રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભરઉનાળે એસી બંધ રહેતા આઈસીયુના દર્દીઓની હાલત કફોડી બની છે. બુધવારે હાર્ટએટેકના એક દર્દી ગરમીને કારણે બેડ પર સૂઇ શકતા ન હતા અને આખરે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડ્યા હતા. આ મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એસી બંધ હોવા અંગે તબીબી અધિક્ષકને ફરિયાદ કરાઈ હતી પણ નિવેડો આવ્યો ન હતો. ઓપરેશન થિએટરમાં પણ સેન્ટ્રલ એસી બંધ થયા હતા અને રિપેર નથી થયું ત્યાં સ્પ્લીટ એસી નાખવા પડ્યા હતા.
સિવિલમાં હાલમાં ઈમર્જન્સી વિભાગ તેમજ આઈસીયુમાં 5થી વધુ એસી બંધ હોવાથી ફરિયાદ છે આ સિવાય કેમ્પસમાં તો 200થી વધુ એસી છે જે પણ ખખડધજ છે પણ ત્યાં હવે દર્દીઓને દાખલ કરાતા નથી એટલે ફરિયાદ કોઇ કરતું નથી. બીજી તરફ જોઇએ તો તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીની કચેરીમાં એક બે નહિ પણ 3-3 એસી લગાવેલા છે. આ ઉપરાંત એન્ટિ ચેમ્બર પણ વાતાનુકૂલિત છે. સિવિલના અધિક્ષકની કચેરીમાં ગમે તેવા ઉનાળામાં પણ તાપમાન 20 ડિગ્રીની આસપાસ જ રહે છે બગડે તો તાત્કાલિક રિપેર પણ થાય છે તેની સામે આઈસીયુના દર્દીઓ ગરમીમાં ઊકળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.