું છું કે, સાવચેતી રાખે અને પોતાના ઘરમાં જ રહે. પોઝિટિવ દર્દી રસ્તા પર ફરે નહીં અને પોતાને હોમ ક્વોરન્ટીન રાખે તેમજ ડોક્ટરની સલાહ મુજબ સારવાર લે. હાલ નદીમ પોતાના મિત્રો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓ તેમજ દર્દીઓના સગાને નિઃશુલ્ક પાણીની સેવા આપી રહ્યો છે તેમજ દર્દીઓને પણ અપીલ કરી રહ્યો છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી જરૂરી છે.

તરસ્યા દર્દી અને તેનાં સ્વજનોની તરસ છિપાવે છે.
તરસ્યા દર્દી અને તેનાં સ્વજનોની તરસ છિપાવે છે.

સેવા સાથે નદીમ દર્દીઓનાં સ્વજનોને અપીલ કરી રહ્યો છે
સમગ્ર રાજ્યમાં રાજકોટના નદીમ નામના યુવકને પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. તે સાઉદી અરેબિયાના પ્રવાસથી રાજકોટ ખાતે આવ્યો હતો. ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ 17 દિવસ સુધી તેની સારવાર આપવામાં આવી હતી. જ્યારે તેના પરિવારને રાજકોટના પથિકાશ્રમમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નદીમ તેમજ તેના પરિવારના સભ્યો પણ ખૂબ જ ચિંતિત હતા તેમજ તેમની માનસિક સ્થિતિ પણ બગડી ગઈ હતી. ત્યારે હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. નદીમના પરિવારના સભ્યો અને પોતાના મિત્રોની મદદથી આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને પાણી સાથે આશ્વાસન આપી રહ્યો છે તેમજ કહી રહ્યો છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતીથી કોરોનાને હરાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...